Delhi Red Fort Car Blast: મંગળવારે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં 13 લોકોના મોત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કડક ચેતવણી આપી હતી. ભૂટાનના થિમ્પુમાં બોલતા તેમણે કહ્યું હતું કે, “આ પાછળના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. જવાબદાર તમામ લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.” વડા પ્રધાન રાજા જિગ્મે સિંગ્ય વાંગચુકના ૭૦મા જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે પડોશી દેશની બે દિવસીય મુલાકાતે આજે થિમ્પુ પહોંચ્યા હતા.
એક જાહેર કાર્યક્રમને સંબોધતા વડા પ્રધાન મોદીએ વિસ્ફોટને ભયાનક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ અસરગ્રસ્ત પરિવારોના દુ:ખને સમજે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “હું આજે ખૂબ જ ભારે હૃદય સાથે અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ બધાને દુઃખ પહોંચાડ્યું છે. હું અસરગ્રસ્ત પરિવારોનું દુ:ખ સમજું છું.
આજે, આખો રાષ્ટ્ર તેમની સાથે ઉભો છે. હું આ ઘટનાની તપાસમાં સામેલ તમામ એજન્સીઓ અને તેમાં સામેલ તમામ મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્કમાં હતો. તે બધા સાથે ચર્ચા ચાલી રહી હતી. માહિતી એકઠી કરવામાં આવી રહી હતી. અમારી એજન્સીઓ આ ષડયંત્રના તળિયે પહોંચશે. તેની પાછળના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.”
લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક બોમ્બ વિસ્ફોટ
રાષ્ટ્રીય રાજધાનીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 ની બહાર સોમવારે સાંજે ચાલતી કારમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું છે, જ્યારે લાલ કિલ્લાને ત્રણ દિવસ માટે મુલાકાતીઓ માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL), રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) તપાસમાં સામેલ એજન્સીઓ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તપાસ ટીમ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
પોલીસે FIR નોંધાવી
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, વિસ્ફોટકો અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમો હેઠળ કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. FIR માં UAPA ની કલમ 16 અને 18 શામેલ છે, જે આતંકવાદી હુમલા માટે કાવતરું અને સજા સાથે સંબંધિત છે.
આ પણ વાંચોઃ- Delhi Blast : શું આત્મઘાતી હુમલો છે દિલ્હી બ્લાસ્ટ? તપાસ એજન્સીઓ આ 5 બાબતોને અવગણના નથી કરી રહી?
સૂત્રોએ સમાચાર એજન્સી PTI ને જણાવ્યું હતું કે પુલવામાના રહેવાસી અને ડૉક્ટર ઉમર મોહમ્મદ કથિત રીતે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાર્કિંગ વિસ્તાર નજીક વિસ્ફોટમાં વપરાયેલી Hyundai i20 કાર ચલાવી રહ્યા હતા. લાલ કિલ્લા પાસે વિસ્ફોટ થયેલી કાર ચલાવનાર વ્યક્તિની પહેલી તસવીર તે વિસ્તારના સીસીટીવી ફૂટેજમાંથી સામે આવી છે.





