Operation Sindoor : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફરી એકવાર પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારથી પાકિસ્તાનને ચેતવણી આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી.
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની જનસભામાં કહ્યું કે આજે જ્યારે હું સિંદૂર ખેલાની આ ધરતી પર આવ્યો છું ત્યારે આતંકવાદને લઇને ભારતના નવા સંકલ્પની ચર્ચા સ્વભાવિક છે. 22 એપ્રિલે પહેલગામમાં આતંકીઓએ કરેલી બર્બરતા બાદ પશ્ચિમ બંગાળમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. તમારી અંદર જે ગુસ્સો અને આક્રોશ હતો, તેને હું સારી રીતે સમજી શકતો હતો. આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂર મિટાવવાનું દુસ્સાહસ કર્યું. આપણી સેનાએ તેમને સિંદૂરની શક્તિનો પરિચય કરાવ્યો. અમે આતંકના તે સ્થળોનો નાશ કર્યો. જેની પાકિસ્તાને કલ્પના પણ કરી ન હતી.
પાકિસ્તાન પાસે દુનિયાને આપવા માટે કશું પણ પોઝિટિવ નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આતંકને પોષતા પાકિસ્તાન પાસે દુનિયાને આપવા માટે કશું પણ પોઝિટિવ નથી. જ્યારથી તેઓ અસ્તિત્વમાં આવ્યા છે, ત્યારથી તેઓએ માત્ર આતંકને પોષ્યો છે. 1947માં ભાગલા બાદ તેમણે ભારત પર આતંકી હુમલો કર્યો. થોડા વર્ષો પછી અહીં પડોશમાં આજના બાંગ્લાદેશમાં જે આતંક મચાવ્યો હતો, પાકિસ્તાની સેનાએ બાંગ્લાદેશમાં જે રીતે બળાત્કાર અને મર્ડર કર્યા તે કોઈ ભૂલી શકશે નહીં. આતંક અને નરસંહાર પાકિસ્તાની સેનાની સૌથી મોટી કુશળતા છે.
આ પણ વાંચો – એક્સપ્રેસ અડ્ડામાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું – ઘણા જિલ્લાઓમાં લવ જેહાદ એક વાસ્તવિકતા
જો આતંકવાદી હુમલો થશે તો પાકિસ્તાનને ભારે કિંમત ચૂકવવી પડશે
પ્રધાનમંત્રીએ ભૂતકાળના યુદ્ધોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે જ્યારે સીધું યુદ્ધ લડવામાં આવે છે ત્યારે તેનો પરાજય નિશ્ચિત હોય છે. આ જ કારણ છે કે પાકિસ્તાનની સેના આતંકીઓનો સહારો લે છે. પહેલગામ હુમલા બાદ હવે ભારતે દુનિયાને કહ્યું છે કે જો ભારત પર આતંકી હુમલો થશે તો દુશ્મનને મોટી કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાન સમજી લે ત્રણ વખત ઘરમાં ઘૂસીને માર્યા છે. બંગાળની આ ધરતી પરથી 140 કરોડ ભારતીયોની આ જાહેરાત એ છે કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી.