પીએમ મોદી રશિયાની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન સામે ઉઠાવી શકે છે આ મુદ્દા, આ એજન્ડા ઉપર પણ થશે ચર્ચા

India-Russia Annual Summit : વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 જુલાઈએ રશિયાના બે દિવસના પ્રવાસે જશે. ફેબ્રુઆરી 2022માં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ રશિયા મુલાકાત છે

Written by Ashish Goyal
July 07, 2024 18:40 IST
પીએમ મોદી રશિયાની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન સામે ઉઠાવી શકે છે આ મુદ્દા, આ એજન્ડા ઉપર પણ થશે ચર્ચા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 જુલાઈએ રશિયાના બે દિવસના પ્રવાસે જશે (ફોટો - સોશિયલ મીડિયા

India-Russia Annual Summit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 જુલાઈએ રશિયાના બે દિવસના પ્રવાસે જશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન મોદી 22માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર મુલાકાત કરી રહ્યા છે. આ સંમેલન ત્રણ વર્ષ પછી યોજાઇ રહ્યું છે. ફેબ્રુઆરી 2022માં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ રશિયા મુલાકાત છે. તેમની રશિયાની છેલ્લી મુલાકાત 2019માં થઇ હતી, જ્યારે તેમણે રશિયન શહેર વ્લાદિવોસ્તોકમાં એક આર્થિક સંમેલનમાં ભાગ લીધો હતો.

બંને નેતાઓ બહુઆયામી સંબંધોની રેન્જની સમીક્ષા કરશે

વિદેશ મંત્રાલયે ગુરુવારે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય મુલાકાતની જાહેરાત કરતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન ભારત અને રશિયા વચ્ચે બહુપક્ષીય સંબંધોની શ્રેણીની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના સમકાલીન પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે.

વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ શુક્રવારે કહ્યું હતું કે આ મુલાકાતમાં યુક્રેન સામે રશિયા તરફથી લડવા માટે ગેરમાર્ગે દોરાયેલા પોતાના નાગરિકોને વહેલી તકે મુક્ત કરવાની ભારતની માંગ પર ચર્ચા થવાની અપેક્ષા છે. ક્વાત્રાએ કહ્યું કે બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. ક્વાત્રાએ કહ્યું કે ભારતનો અંદાજ છે કે 30 થી 40 નાગરિકો પહેલાથી જ યુદ્ધમાં છે.

આ પણ વાંચો – પીએમ મોદીએ યુકેના નવા વડા પ્રધાન કીર સ્ટારમર સાથે વાત કરી, તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું

તેમણે જણાવ્યું હતું કે ભારતીય નાગરિકોને વહેલામાં વહેલી તકે પરત લાવવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પહેલા 10 ભારતીયોને પાછા લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે તેઓ સંરક્ષણ, રોકાણ, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકો વચ્ચેનાં સંબંધો સહિત દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરશે. રશિયાની મુલાકાત બાદ મોદી 9 અને 10 જુલાઈએ ઓસ્ટ્રિયા જશે. 41 વર્ષમાં કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીની તે દેશની આ પ્રથમ મુલાકાત હશે.

પીએમ મોદી ઓસ્ટ્રિયાના પ્રવાસે પણ જશે

ઓસ્ટ્રિયાની મુલાકાત પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસનના સહિયારા મૂલ્યો એ આધાર છે જેના પર બંને દેશો નજીકની ભાગીદારીનું નિર્માણ કરશે. મોદીની આ ટિપ્પણી ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમર દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવેલા એક નિવેદન પછી આવી હતી.

તેમણે કહ્યું હતું કે હું આગામી અઠવાડિયે વિયેનામાં દુનિયાની સૌથી મોટા લોકશાહી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે ખૂબ જ ઉત્સુક છું. તેમણે કહ્યું હતું કે આ મુલાકાત વિશેષ સન્માનની વાત છે, કારણ કે આ મુલાકાત 40 વર્ષથી વધુ સમયમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ મુલાકાત છે અને આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, કારણ કે અમે ભારત સાથે રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ