Ramnath Goenka Lecture 2025 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠા રામનાથ ગોએન્કા લેક્ચરમાં ઘણી મોટી વાતો કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે આપણે બધા એક એવા વિભૂતિના સન્માનમાં અહીં આવ્યા છીએ જેમણે ભારતીય લોકશાહીમાં પત્રકારત્વ, અભિવ્યક્તિ અને જન આંદોલનની શક્તિને નવી ઊંચાઈઓ આપી છે. તેમણે કહ્યું કે રામનાથજી એક વિઝનરીના રુપમાં, એક Institutional build-upના રુપમાં, નેશનલિસ્ટના રુપમાં અને એક મીડિયા લીડરના રુમમાં ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપને ફક્ત એક અખબાર તરીકે જ નહીં, પરંતુ એક મિશન તરીકે ભારતના લોકો વચ્ચે સ્થાપિત કર્યું.
રામનાથજી હંમેશા સત્યની સાથે ઉભા રહ્યા છે
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે રામનાથજી હંમેશા સત્યની સાથે ઉભા રહ્યા છે. હંમેશા ફરજને સર્વોપરી રાખી. તેમના વિશે એવું કહેવામાં આવતું હતું કે તેઓ ખૂબ જ અધીર હતા, અને અધીરતા નકારાત્મક અર્થમાં નહીં, પરંતુ પોઝેટિવ સેન્સમાં. તે અધીરતા જે પરિવર્તન માટે પરિશ્રમની પરાકાષ્ઠા કરાવે છે, તે અધીરતા જે સ્થિર પાણીમાં પણ હલચલ મચાવે છે. એ જ રીતે આજનું ભારત વિકાસ માટે અધીરું છે. ભારત આત્મનિર્ભર બનવા માટે અધીરું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે ઇન્ડિયન એક્સપ્રેસના મંચ પરથી હું કહી શકું છું કે ભારત માત્ર એક ઉભરતું બજાર નથી, પણ ભારત એક ઉભરતું મોડેલ પણ છે. આજે વિશ્વ ભારતીય વિકાસ મોડલને આશાનું મોડલ માને છે.
બિહાર ચૂંટણીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે તમને 14 નવેમ્બરના રોજ આવેલા પરિણામો યાદ રહેશે. આ ઐતિહાસિક પરિણામો સાથે બીજી એક બાબત ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. લોકશાહીમાં લોકોની વધતી ભાગીદારીને કોઈ અવગણી શકે નહીં. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે બિહારના ઇતિહાસમાં સૌથી વધુ મતદાન થયું છે. મહિલાઓનું મતદાન પુરુષોની તુલનામાં લગભગ 9 ટકા વધારે હતું. આ પણ લોકશાહીની જીત છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દેશમાં જે પણ સરકારો છે, પછી ભલે કેન્દ્રમાં અમારી સરકાર હોય કે રાજ્યોમાં વિવિધ પક્ષોની સરકારો હોય. તેમણે કહ્યું હતું કે આપણી સૌથી મોટી પ્રાથમિકતા માત્ર એક જ હોવી જોઈએ – વિકાસ, વિકાસ અને માત્ર વિકાસ. બિહારના પરિણામોએ ફરી એક વખત બતાવ્યું છે કે ભારતના લોકોની આકાંક્ષાઓ અને તેમની એસ્પિરેશન કેટલી વધારે છે. આજે ભારતના લોકો એવા રાજકીય પક્ષો પર વિશ્વાસ કરે છે જે લોકોની તે આકાંક્ષાઓને સદ્ભાવના સાથે પૂર્ણ કરે છે, વિકાસને પ્રાથમિકતા આપે છે.
ભાજપના લાખો કરોડો કાર્યકરોએ તેમના પરસેવાથી ભાજપના મૂળને પાણી આપ્યું છે
પીએમ મોદીએ કહ્યું કે ભાજપના લાખો કરોડો કાર્યકરોએ તેમના પરસેવાથી ભાજપના મૂળને પાણી આપ્યું છે અને હજી પણ તેનું પાલન કરી રહ્યા છે. એટલું જ નહીં, કેરળ, બંગાળ, જમ્મુ-કાશ્મીર એવા કેટલાક રાજ્યોમાં, અમારા સેંકડો કાર્યકરોએ પોતાના લોહથી પણ ભાજપના મૂળને પાણી આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જે પક્ષ પાસે આવા સમર્પિત કાર્યકરો છે, તેના માટે ઉદ્દેશ્ય માત્ર ચૂંટણી જીતવાનો નથી, પરંતુ તેઓ લોકોનું દિલ જીતવા માટે સેવાની ભાવના સાથે સતત કામ કરે છે.
વિકાસનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના વિકાસ માટે વિકાસના લાભો દરેક સુધી પહોંચે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દલિતો, શોષિત… દરેકને. તેમણે કહ્યું કે જ્યારે સરકારી યોજનાઓનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચે છે ત્યારે સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય છે, પરંતુ આપણે જોયું છે કે કેવી રીતે છેલ્લા કેટલાક દાયકાઓમાં કેટલાક પક્ષો અને કેટલાક પરિવારોએ સામાજિક ન્યાયના નામે તેમના સ્વાર્થ પૂર્ણ કર્યા છે. મને આજે સંતોષ છે કે દેશ સામાજિક ન્યાયને વાસ્તવિકતામાં પરિવર્તિત થતો જોઈ રહ્યો છે.
આ પણ વાંચો – રામનાથ ગોએન્કા સાર્વજનિક જીવનમાં સાહસ અને સત્યનિષ્ઠાના પ્રતીક હતા – પીએમ મોદી
પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યો પ્રહાર
કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ભારતના બંધારણને નકારી કાઢતા માઓવાદી આતંકને પોષી રહી છે. માત્ર દૂરના વિસ્તારો અને જંગલોમાં જ નહીં, કોંગ્રેસે શહેરોમાં પણ નક્સલવાદના મૂળ પોષ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે 10-15 વર્ષ પહેલા કોંગ્રેસમાં પગ જમાવનાર શહેરી-નક્સલવાદી માઓવાદીઓ હવે કોંગ્રેસ, મુસ્લિમ-લિગી માઓવાદી કોંગ્રેસ બની ગયા છે. આજે હું પૂરી જવાબદારી સાથે કહીશ કે મુસ્લિમ લિગી માઓવાદી કોંગ્રેસે પોતાના સ્વાર્થમાં દેશહિતનું બલિદાન આપી દીધું છે. મુસ્લિમ લીગ માઓવાદી કોંગ્રેસ આજે દેશ માટે મોટો ખતરો બની રહી છે.
આ પ્રસંગે બોલતા એક્સપ્રેસ ગ્રુપના ચેરમેન વિવેક ગોએન્કાએ જણાવ્યું હતું કે આ લેક્ચર કોઈ સમારોહ નથી, પરંતુ સત્ય કહેવા, જવાબદારી અને વિચારોની શક્તિના મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા છે.
એક્સપ્રેસ ગ્રુપના ચેરમેન વિવેક ગોએન્કાએ જણાવ્યું હતું કે આ એક એવો સમય છે જ્યારે વિશ્વમાં શક્તિનું સંતુલન બદલાઈ રહ્યું છે, જ્યારે દેશો તેમની ભૂમિકા અને હેતુને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે, અને જ્યારે અનિશ્ચિતતા અને અસ્થિરતા આપણા સમયના સૌથી મહત્વપૂર્ણ શબ્દો બની ગયા છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીના સર્વોચ્ચ ચૂંટાયેલા કાર્યાલયનું પ્રતિનિધિત્વ કરતા પ્રધાનમંત્રીની વાત સાંભળવી વધુ મહત્વપૂર્ણ બની જાય છે.





