SCO Summit 2025 : ચીનના તિયાનજિનમાં એસસીઓ સમિટ સમાપ્ત થઇ ગઇ છે. SCO સમિટ સમાપ્ત થતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત આવવા રવાના થયા છે. જો કે એસસીઓ સમિટમાં પીએમ મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના વડા વાલ્દિમીર પુતિનના ફોટા બહુ વાયરલ થયા છે. એશિયાના ત્રણ મોટા દેશોના વડાઓની રાજકીય કેમેસ્ટ્રી જોઇ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચિંતામાં મુકાયા છે.
હવે એક તરફ ચીનમાં એસસીઓ સમિટ યોજાઈ રહી છે તો બીજી તરફ ભારત માટે અમેરિકી દૂતાવાસ તરફથી એક મેસેજ ચર્ચાનો વિષય બન્યો છે. એ સંદેશને પગલે એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કે ભારતની કૂટનીતિને કારણે અમેરિકાનું વલણ બદલાયું છે. આ સમિટમાં એશિયન દેશોની એકતા જોવા મળી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગની રાજકીય કેમિસ્ટ્રી પણ મહત્વની રહી છે.
અમેરિકાએ ભારતના વખાણમાં શું કહ્યું?
હકીકતમાં ભારતમાં અમેરિકન દૂતાવાસે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અમેરિકા અને ભારત વચ્ચે પરસ્પર ભાગીદારીનો ઉલ્લેખ કર્યો છે, બંને દેશોની મજબૂત મિત્રતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. “યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેની ભાગીદારી નવી ઊંચાઈએ પહોંચવાનું ચાલુ રાખે છે – જે 21મી સદીના વ્યાખ્યાયિત સંબંધોમાંનો એક છે. આ મહિને, અમે લોકો, પ્રગતિ અને સંભાવનાઓ પર પ્રકાશ પાડી રહ્યા છીએ જે આપણને આગળ ધપાવી રહ્યા છે. ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાથી માંડીને સંરક્ષણ અને દ્વિપક્ષીય સંબંધો સુધી, આપણા બંને દેશો વચ્ચેની સ્થાયી મૈત્રી જ આ યાત્રાને આગળ ધપાવે છે. હેશટેગ ફોલો કરો અને જોડાઓ #USIndiaFWDforOurPeople સાથે.
અમેરિકાનું વલણ કેવી રીતે બદલ્યું?
હવે આ જ પોસ્ટમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયોનું નિવેદન પણ લખવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી ભારત અને અમેરિકાનાં લોકો વચ્ચે ગાઢ મૈત્રી પર આધારિત છે. હવે નિષ્ણાતો અમેરિકાના સમય પર સવાલ ઉઠાવી રહ્યા છે. ઘણા દિવસોથી ટેરિફ દ્વારા ભારતને દબાવવાની કોશિશ કરી રહેલા અમેરિકાએ અચાનક પરસ્પર ભાગીદારીની વાત શરૂ કરી દીધી છે. બીજી તરફ ભારતે SCO સમિટમાં નામ લીધા વગર અમેરિકા પર નિશાન સાધ્યું છે, પીએમ મોદીએ પોતે અનેક દેશોને મેસેજ આપવાનું કામ કર્યું છે.
PM મોદીએ SCO સમિટમાં શું કહ્યું?
સોમવારે પોતાના નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે જો ગ્લોબલ સાઉથની આકાંક્ષાઓને જૂના માળખામાં પકડવાનો પ્રયાસ કરવામાં આવે છે, તો તે ભવિષ્યની પેઢીઓ સાથે સંપૂર્ણપણે અન્યાય હશે. નરેન્દ્ર મોદી એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે નવી પેઢીના સપના માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ સ્ક્રીન પર જ ન જોઈ શકાય, ક્યારેક સ્ક્રીન બદલવાની જરૂર પડે છે.
અમેરિકા ડેમેજ કન્ટ્રોલ કરવાના પ્રયાસમાં?
હવે એક તરફ પીએમ મોદીના નિવેદનને મહત્વનું માનવામાં આવી રહ્યું હતું તો બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ ભારત સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. બંને દેશોની વધતી નિકટતાએ અમેરિકાને પણ અસહજ બનાવી દીધું હતું. એશિયાની બે મહાસત્તાઓના એક સાથે આવવાથી વિશ્વની સૌથી જૂની લોકશાહીને ચિંતા થઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પની ટેરિફ પોલિસીના કારણે અમેરિકાની ભારત સાથેની મિત્રતા નબળી પડી છે, આવી સ્થિતિમાં નુકસાનને કોઇ રીતે કાબૂમાં લેવાનો પ્રયાસ પણ થઇ રહ્યો છે.