India US Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને અસમંજસની સ્થિતિ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ અને રશિયા પાસેથી તેલ ખરીદવા પર 25 ટકા વધારાના ટેરિફ લગાવ્યા છે. આ સાથે જ જ્યારે પીએમ મોદી ચીનમાં શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિનને મળ્યા તો ટ્રમ્પને વધારે ભડક્યા હતા. ટ્રેડ ડીલ અને ડેડલાઇનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે ભારત તરફથી વિલંબ થઇ રહ્યો છે. સાથે જ આ મુદ્દે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ભારત ડેડલાઇન પ્રમાણે ડીલ ન કરી શકે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મોટું નિવેદન આપતા કહ્યું કે ભારતની વેપાર વાટાઘાટો માત્ર વાજબી અને નક્કર છે, સમયરેખાના દબાણ પર નહીં. અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતી (બીટીએ) પર ચાલી રહેલી વાટાઘાટો અંગે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત ઉતાવળમાં કોઈ પણ ડીલને આખરી ઓપ આપશે નહીં.
અમે સમયની મર્યાદામાં બંધાતા નથી
પીયુષ ગોયલે કહ્યું કે અમે ક્યારેય વેપાર કરારને સમયમર્યાદા સાથે બાંધી દેતા નથી. અમારો ઉદ્દેશ એ છે કે આ સમજૂતી સારી થાય અને બંને દેશો માટે ફાયદાકારક બને. ભારત હંમેશા સમાનતા અને નિષ્પક્ષતા પર આધારિત ડિલ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે દ્વિપક્ષીય વેપાર કરાર પર ભારત અને અમેરિકા વચ્ચે સક્રિય વાટાઘાટો ચાલી રહી છે.
વાતચીતની તારીખ હજુ નક્કી થઇ નથી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે માર્ચથી અત્યાર સુધી પાંચ તબક્કાની બેઠકો થઈ ચૂકી છે. જોકે અમેરિકી સરકારે 27 ઓગસ્ટથી ભારતીય ઉત્પાદનો પર 50 ટકા ડ્યૂટી લગાવ્યા બાદ 25 ઓગસ્ટે યોજાનારી છઠ્ઠા રાઉન્ડની વાતચીતને સ્થગિત કરી દેવામાં આવી છે અને ખાસ વાત એ છે કે આગામી બેઠકની તારીખ હજુ નક્કી થઇ નથી.
આ પણ વાંચો – પીએમ મોદી થયા ભાવુક, કહ્યું – આ ગાળો ફક્ત મારી માતાનું નહીં પરંતુ દરેક માતાનું અપમાન છે
પીયુષ ગોયલે ગ્રીન એનર્જી વિશે શું કહ્યું?
20મી ગ્લોબલ સસ્ટેનેબિલિટી સમિટમાં પીયૂષ ગોયલે કહ્યું કે ભારત આજે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં દુનિયાનું નેતૃત્વ કરી રહ્યું છે. તેમણે માહિતી આપી હતી કે ભારત માત્ર ₹4.60થી ₹5 પ્રતિ યુનિટ (આશરે 5 સેન્ટ)ના દરે ચોવીસ કલાક સ્વચ્છ ઊર્જા પૂરી પાડે છે, જે વિશ્વમાં સૌથી સસ્તી છે.
પીયૂષ ગોયલે કહ્યું કે 2014 પહેલા દેશના ઘણા ભાગોમાં વિજળી ખૂબ મોંઘી અને ઓછી ઉપલબ્ધ હતી. તે સમયે કેટલાક રાજ્યોમાં લોકોને 12થી 13 રૂપિયા પ્રતિ યૂનિટ સુધી વિજળી ખરીદવી પડતી હતી. પરંતુ નેશનલ ગ્રીડની રચના બાદ સ્થિતિ બદલાઈ ગઈ અને હવે દક્ષિણ ભારત જેવા વિસ્તારોમાં પહેલા કરતા લગભગ ચાર ગણા સસ્તા દરે વીજળી મળી રહી છે.