PM Modi Singapore Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી સિંગાપોરના બે દિવસના પ્રવાસે છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે પીએમ મોદી 4 અને 5 સપ્ટેમ્બરે સિંગાપોરની સત્તાવાર મુલાકાતે છે. વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશોના મંત્રીઓએ ઉચ્ચ સ્તરીય ગોલમેજ બેઠકના એક પખવાડિયા બાદ થઇ રહી છે.
પીએમ મોદી છ વર્ષ બાદ સિંગાપુર પહોંચ્યા છે. તેમની આ મુલાકાત એવા સમયે થઇ રહી છે જ્યારે સિંગાપોરમાં સરકાર બદલાઈ ગઈ છે અને લોરેન્સ વોંગે વડા પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી છે. પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે 2025માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોના 60 વર્ષ પૂર્ણ થશે.
સિંગાપુરમાં પીએમ મોદી બિઝનેસ લીડર્સ અને ઘણી મોટી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. સિંગાપોરની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ખાદ્ય સુરક્ષા, ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન અને સેમિકન્ડક્ટર સહિત અનેક એમઓયુ પર હસ્તાક્ષર થવાના છે. આ દરમિયાન દક્ષિણ ચીન સાગર અને મ્યાનમાર જેવા ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
6 વર્ષ પછી સિંગાપોરની યાત્રા પર પીએમ મોદી
વિદેશ મંત્રાલયમાં સચિવ (પૂર્વ) જયદીપ મજુમદારે કહ્યું કે વડાપ્રધાનની સિંગાપુર યાત્રા છ વર્ષ બાદ થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે ભારત અને સિંગાપોર સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં તેમનાં સહકારમાં નોંધપાત્ર વધારો કરવા ઇચ્છે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રધાનમંત્રીની સિંગાપોર મુલાકાત વેપાર અને રોકાણ માટે મહત્ત્વપૂર્ણ છે.
ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી માટે પીએમ મોદીની સિંગાપોર યાત્રા જરૂરી
ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી માટે વડાપ્રધાન મોદીની સિંગાપોર યાત્રા મહત્વપૂર્ણ છે. જયદીપ મજુમદારે કહ્યું કે સિંગાપોર આસિયાન દેશોમાં ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. તે 2023માં 11.77 બિલયન ડોલરના રોકાણ સાથે એફડીઆઈનો એક પ્રમુખ સ્રોત રહ્યો છે. તેમણે કહ્યું હતું કે સિંગાપોર સમગ્ર વિશ્વમાં ભારતનો છઠ્ઠો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર દેશ છે.
આ પણ વાંચો – જમ્મુ કાશ્મીરમાં ભાજપ કેટલી બેઠકો જીતવાની અપેક્ષા રાખે છે?
ભારત અને સિંગાપોર વચ્ચેના સંબંધોનાં અન્ય પણ પાસાં છે. સિંગાપોરમાં કોઈ પણ બિન-ભારતીય શહેરના સૌથી વધુ આઈઆઈટી અને આઈઆઈએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. સિંગાપોરમાં ઇન્ડિયન નેશનલ આર્મીનું ઘર હતું. આ દેશ પણ ઘણા ભારતીય પ્રવાસીઓને આકર્ષે છે.
ભારત-સિંગાપોર વચ્ચેના સંબંધો
1990ના દાયકાથી સિંગાપોર ભારતની “લુક ઇસ્ટ” અને “એક્ટ ઇસ્ટ” નીતિનું એક મહત્વપૂર્ણ ફેક્ટર રહ્યું છે. ભારતે આ નીતિ નવેમ્બર 2014માં 12માં આસિયાન-ઇન્ડિયા સમિટ દરમિયાન શરૂ કરી હતી. આ નીતિનો હેતુ હિંદ મહાસાગરમાં વધતી જતી દરિયાઈ ક્ષમતાનો સામનો કરવાનો અને દક્ષિણ ચીન સાગર અને હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક ભાગીદારીનું નિર્માણ કરવાનો છે.
ચીન દક્ષિણ ચીન સાગરના કેટલાક હિસ્સા પર દાવો કરે છે, જેના કારણે ક્ષેત્રીય સ્તરે શાંતિ પ્રભાવિત થઇ રહી છે. આવી સ્થિતિમાં ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી હેઠળ પીએમ મોદીની સિંગાપોરની મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારત અને આસિયાનનાં સંબંધો મ્યાનમારને કારણે દક્ષિણ એશિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને હકીકતમાં તે દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયા વચ્ચે સેતુનું કામ કરે છે. મ્યાનમાર સાથે ભારતની નિકટતા અને આસિયાનના માધ્યમથી તેની સાથે સિંગાપોરના જોડાણનો અર્થ એ છે કે તે પણ ભારત-સિંગાપોર એજન્ડાનો ભાગ બનશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશોએ સંરક્ષણ સંબંધો પણ વધાર્યા છે. પ્રધાનમંત્રીની મુલાકાત દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓની સમીક્ષા કરવા માટે મહત્ત્વપૂર્ણ પ્રસંગ છે. જો વેપાર અને આર્થિક ભાગીદારી આ સંબંધના કેન્દ્રમાં છે, તો નવા માર્ગો પણ ખુલી રહ્યા છે.





