pet lion attacks woman and children in Pakistan : પાકિસ્તાનથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વીય શહેર લાહોરમાં એક પાલતુ સિંહે ફાર્મહાઉસમાંથી ભાગી છૂટ્યા બાદ એક મહિલા અને તેના બે બાળકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. આ પછી પાલતુ સિંહના માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ લોકોને ઇજાગ્રસ્ત કરનાર પાલતુ સિંહના માલિકની ધરપકડ કરવામાં આવી છે.
દિવાલ કુદીને સિંહે કર્યો હુમલો
આ ઘટનાના વીડિયો ફૂટેજમાં સિંહ પીડિતો પર હુમલો કરતા પહેલા રહેણાંક વિસ્તારની દિવાલ કૂદી રહ્યો હોવાનું જોવા મળે છે. પોલીસ અધિકારી ફૈઝલ કામરાને એસોસિયેટેડ પ્રેસને જણાવ્યું હતું કે બુધવારે રાત્રે સિંહ તેના પાંજરામાંથી ભાગ્યો ત્યારે તેણે 5 અને 7 વર્ષના બાળકો અને મહિલાને ચહેરા અને હાથ પર ઇજાઓ પહોંચાડી હતી.
પોલીસ રિપોર્ટ મુજબ બાળકોના પિતાએ પોલીસને જણાવ્યું કે સિંહનો માલિક ઉભો ઉભો જોતો હતો પરંતુ તેને રોકવા માટે તેમણે કોઈ પ્રયાસ કર્યો ન હતો અને જાનવરે તેના પરિવાર પર પંજાથી હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે બાદમાં આ સિંહ માલિકના ફાર્મહાઉસમાં પાછો ફર્યો હતો અને તેને વાઇલ્ડલાઇફ પાર્કમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો
આ વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક સિંહ દીવાલ પર ચઢીને બજાર તરફ દોડે છે. આ દરમિયાન ત્યાં હાજર લોકો ડરી જાય છે. સિંહને જોઈને મહિલા પણ ભાગે છે પરંતુ સિંહ તેને એક પંજો મારીને પાડી દે છે. આ પછી સિંહ આગળ વધી જાય છે. આ દરમિયાન લોકો ભયભીત જોવા મળી રહ્યા છે. સિંહના દીવાલ કુદ્યા બાદ ફાર્મહાઉસમાંથી એક વ્યક્તિ પણ બહાર આવે છે.
આ પણ વાંચો – પાણી વગર મહિનાઓ સુધી જીવિત રહી શકે છે આ 7 પ્રાણીઓ, જાણો કેવી રીતે
તમને જણાવી દઈએ કે જેમ લોકો પોતાના ઘરમાં ડોગ અને બિલાડીઓ પાળે છે તેમ પાકિસ્તાનમાં નાગરિકોને સિંહ અને દીપડાને રાખવાની છૂટ આપવામાં આવી છે, ત્યાંના શ્રીમંત લોકો ઘણીવાર સિંહ, ચિત્તા અને અન્ય પ્રાણીઓનો પાળે છે. આ માટે પાકિસ્તાનની સરકાર તેમને લાયસન્સ પણ આપે છે.