Narendra Modi RSS Headquarters Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્યાલયની મુલાકાત લેવાના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આરએસએસ હેટક્વાર્ટર કેમ જઈ રહ્યા છે તે અંગે તમામ પ્રકારની ચર્ચાઓ અને પ્રશ્નો છે? મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગપુર મુલાકાત અંગે કશું જ રાજકીય નથી, પરંતુ મોદીની આરએસએસના મુખ્યાલયની મુલાકાત અંગે રાજકીય ચર્ચાઓ ના થાય તેવું શક્ય નથી. મોદીની સંઘ કાર્યાલયની મુલાકાતને ભાજપ અને આરએસએસ વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા તરીકે જોવામાં આવી રહી છે.
પીએમ મોદી મોહન ભાગવત સાથે સ્ટેજ શેર કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરએસએસ કાર્યાલયમાં કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે અને આ દરમિયાન તેઓ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે સ્ટેજ શેર પણ કરશે. તેઓ દીક્ષા ભૂમિની મુલાકાત લેશે, જ્યાં ભીમરાવ આંબેડકર અને તેમના અનુયાયીઓએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેડગેવાર સ્મૃતિ મંદિરની પણ મુલાકાત લેશે. તેમાં આરએસએસના સ્થાપક કેશવ બલિરામ હેડગેવાર અને સંસ્થાના બીજા સરસંઘચાલક એમ એસ ગોલવલકરને સમર્પિત સ્મારકો છે.
મોદીએ સપ્ટેમ્બર 2012માં આરએસએસના મુખ્યાલયની મુલાકાત લીધી હતી, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. જુલાઈ 2013માં પણ તેમણે એક બેઠક માટે આરએસએસના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાના દમ પર બહુમતી મેળવી પ્રથમ વખત વડાપ્રધાન બન્યા બાદ આરએસએસના વડા મોહન ભાગવતે દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ગત વર્ષે જાન્યુઆરીમાં મોદી અને ભાગવતે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટન સમારોહમાં મંચ શેર કર્યો હતો.
આરએસએસના મુખ્ય મથકની મુલાકાત લેનારા મોદી પ્રથમ સીટિંગ વડા પ્રધાન હશે. અટલ બિહારી વાજપેયી 2007માં ગોલવલકર શતાબ્દી સમારોહમાં ભાગ લેવા આરએસએસના મુખ્ય મથકની મુલાકાતે ગયા હતા, પરંતુ તે સમયે તેઓ વડા પ્રધાનના પદ પર ન હતા.
જેપી નડ્ડાના નિવેદનથી સંબંધો ખરાબ થયાની ચર્ચા હતી
2024ની લોકસભા ચૂંટણી પહેલા આરએસએસ અને ભાજપના સંબંધોમાં મતભેદ થયા હોવાના સમાચાર મીડિયા અને રાજનીતિ ગલિયારોમાં ચર્ચામાં આવ્યા હતા. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં નિવેદન આપ્યા બાદ આ ચર્ચાએ જોર પકડ્યું હતું. આ મુલાકાતમાં નડ્ડાએ કહ્યું હતું કે ભાજપ હવે આગળ વધી ગયું છે અને એકલા ચાલવા માટે સક્ષમ છે.
આ પણ વાંચો – ઇન્ડિયન એક્સપ્રેસ પાવરફુલ 100 ભારતીયો 2025, અહીં જુઓ સંપૂર્ણ યાદી
2024ની લોકસભા ચૂંટણીમાં જ્યારે ભાજપને અપેક્ષા મુજબની સીટો ન મળી ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે સંઘ સાથે અંતરને કારણે પાર્ટીને નુકસાન થયું છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં ભાજપે આ અંતરને દૂર કરવાનો ચોક્કસ પ્રયાસ કર્યો છે.
પીએમ મોદીએ સંઘની પ્રશંસા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ બે વાર આરએસએસના વખાણ કર્યા છે. ફેબ્રુઆરીમાં ત્રણ દિવસીય 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનમાં ભાગ લેતી વખતે તેમણે આરએસએસની તુલના ‘વટ વૃક્ષ’ સાથે કરી હતી. મોદીએ કહ્યું કે આરએસએસએ મારા જેવા લાખો લોકોને દેશ માટે જીવવાની પ્રેરણા આપી છે.
આ મહિનાની શરૂઆતમાં, અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેનને આપેલા એક ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ તેમના જીવન પર આરએસએસની અસર વિશે ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું હતું કે છેલ્લા 100 વર્ષોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વિશ્વની ઝગમગાટથી દૂર સમર્પણ સાથે કામ કર્યું છે અને તે મારું સદ્ભાગ્ય છે કે મને જીવનના મૂલ્યો આપવામાં આવ્યા છે અને મને આવા સંગઠનથી હેતુનું જીવન મળ્યું છે. મોદીએ કહ્યું હતું કે સંઘ સાથે લાખો લોકો જોડાયેલા છે અને આ સંગઠનને સમજવું એટલું સરળ નથી. તેના કામને યોગ્ય રીતે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
નામ ન આપવાની શરતે આરએસએસના એક કાર્યકર્તાએ કહ્યું કે સંઘ ભાજપની બાબતોમાં હસ્તક્ષેપ કરતું નથી. તેમણે કહ્યું કે જો તેઓ અમારી સલાહ માગે, તો અમે તેમને સલાહ આપીએ છીએ. કેટલીકવાર તે સ્વીકારવામાં આવે છે, કેટલીકવાર નહીં.