PM Narendra Modi Bhutan Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનના પ્રવાસે છે અને અહીં તેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે. પીએમ મોદી ત્યાં આ સન્માન મેળવનાર પ્રથમ વિદેશી સરકારના નેતા બન્યા છે. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે પીએમ મોદીને ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલપોથી સન્માનિત કર્યા છે. બે દિવસના ભૂટાન પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન રાજધાની થીંપુના તાશિચો દ્વાંગ પેલેસ પહોંચ્યા હતા. અહીં તેમનું વિધિવત્ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમની મુલાકાત ભૂટાનના રાજા જિગ્મે વાંગચુક સાથે થઈ હતી.
આ પહેલા પીએમ મોદીનું ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેએ પારો એરપોર્ટ પર ભેટીને સ્વાગત કર્યું હતું. ટોબગેએ મોદીને કહ્યું કે સ્વાગત છે મારા મોટાભાઈ. ભૂટાનના રાજા દ્વારા ‘સર્વોચ્ચ નાગરિક સન્માન’થી સન્માનિત કરાયા બાદ પીએમ મોદીએ કહ્યું કે આજે એક ભારતીય તરીકે મારા જીવનનો ખૂબ મોટો દિવસ છે, તમે મને ભૂટાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યો છે.
યોગ્ય દિશામાં જઇ રહ્યા છે પગલાં – પીએમ મોદી
પીએમ મોદીએ આ સમય દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું કે દરેક એવોર્ડ પોતાનામાં ખાસ હોય છે પરંતુ જ્યારે એવોર્ડ અન્ય દેશમાંથી આવે છે ત્યારે લાગે છે કે આપણા બંને દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે 140 કરોડ ભારતીયો જાણે છે કે ભૂટાનના લોકો તેમના પોતાના પરિવારના સભ્યો છે. ભૂટાનના લોકો પણ જાણે છે અને માને છે કે ભારત તેમનો પરિવાર છે.
આ પણ વાંચો – કેજરીવાલ પહેલા કયા-કયા મુખ્યમંત્રીની થઇ છે ધરપકડ, શું જેલ ગયા પછી રાજીનામું જરૂરી છે?
ભારત-ભૂટાનના સંબંધો અતૂટ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા સંબંધો, મિત્રતા, પરસ્પર સહયોગ અને વિશ્વાસ અતૂટ છે. તેથી આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું 2014માં ભારતનો પ્રધાનમંત્રી બન્યો હતો ત્યારે મારી પ્રથમ વિદેશ યાત્રાના રુપમાં ભૂટાન આવવું સ્વાભાવિક હતું. 10 વર્ષ પહેલાં ભૂટાન દ્વારા કરવામાં આવેલા કે સ્વાગત અને ઉષ્માભર્યા આવકારને કારણે પ્રધાનમંત્રી તરીકેની મારી ફરજ યાત્રાની સફરની શરૂઆત યાદગાર બનાવી દીધી હતી.
વડાપ્રધાન મોદી સતત ‘નેબરહુડ ફર્સ્ટ’ની નીતિનો વિસ્તાર કરી રહ્યા છે. આ અંતર્ગત ભૂટાન સાથે ભારતના અનુઠા સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી બે દિવસની રાજકીય યાત્રા પર પહોંચ્યા હતા.





