PM Modi Sri Lanka Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાના પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. શનિવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે અને પીએમ મોદી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ હતી. શ્રીલંકા સરકારે પીએમ મોદીને મિત્ર વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા છે.
આ પછી પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દિસાનાયકે દ્વારા શ્રીલંકા મિત્ર વિભૂષણથી સન્માનિત કરવા મારા માટે ગર્વની વાત છે. આ સન્માન માત્ર મારું સન્માન નથી, પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ ભારત અને શ્રીલંકા વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને ગાઢ મિત્રતાનું સન્માન છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત માટે એ ગર્વની વાત છે કે અમે એક સાચા પાડોશી મિત્ર તરીકે પોતાની ફરજો નિભાવી છે. 2019નો આતંકવાદી હુમલો હોય, કોવિડ રોગચાળો હોય કે પછી તાજેતરની આર્થિક કટોકટી હોય, અમે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં શ્રીલંકાના લોકોની સાથે ઉભા રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે શ્રીલંકા અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને વિઝન મહાસાગર બંનેમાં ખાસ સ્થાન ધરાવે છે. ભારતે ‘સૌનો સાથ સૌનો વિકાસ’નું વિઝન અપનાવ્યું છે. અમે અમારા ભાગીદાર દેશોની પ્રાથમિકતાઓને પણ મહત્વ આપીએ છીએ. માત્ર છેલ્લા 6 મહિનામાં જ અમે 100 મિલિયન ડોલરથી વધારે રકમની લોનને ગ્રાન્ટમાં પરિવર્તિત કરી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેના જૂના સંબંધો
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓ જૂના આધ્યાત્મિક અને આત્મીયતાનાં સંબંધો છે. મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે 1960માં ગુજરાતના અરવલ્લીમાં મળેલા ભગવાન બુદ્ધના અવશેષોને શ્રીલંકામાં દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે. ત્રિંકોમાલીમાં થિરુકોનેશ્વરમ મંદિરના જીર્ણોદ્ધારમાં ભારત સહાયતા કરશે.
આ પણ વાંચો – ચીને અમેરિકા પર 34% વધારાનો ટેરિફ લગાવ્યો, નવા ટ્રેડ વોરની શરૂઆત
માછીમારોની આજીવિકા સાથે જોડાયેસા મુદ્દાઓ પર ચર્ચા થઈ
પીએમ મોદીએ કહ્યું કે અમે માછીમારોની આજીવિકાને લગતા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. અમે સંમત છીએ કે આપણે આ બાબતમાં માનવતાવાદી અભિગમ સાથે આગળ વધવું જોઈએ. અમે માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા અને તેમની નૌકાઓને પાછા મોકલવાનો આગ્રહ પણ કર્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો પરસ્પર વિશ્વાસ અને સદ્ભાવના પર આધારિત છે.
શ્રીલંકાના 700 કર્મચારીઓને ભારતમાં ટ્રેનિંગ આપવામાં આવશે
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે શ્રીલંકામાં ભારતીય મૂળના તમિલ સમુદાય માટે 10,000 મકાનોનું નિર્માણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ ઉપરાંત શ્રીલંકાના 700 કર્મચારીઓને ભારતમાં તાલીમ આપવામાં આવશે. તેમાં સાંસદો, ઉદ્યોગસાહસિકો અને યુવા નેતાઓનો સમાવેશ થાય છે. અમારું માનવું છે કે આપણા સુરક્ષા હિતો એકબીજા સાથે જોડાયેલા છે. આપણી સુરક્ષા એકબીજા પર નિર્ભર છે અને એકબીજા સાથે જોડાયેલી છે.