PM Narendra Modi Guyana Visit: PM મોદી ગયાના મુલાકાતઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુયાનામાં બે દિવસના પ્રવાસ પર છે. ગુયાનાના એરપોર્ટ પર પહોંચતા જ પીએમ મોદીનું ગુયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલી અને તેમના કેબિનેટ મંત્રીઓએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ ઈરફાન અલીએ ગુયાનાના 4 મંત્રીઓ, ગ્રેનેડાના પ્રધાનમંત્રી અને બાર્બાડોસના પ્રધાનમંત્રી સાથે ગયાનાના જ્યોર્જટાઉનની એક હોટલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.
ગયાનાના જ્યોર્જટાઉનમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાની આ યાત્રા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે અને ગુયાનાની સંસદની વિશેષ બેઠકને સંબોધિત કરશે. તેઓ બીજી ભારત-કેરિકોમ સમિટમાં કેરેબિયન ભાગીદાર દેશોના નેતાઓ સાથે પણ જોડાશે.
નરેન્દ્ર મોદી ગુયાના જનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન
નરેન્દ્ર મોદી 56 વર્ષમાં ગુયાનાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. તેઓ રાષ્ટ્રપતિ ઇરફાન અલીના આમંત્રણ પર ગુયાના ગયા છે. ગુયાનાની લગભગ 40 ટકા વસ્તી ભારતીય મૂળની છે. ત્યાંનાં રાષ્ટ્રપતિ ઇરફાન અલી પણ ભારતીય મૂળનાં છે. તેમના પૂર્વજો 19મી સદીની શરૂઆતમાં ગુયાનામાં ગીરમીટિયા મજૂરો તરીકે આવ્યા હતા. આ બધાની વચ્ચે એક સવાલ એ પણ ઊભો થાય છે કે ગીરમીટિયા મજૂરો કોણ છે અને ભારત સાથે તેમનું શું કનેક્શન છે?
ગીરમીટિયા મજૂરો 1838માં પ્રથમ વખત ગુયાના પહોંચ્યા હતા
19મી સદીની શરૂઆતમાં બિહાર અને ઉત્તર પ્રદેશના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો મજૂર તરીકે યુરોપના ઘણા દેશોમાં ગયા હતા, આ મજૂરોને પાછળથી ગીરમીટિયા કહેવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે લગભગ 15 લાખ ભારતીયોને વધુ સારા ભવિષ્યની આશામાં મોરેશિયસ, સૂરીનામ, ગુયાના, હોલેન્ડ, ત્રિનિદાદ અને ફિજી જેવા દેશોમાં જહાજો દ્વારા મોકલવામાં આવ્યા હતા અને ક્યારેય પાછા ફર્યા ન હતા.
વર્ષ 1838માં પ્રથમ વખત ગીરમીટિયા મજૂરો ગુયાના પહોંચ્યા હતા. 1917 સુધીમાં લગભગ 2.4 લાખ ગીરમીટિયા મજૂરો ગુયાના પહોંચ્યા હતા. આજે ગુયાનામાં વસતા ભારતીય સમુદાયની વસતી લગભગ 40 ટકા છે. આ લોકો ગીરમીટિયા મજૂરોના વંશજ છે જેમણે ગુયાનામાં પોતાનું મૂળ સ્થાપિત કર્યું છે.
આ ગીરમીટિયા મજૂરો મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાંથી આવ્યા હતા, જેઓ શેરડી સહિત અન્ય પાકોની ખેતીમાં કામ કરતા હતા અને ગુયાનાના અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો આપતા હતા. જો કે આ ગીરમીટિયા મજૂરોને શારીરિક અને માનસિક શોષણનો સામનો કરવો પડ્યો હતો.