PM Modi Speech On New GST Reforms : મોદી સરકારે બુધવારે જીએસટી પર મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે 12 અને 18 ટકાના ટેક્સ સ્લેબને નાબૂદ કર્યો છે અને હવે 5 અને 18 ટકાના માત્ર બે જ ટેક્સ સ્લેબ લાગુ પડશે. આ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેં આ વખતે 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે નેક્સ્ટ જનરેશન રિફોર્મ કરવા ખૂબ જરૂરી છે.
દિવાળી અને છઠ પૂજા પહેલા ખુશીનો ડબલ ધમાકો : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું મેં દેશવાસીઓને વચન પણ આપ્યું હતું કે આ દિવાળી અને છઠ પૂજા પહેલા ખુશીનો ડબલ ધમાકો થશે. ગઈકાલે ભારત સરકારે રાજ્ય સરકારની સાથે મળીને એક બહુ મોટો નિર્ણય લીધો છે. હવે જીએસટી વધુ સરળ બની ગયો છે. જીએસટીના મુખ્ય 5 ટકા અને 18 ટકા રેટ થઇ ગયા છે. જીએસટીના નવા દરો સોમવાર, 22 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસથી લાગુ થશે.
પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પીએમ મોદીએ કહ્યું કે પહેલાની સરકારોમાં કેટલી મોટી રકમનો ટેક્સ સામાન પર લેવામાં આવતો હતો. 2014 માં હું સત્તામાં આવ્યો તે પહેલાં, કોંગ્રેસ સરકાર આવી ઘણી વસ્તુઓ પર જુદા જુદા ટેક્સ લેતી હતી, પછી ભલે તે રસોડાની વસ્તુઓ હોય, કૃષિ વસ્તુઓ હોય, દવાઓ હોય, જીવન વીમો પણ હોય. પીએમ મોદીએ કહ્યું કે જો તેવો જ સમય હોત તો આજે જો તમે 100 રૂપિયાની કોઈ વસ્તુ ખરીદો છો તો તમારે 20-25 રૂપિયા ટેક્સ આપવો પડ્યો હોત. પરંતુ અમારી સરકારનો ઉદ્દેશ સામાન્ય લોકોના જીવનમાં વધુને વધુ બચત કેવી રીતે થાય અને લોકોનું જીવન કેવી રીતે સુધરે તેવો છે.
આ પણ વાંચો – ‘પિતા પોલિસી બનાવે છે, પુત્ર તેનાથી પૈસા કમાય છે’, પવન ખેડાનો નીતિન ગડકરી પર આકરો પ્રહાર
ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સુધારાઓની આ પ્રક્રિયા અટકવાની નથી
પીએમ મોદીએ કહ્યું કે ભારતના આજના વિદ્યાર્થીઓ અને આવનારી પેઢીઓમાં શરૂઆતથી જ એક પ્રશ્નનો પ્રચાર અને પ્રસાર કરવાની જરૂર છે. અને તે સવાલ એ છે કે મારે એવું તે શું કરવું જોઈએ જે મારા દેશની કેટલીક જરૂરિયાતોને પૂર્ણ કરે? આજે ફરી દેશવાસીઓને કહીશ કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સુધારાઓની આ પ્રક્રિયા અટકવાની નથી. ભારત માટે આત્મનિર્ભરતા – આ કોઈ સૂત્ર નથી, આ દિશામાં નક્કર પ્રયાસો થઈ રહ્યા છે.