PM Modi in Russia: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. પીએમ મોદી જ્યારે રાષ્ટ્રપતિ પુતિનને મળવા આવ્યા તો પુતિને આગળ આવીને ગળે લગાવ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિના મહેલ ક્રેમલિનમાં ડિનર કાર્યક્રમ યોજ્યો હતો. બંનેની ગળે મળવાની તસવીરો દુનિયાના ધ્યાન પર આવી હતી. જે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને પસંદ આવી નથી અને તેમણે ઈશારાઓમાં નારાજગી વ્યક્ત કરી છે.
પીએમ મોદીના રશિયા પ્રવાસની વચ્ચે રશિયાની સેનાએ યુક્રેન પર મિસાઈલ હુમલો કર્યો છે, જેમાં 24 લોકોના મોત થયા છે અને 170 લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે. આ દરમિયાન જ્યારે પીએમ મોદી અને વ્લાદિમીર પુતિનની મુલાકાત થઈ તો ઝેલેન્સ્કીએ તેને ખૂબ જ નિરાશાજનક ઘટના ગણાવી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ભારત કે પીએમ મોદીનું નામ લીધું નથી પરંતુ તેમનો હુમલો ભારત પર હતો, કારણ કે તેમણે લખ્યું હતું કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા.
ઝેલેન્સ્કીએ નારાજગી વ્યક્ત કરી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગયા મહિને જી-7 સમિટમાં પીએમ મોદી સાથે ઉષ્માસભર મુલાકાત કરી હતી, પરંતુ પીએમ મોદીની પુતિન સાથેની મુલાકાતને લઈને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિરાશા વ્યક્ત કરી હતી. ઝેલેન્સ્કીએ એક્સ પર લખ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકશાહીના નેતાને આવા દિવસે મોસ્કોમાં વિશ્વના સૌથી મોટો ખુંખાર ગુનેગારને ગળે લાગતા જોવા એક મોટી નિરાશા અને શાંતિ પ્રયત્નો માટે એક વિનાશકારી ફટકો છે.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદી રશિયા પહોંચ્યા, રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત થઇ, પ્રાઇવેટ ડિનર કર્યુ
ઝેલેન્સ્કીએ એક્સ પર રશિયન સૈન્યના મિસાઇલ હુમલા અને યુક્રેનને થયેલા નુકસાનનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે રશિયાના ક્રૂર મિસાઇલ હુમલાના પરિણામે આજે યુક્રેનમાં 37 લોકો માર્યા ગયા છે અને 170 ઇજાગ્રસ્ત થયા હતા. ઝેલેન્સ્કીએ એમ પણ કહ્યું હતું કે રશિયન સૈન્યએ મિસાઇલ હુમલામાં યુક્રેનની સૌથી મોટી બાળકોની હોસ્પિટલને તબાહ કરી દીધી છે, જ્યાં કેન્સરથી પીડિત યુવાનો સારવાર કરવામાં આવે છે.
મોદી અને પુતિન વચ્ચે જોવા મળી કેમેસ્ટ્રી
વ્લાદિમીર પુતિને પીએમ મોદી સાથે ચા સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન બંનેએ એક બીજાના વખાણ કર્યા હતા. પુતિને પીએમ મોદીને ગોલ્ફ કાર્ટમાં બેસાડીને ક્રેમલિન ગાર્ડન બતાવ્યું હતું. પીએમ મોદીએ વ્લાદિમીર પુતિનને કહ્યું કે યૂક્રેન સંઘર્ષનો ઉકેલ લાવવા માટે વાતચીત અને કૂટનીતિ જ એકમાત્ર રસ્તો છે, કારણ કે યુદ્ધના મેદાનમાં આ સમસ્યાનો ઉકેલ શોધી શકાતો નથી.





