BJP CM Meeting: લોકસભા ચૂંટણી 2024માં ભાજપનું પ્રદર્શન યુપીથી લઇને મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં ઘણું ખરાબ રહ્યું હતું. ચૂંટણી પરિણામો બાદ આજે પણ પીએમ મોદીની અધ્યક્ષતામાં ભાજપના મુખ્યમંત્રીઓ સાથે બે દિવસીય બેઠક ચાલુ છે. પ્રથમ દિવસે આ બેઠક સાડા ત્રણ કલાક ચાલી હતી.
આ બેઠકમાં ભાજપ શાસિત 13 રાજ્યોના મુખ્યમંત્રી અને એનડીએ શાસિત ત્રણ રાજ્યોના તમામ ઉપમુખ્યમંત્રી પણ સામેલ થયા હતા. એવામાં તમામ મુખ્યમંત્રીઓએ પોતાના રાજ્યો વિશે પ્રેઝન્ટેશન આપ્યું તો બીજી તરફ પીએમ મોદીએ પણ પોતાના તમામ મુખ્યમંત્રીઓને ખાસ સૂચનો આપ્યા છે.
આ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની સૌથી વધુ ચર્ચા એટલા માટે થઇ હતી કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ યુપીમાં તેમની સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સંગઠન અને સરકાર વચ્ચેના વિવાદ અંગે નિવેદન આપ્યું હતું, જે પાર્ટી માટે મુસીબત બન્યું હતું.
આવી સ્થિતિમાં પીએમ મોદી સાથે મુખ્યમંત્રીઓની બેઠકમાં તેમણે આ વાત પર ભાર મુક્યો હતો. તેમણે સૂચન કર્યું હતું કે સરકાર અને સંગઠન વચ્ચે વધુ સારું સંકલન થવું જોઈએ અને કેન્દ્ર સરકારની યોજનાઓને રાજ્યોમાં સરળતાથી લાગુ કરવી જોઈએ.
આ પણ વાંચો – માત્ર વિપક્ષના સીએમ જ નહીં, નીતિશ કુમારે પણ નીતિ આયોગની બેઠકમાં હાજરી આપી નહીં
મન નાનું કરવાની જરૂર નથી – પીએમ મોદી
આ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં ભાજપને થયેલા નુકસાન અંગે કહ્યું હતું કે મન નાનું કરવાની જરૂર નથી. પીએમ મોદીએ આ સમય દરમિયાન મુખ્યમંત્રીઓના વખાણ કર્યા હતા અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમનું મનોબળ વધાર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણીમાં પાર્ટીએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને કોઈ પણ રીતે મન નાનું કરવાની જરૂર નથી.
બેઠકમાં આપવામાં આવ્યા મહત્વના સૂચનો
આ બેઠક દરમિયાન અયોધ્યા, કાશી વિશ્વનાથ કોરિડોર, ઉજ્જૈન મહાકાલ કોરિડોરની જેમ અન્ય રાજ્યોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્થાન કાર્યક્રમોને પ્રાધાન્ય આપવું જોઈએ. આ માટે તમામ રાજ્યોએ પોતપોતાના વિસ્તારોમાં યોજના બનાવીને પ્રાચીન અને સાંસ્કૃતિક સ્થળોને સમારકામ અને પુન:સ્થાપિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
આસામ સરકારની નોકરીની પહેલની પ્રશંસા કરવામાં આવી
આ બેઠક દરમિયાન ત્રિપુરા સરકારના “ગવર્નમેન્ટ એટ યોર ડોર સ્ટેપ” કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી હતી અને તેનું અનુસરણ અન્ય રાજ્યોએ પણ કરવું જોઈએ. આ બેઠકમાં આસામ સરકારની સરકારી રોજગાર યોજનાની પણ પ્રશંસા કરવામાં આવી હતી. આસામમાં છેલ્લા વર્ષોમાં કેવી રીતે યોજનાબદ્ધ રીતે 1 લાખ નોકરીઓ આપી છે, જે સકારાત્મક રહી છે, તેના પણ વખાણ કરવામાં આવ્યા હતા.