PM Modi Kuwait Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના અમીર શેખ મેશાલ અલ અહમદ અલ જબર સબાના આમંત્રણ પર કુવૈત પહોંચ્યા છે. 43 વર્ષ બાદ કોઇ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. આ મુલાકાતથી ભારત અને કુવૈત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય ખુલવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રી મોદી કુવૈતમાં વસતા ભારતીય લોકોને પણ સંબોધિત કરશે. કુવૈતની અર્થવ્યવસ્થામાં ભારતીય સમુદાયની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. ચાલો હવે જાણીએ કે ભારતીયો ત્યાં શું કરે છે અને કેટલા પૈસા ભારતમાં મોકલે છે.
કુવૈતની અર્થવ્યવસ્થાને ધારદાર બનાવવામાં ભારતીયોની મહત્વની ભૂમિકા છે. દર વર્ષે ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં જાય છે. કુવૈતમાં મોટી સંખ્યામાં ભારતીય કામદારો છે, ખાસ કરીને આરોગ્ય અને તેલ ક્ષેત્રમાં. કુવૈતની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં ભારતીય ડોકટરો અને નર્સો કામ કરે છે અને આરોગ્ય સેવાઓની સફળતા ભારતીય કામદારો પર આધારિત છે. જો ભારતીય ડોક્ટરો અને નર્સો કુવૈતથી ભારત પરત ફરશે તો આરોગ્ય ક્ષેત્રે મોટી અસર થશે.
મોટા ભાગના લોકો ક્યા રાજ્યમાંથી જાય છે?
ભારત અને કુવૈત વચ્ચે વર્ષ 2012માં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં એક કરાર પર હસ્તાક્ષર થયા હતા. કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસનું કહેવું છે કે કુવૈતમાં સૌથી વધુ લોકો કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુના છે. આમાંના મોટાભાગના લોકો નર્સો અને ડોકટરો તરીકે સેવા આપે છે.
આ પણ વાંચો – રશિયાના કાઝાનમાં મોટો હુમલો, 9/11ની જેમ ઇમારતોને નિશાન બનાવવામાં આવી
ભારતીયોને કેટલું વેતન મળે છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતના અકુશળ કામદારોને કુવૈતમાં દર મહિને 100 કુવૈતી દિનારનો પગાર મળે છે. આ અકુશળ કામદારોમાં મજૂરો, હેલ્પર અને ક્લીનરનો સમાવેશ થાય છે. સેમી સ્કિલ્ડ વર્કસમાં ડિલિવરી બોયઝ, બાર્બર, સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ થાય છે. તેમને 100થી 170 દિનારનો માસિક પગાર મળે છે. સંપૂર્ણ કુશળ કામદારોને પગાર તરીકે દર મહિને 120 થી 200 કુવૈતી દિનાર મળે છે. જેમાં ટેકનિકલ અને મિકેનિકલ વર્કર્સનો સમાવેશ થાય છે.
ભારતની અર્થવ્યવસ્થાને પણ આપી રહ્યા છે મજબૂતી
કુવૈતમાં કામ કરતા ભારતીયો ત્યાંના વિકાસ અને અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. સાથે જ ભારતીય અર્થવ્યવસ્થાને પણ મજબૂતી આપી રહ્યા છે. કુવૈતમાં કામ કરતા ભારતીય કામદારો ત્યાંથી ભારતમાં તેમના પરિવારોને સારી એવી રકમ મોકલે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કુવૈતથી ભારત મોકલવામાં આવેલા પૈસાનો આંકડો 6.3 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. નાણાકીય વર્ષ 2023-2024માં બંને દેશો વચ્ચે 10.47 અબજ ડોલરનો વેપાર થયો હતો.