નરેન્દ્ર મોદી – નડ્ડા ચર્ચ પહોંચ્યા, ઇસાઇ સમુદાય સુધી પહોંચ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે ભાજપ, કેટલો રાજનીતિક ફાયદો થશે?

BJP Christmas Celebrations : ચર્ચમાં મોદીની મુલાકાતને ખ્રિસ્તી બહુમતીવાળા વિસ્તારોમાં પાર્ટીના સંગઠનને મજબૂત કરવાની ભાજપની વ્યૂહરચનાના ભાગરૂપે જોવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે શું ભાજપને આનાથી કોઈ રાજકીય લાભ મળશે કારણ કે સંઘ પરિવાર અને ખ્રિસ્તી મિશનરીઓ વચ્ચેના સંબંધો લાંબા સમયથી તણાવપૂર્ણ છે

Written by Ashish Goyal
December 25, 2024 21:37 IST
નરેન્દ્ર મોદી – નડ્ડા ચર્ચ પહોંચ્યા, ઇસાઇ સમુદાય સુધી પહોંચ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે ભાજપ, કેટલો રાજનીતિક ફાયદો થશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રિસમસના અવસર પર દિલ્હીમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા (સીબીસીઆઇ)ના મુખ્યમથકે પહોંચ્યા હતા (તસવીર - સ્ક્રિનગ્રેબ)

BJP Christian Community Outreach : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રિસમસના અવસર પર દિલ્હીમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા (સીબીસીઆઇ)ના મુખ્યમથકે પહોંચ્યા હતા અને ખ્રિસ્તી સમુદાયના લોકોને મળ્યા હતા. મોદીએ પોતાના સંબોધનમાં જર્મનીમાં તાજેતરમાં ક્રિસમસ માર્કેટ પર થયેલા હુમલા અને શ્રીલંકામાં 2019માં થયેલા ઇસ્ટર સન્ડે બોમ્બ ધડાકાનો ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ આ હુમલાઓની નિંદા કરી હતી અને ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સૂત્રને ખ્રિસ્તી સમુદાયના ઉપદેશો સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે બાઇબલ કહે છે, એકબીજાને સહારો આપો. યીશુ મસીહે દયા અને નિઃસ્વાર્થ સેવાનું ઉદાહરણ આપ્યું છે. આ ઉપદેશોને આપણા જીવનમાં લાગુ કરવા માટે આપણે નાતાલની ઉજવણી કરીએ છીએ.

ચર્ચમાં મોદીની મુલાકાતને ખ્રિસ્તી બહુમતીવાળા વિસ્તારોમાં પાર્ટીના સંગઠનને મજબૂત કરવાની ભાજપની વ્યૂહરચનાના ભાગરૂપે જોવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે શું ભાજપને આનાથી કોઈ રાજકીય લાભ મળશે કારણ કે સંઘ પરિવાર અને ખ્રિસ્તી મિશનરીઓ વચ્ચેના સંબંધો લાંબા સમયથી તણાવપૂર્ણ છે. આ સાથે ધર્માંતરણનો મુદ્દો પણ વિવાદનું કારણ બની રહે છે. સંઘ પરિવાર સાથે જોડાયેલા અનેક સંગઠનોએ ખ્રિસ્તી મિશનરીઓ પર ધર્મ પરિવર્તનનો આરોપ લગાવ્યો છે. ભાજપ શાસિત અનેક રાજ્ય સરકારોએ પણ ધર્માંતરણ વિરોધી કડક કાયદા બનાવ્યા છે.

ભાજપના એક નેતાએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ભાજપ અને એનડીએ હવે પૂર્વોત્તરમાં મુખ્ય ચૂંટણી તાકાત છે અને ખ્રિસ્તી વસ્તી ધરાવતી ઘણી બેઠકો પણ એનડીએ જીતી છે. તેથી ચર્ચ સુધી પહોંચવું એ હવે ભાજપના રાજનીતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ગોવામાં ભાજપ એક મોટી તાકાત છે, જ્યાં ખ્રિસ્તી લોકોની સંખ્યા ઘણી વધારે છે. હવે પાર્ટી કેરળમાં વિસ્તરણ કરવાનું વિચારી રહી છે. કેરળમાં પણ મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓ વસે છે.

પીએમ મોદીએ ગયા વર્ષે ઇસ્ટરના અવસર પર દિલ્હીના સેક્રેડ હાર્ટ કેથેડ્રલ ચર્ચની મુલાકાત લીધી હતી. ગયા વર્ષે નાતાલના પ્રસંગે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ચર્ચની મુલાકાત લીધી હતી. નડ્ડાએ કહ્યું હતું કે નાતાલના પવિત્ર પ્રસંગે આ ચર્ચમાં આવવું એ મારા માટે સૌભાગયની વાત છે. ઇશા મસીહનું જીવન સમગ્ર માનવતા માટે પ્રેરણાસ્ત્રોત છે.

આ વખતે પણ નડ્ડા ક્રિસમસની શુભકામના પાઠવવા અને અને આ તહેવારને મનાવવા માટે પાર્ટીના ઘણા નેતાઓ સાથે સીબીસીઆઈ મુખ્યાલય અને સેક્રેડ હાર્ટ કેથેડ્રલ ચર્ચની મુલાકાત લીધી હતી. ભાજપના એક નેતાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના પદાધિકારીઓની બેઠક દરમિયાન નેતાઓને તમામ સમુદાયો સુધી પહોંચવા જણાવ્યું હતું.

સંઘ પરિવાર અને ખ્રિસ્તી સમુદાય વચ્ચેના સંબંધો

સંઘ પરિવાર અને ખ્રિસ્તી મિશનરીઓ વચ્ચેના સંબંધો લાંબા સમયથી તણાવપૂર્ણ છે. 1952માં ભાજપના મૂળ સંગઠન આરએસએસએ છત્તીસગઢના જશપુરમાં ‘વનવાસી કલ્યાણ આશ્રમ’ની સ્થાપના કરી હતી. તેનો હેતુ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા કથિત રીતે કરવામાં આવતા ધર્માંતરણને રોકવાનો હતો. સંઘે અહીં ઘણા સામાજિક કાર્યક્રમો પણ શરૂ કર્યા હતા જેથી આદિવાસીઓ ખ્રિસ્તી ધર્મ અંગીકાર ન કરે.

આ પણ વાંચો – શું શેખ હસીનાને ભારત પાછા મોકલી દેશે? બાંગ્લાદેશે ભારત સરકારને પત્ર લખીને પ્રત્યાર્પણની માંગ કરી

છત્તીસગઢમાં ભાજપના પૂર્વ સાંસદ દિલીપસિંહ જુદેવના સહયોગથી ચલાવવામાં આવતા કલ્યાણ આશ્રમે પણ “ખ્રિસ્તી આદિવાસીઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા” ના ઉદ્દેશ્યથી “ઘર વાપસી” કાર્યક્રમોને પ્રોત્સાહન આપ્યું હતું.

પૂર્વોત્તરમાં સંઘનું વલણ નરમ રહ્યું છે

ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ખ્રિસ્તી ધર્માંતરણ સામે કડક વલણ અપનાવ્યું છે, તો સંઘ અને ભાજપ પૂર્વોત્તરમાં નરમ રહ્યા છે. પૂર્વોત્તર રાજ્યોમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ખ્રિસ્તી બન્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પૂર્વોત્તરમાં પણ ભાજપ એક મોટી તાકાત બનીને ઉભરી આવ્યું છે.

ભાગવતે ધર્માંતરણનો મુદ્દો ઉઠાવ્યો હતો

મધ્ય પ્રદેશના મંડલામાં આરએસએસના 2011ના સામાજિક મહાકુંભમાં બોલતા ભાગવતે ધર્માંતરણનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે જો બધા ધર્મો સમાન છે, તો હું મારા ધર્મને કેમ વળગી ન રહું? પરંતુ વિશ્વ સામ્રાજ્યવાદી છે અને તેઓ વિવિધતાને સ્વીકારી શકતા નથી. આપણે (હિન્દુઓએ) માત્ર વાતો જ કરવાની નથી, પરંતુ કામ પણ કરવાનું છે. ભાગવતે પોતાના ભાષણ દ્વારા ધર્માંતરણનો વિરોધ કર્યો હતો. ભાગવતે કહ્યું હતું કે હિન્દુ સમાજે જાતિ અને ભાષા જેવા અવરોધોને તોડવા જોઈએ.

સંઘે સીરિયન ખ્રિસ્તીઓની પ્રશંસા કરી હતી

આ પહેલા 2003માં સંઘે કેરળના સીરિયન ખ્રિસ્તીઓની પ્રશંસા કરી હતી જેમણે સ્થાનિક પરંપરાઓ અપનાવી હતી. વિજયા દશમીના દિવસે તિરુવનંતપુરમના સેન્ટ જ્યોર્જ ઓર્થોડોક્સ સીરિયન કેથેડ્રલમાં 53 બાળકોને આપવામાં આવેલું શિક્ષણ હિન્દુ રીતરિવાજો જેવું હતું. ત્યારે આરએસએસના મોટા ચહેરા રામ માધવે આ પગલાને સમર્થન આપ્યું હતું.

સુદર્શને “સ્વદેશી ચર્ચ”ની હિમાયત કરી હતી

આ અગાઉ આરએસએસના તત્કાલીન વડા કે.એસ.સુદર્શને પોતાના વિજયા દશમીના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય ખ્રિસ્તીઓએ વેટિકનના કબજામાંથી પોતાને મુક્ત કરવા જોઈએ અને “સ્વદેશી ચર્ચ” બનાવવા માટે કામ કરવું જોઈએ. સુદર્શનના આ નિવેદનની આકરી ટીકા થઈ હતી કારણ કે તેને ખ્રિસ્તી સમુદાયના રિવાજોમાં દખલ તરીકે જોવામાં આવતું હતું.

ભાજપ સરકારો ધર્માંતરણ વિરોધી કાયદો બનાવી રહી છે

વર્ષોથી ભાજપ શાસિત રાજ્યોએ ધર્માંતરણ વિરોધી કાયદાઓને વધુ કડક બનાવવા માટે અનેક પગલાં લીધાં છે. ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આ દિશામાં કાયદો પસાર કર્યો છે. આ કાયદામાં બળજબરીથી ધર્માંતરણ માટે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. એ જ રીતે 2022માં ભાજપના નેતૃત્વવાળી હરિયાણા સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાયદાએ ધર્મ પરિવર્તનને ગુનાહિત ઠેરવ્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષોમાં આરએસએસ અને કેરળના કેટલાક ખ્રિસ્તી નેતાઓએ લવ જેહાદને ગંભીર ખતરો ગણાવ્યો છે. આમ છતાં સંઘ પરિવાર અને ખ્રિસ્તી સમુદાય વચ્ચેના સંબંધો હજુ સુધી સુધર્યા નથી. આરએસએસ અને તેના સંગઠનો માટે ધર્મ પરિવર્તનનો મુદ્દો સતત વિવાદનો હાડકું રહ્યો છે. આવામાં જોવું રહ્યું કે ઇસાઇ સમુદાય સુધી પહોંચવાના આ પ્રયત્નોને ભાજપને કેટલો રાજનીતિક ફાયદો મળે છે.

(અહેવાલ – વિકાસ પાઠક)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ