PM Modi visit Mauritius : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં પ્રવાસી ભારતીયોને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે હું 10 વર્ષ પહેલાં આજ દિવસે મોરેશિયસ આવ્યો હતો. આ હોળીના એક અઠવાડિયા પછીની વાત છે. આ વખતે હું હોળીના રંગો મારી સાથે ભારત લઇ જઇશ. પીએમે કહ્યું કે આપણે એક પરિવારની જેમ છીએ. તેમણે કહ્યું હતું કે આ ભાવના સાથે પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ અને અન્ય લોકો અહીં ઉપસ્થિત છે. હું આપ સૌનું સ્વાગત કરું છું.
મોરેશિયસે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન (જીસીએસકે) આપવાની જાહેરાત કરી છે.
વડાપ્રધાન મોદીએ મહાકુંભથી ગંગા જળ લાવીને રાષ્ટ્રપતિ ધર્મબીર ગોખુલને ભેટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 50 વર્ષ અગાઉ ગંગાજળ મોરેશિયસ લાવવામાં આવ્યું હતું અને ગંગા તળાવમાં ચઢાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ભાષા અને ખાનપાનની દ્રષ્ટિએ જોવામાં આવે તો મોરિશિયસ એક મિની ઇન્ડિયા છે. એટલું જ નહીં, પીએમ મોદીએ કહ્યું કે જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આપણી 500 વર્ષની પ્રતીક્ષા પૂરી થઈ ગઈ હતી, પછી ભારતમાં જે ઉત્સાહ અને ઉજવણી હતી તે જ મોટો ઉત્સવ આપણે અહીં મોરેશિયસમાં જોયો હતો. તમારી ભાવનાઓને સમજીને ત્યારે મોરેશિયસે અડધા દિવસની રજા જાહેર કરી દીધી હતી.
પીએમ નવીન મારા શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા દિલ્હી આવ્યા હતાઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે મને યાદ છે કે જ્યારે મને 1998માં આંતરરાષ્ટ્રીય રામાયણ પરિષદ માટે અહીં આવવાની તક મળી હતી. ત્યારે હું સરકારી હોદ્દા પર પણ ન હતો. હું અહીં એક સામાન્ય કાર્યકરાના પૈસાથી આવ્યો હતો. જોગાનુજોગ નવીન તે સમયે પણ વડાપ્રધાન હતા. હવે જ્યારે હું વડાપ્રધાન બન્યો ત્યારે નવીન મારા શપથવિધિ સમારોહમાં ભાગ લેવા દિલ્હી આવ્યા હતા. વર્ષો પહેલાં ભગવાન રામ અને રામાયણ માટે જે શ્રદ્ધા અને લાગણીની અનુભૂતિ થતી હતી, તે આજે પણ અનુભવું છું.
પીએમ મોદીએ ભોજપુરીમાં વાત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું અને હિન્દી અને ભોજપુરી બંનેમાં ભાષણ આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે બિહાર સાથે તમારા ભાવનાત્મક સંબંધોને પણ હું સમજું છું. જ્યારે વિશ્વના ઘણા ભાગો શિક્ષણથી દૂર હતા, ત્યારે નાલંદા જેવી વૈશ્વિક સંસ્થા ભારતમાં અને બિહારમાં હતી. અમારી સરકારે નાલંદા વિશ્વવિદ્યાલય અને નાલંદા ભાવનાને પુનર્જીવિત કરી છે. આજે ભારતમાં બિહારના મખાનાની ખૂબ ચર્ચા થાય છે. તમે જોશો કે દિવસ દૂર નથી, બિહારની આ મખાના આખી દુનિયામાં નાસ્તાના મેનુનો એક ભાગ બની જશે.
મોરેશિયસની સાથે ભારત હંમેશા ઉભું રહેશેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે સંકટના સમયમાં ભારત હંમેશા મોરેશિયસની સાથે ઉભું રહ્યું છે. કોવિડ -19 દરમિયાન, ભારત એક લાખ રસી અને આવશ્યક દવાઓ પહોંચાડનાર પ્રથમ દેશ હતો. જ્યારે મોરેશિયસમાં સંકટ છે ત્યારે ભારત સૌથી પહેલા મદદ માટે આગળ આવે છે. જ્યારે મોરેશિયસ સમૃદ્ધ થાય છે, ત્યારે ભારત સૌથી પહેલા ઉજવણી કરે છે. છેવટે તો, અમારા માટે મોરેશિયસ એક પરિવાર છે.