PM Narendra Modi In G20 Summit : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જોહાનિસબર્ગમાં જી 20 સમિટ દરમિયાન જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશોના નેતાઓએ ઇનોવેશન, સંરક્ષણ અને પ્રતિભાની ગતિશીલતા જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ વેપાર સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર પણ ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ આ મુલાકાત વિશે સોશિયલ મીડિયા X પર માહિતી આપી છે.
પીએમ મોદીએ કહ્યું કે, અમે બંને દેશો વચ્ચે વેપાર સંબંધો વધારવા માટે પણ ઉત્સુક છીએ. એક ઉત્કૃષ્ઠ પૃથ્વી માટે ભારત-જાપાનની મજબૂત ભાગીદારી મહત્વપૂર્ણ છે. ’’
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, બંને નેતાઓએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટે ભારત-જાપાન ભાગીદારીને મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
મોદી અને તાકાઇચીએ 15મી ભારત-જાપાન વાર્ષિક સમિટ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિને સ્વીકારી હતી અને સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને રોકાણ, એસએમઇ, એઆઈ, ક્રિટિકલ મિનરલ્સ, સેમિકન્ડક્ટર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ટેક્નોલોજી અને ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં થયેલી સર્વસંમતિના વહેલા અમલીકરણની હાકલ કરી હતી.
જાપાન AI સમિટને સમર્થન આપે છે
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગની તકો પર પણ ચર્ચા કરી હતી અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. તાકાઇચીએ ફેબ્રુઆરી 2026માં ભારત દ્વારા આયોજિત એઆઈ સમિટને સમર્થન આપ્યું હતું.
પીએમ મોદીએ ઓગસ્ટમાં જાપાનની મુલાકાત લીધી હતી
ઓક્ટોબરમાં જાપાનનું નેતૃત્વ સંભાળ્યા પછી તાકાઇચી અને પ્રધાનમંત્રી મોદી વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી. વડા પ્રધાન મોદીએ આ વર્ષે ઓગસ્ટમાં જાપાનની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન, ભારત અને જાપાને 13 મુખ્ય કરારો અને જાહેરાતોને અંતિમ સ્વરૂપ આપ્યું હતું અને કેટલીક મોટી પહેલ શરૂ કરવાની જાહેરાત કરી હતી.





