Pariksha Pe Charcha Spending: પરીક્ષા પે ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ છે. સરકાર દ્વારા 2018માં દર વર્ષે બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓનું માનસિક દબાણ ઓછું કરવા માટે એક પહેલ શરૂ કરવામાં આવી હતી અને તે પહેલનું નામ પરીક્ષા પે ચર્ચા છે. તાજેતરમાં જ આ કાર્યક્રમની 8મી આવૃત્તિ દિલ્હીના ભારત મંડપમમાં યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ કાર્યક્રમમાં બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને સંબોધન કર્યું હતું. તેમજ આ વર્ષે આ કાર્યક્રમમાં શિક્ષકો અને અનેક મોટી હસ્તીઓ જોડાઇ હતી. દેખીતી રીતે જ સેલિબ્રિટીઝના આવવા પાછળ ખર્ચ થયો હશે. હવે શિક્ષણ મંત્રાલયે આ કાર્યક્રમ માટે થયેલા ખર્ચ અંગે ચોંકાવનાર આંકડા આપ્યા છે.
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પાછળ પાંચ વર્ષમાં કેટલો ખર્ચ થયો?
હકીકતમાં, શિક્ષણ મંત્રાલયે લોકસભામાં કહ્યું છે કે વર્ષ 2020 થી 2024 દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે કુલ 64.38 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ કાર્યક્રમ પાછળના ખર્ચમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. 2020માં આ કાર્યક્રમ પાછળ બહુ ઓછો ખર્ચ થયો હતો. ત્યારે શિક્ષણ મંત્રાલયે 5.69 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. વર્ષ 2021માં ખર્ચની રકમ નજીવી વધીને 6 કરોડ થઇ હતી.
2023માં સૌથી વધુ ખર્ચ
વર્ષ 2022માં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પાછળનો ખર્ચ ઘણો વધી ગયો હતો. તે વર્ષે કુલ ખર્ચ 8.16 કરોડ રૂપિયા હતો, પરંતુ 2023માં આ ખર્ચમાં વધારો ઘણો વધારે હતો, જે અત્યાર સુધીનો સૌથી વધુ ખર્ચ છે. 2023માં આ કાર્યક્રમ પાછળ 27.70 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. 2024માં ખર્ચની રકમ ઘટીને 16.83 કરોડ રૂપિયા થઇ હતી.
મંત્રાલય પાસે આ સાંસદોએ માહિતી માંગી હતી
પીએમ મોદી 2018થી આ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. સાંસદ માલા રોય અને મનિકમ ટાગોરે લોકસભામાં કાર્યક્રમની કિંમત અને આવા ભંડોળની ફાળવણી અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રાલયે આ માહિતી આપી હતી. જો કે મંત્રાલય દ્વારા આ વર્ષના કાર્યક્રમની વિગતો શેર કરવામાં આવી ન હતી.
શિક્ષણ મંત્રાલયનું બજેટ પણ વધ્યું
આ ખર્ચમાં આ કાર્યક્રમના એકંદર આયોજનનો ખર્ચ અને દેશભરમાંથી આવતા બાળકોના આતિથ્ય-સત્કારના ખર્ચનો સમાવેશ થાય છે, એમ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલા લેખિત જવાબમાં જણાવાયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયનું બજેટ પણ વધ્યું છે. શિક્ષણ મંત્રાલયનું વર્ષ 2021-22 માટે બજેટ વધારીને 93,224 કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. તો વર્ષ 2024-25 માટે શિક્ષણ મંત્રાલયનું બજેટ 1,21,118 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.





