PM Modi Lok Sabha Speech : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લોકસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ઈતિહાસની ત્રણ ઘટનાઓના આધારે તેમણે કહ્યું હતું કે સંવિધાનમાં સંશોધન કરવાનું લોહી કોંગ્રેસના મોં પર લાગી ગયું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કોંગ્રેસના એક પરિવારે બંધારણને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર છોડી નથી. તેમણે કહ્યું કે 75 વર્ષમાંથી 55 વર્ષ એક જ પરિવારનું શાસન રહ્યું છે અને શું-શું થયું છે. દેશને એ જાણવાનો અધિકાર છે. તમને જણાવી દઈએ કે કઈ-કઇ ઘટનાઓના આધાર પર પીએમ મોદીએ આ વાત કહી હતી.
નેહરુ દ્વારા લખવામાં આવેલી ચિઠ્ઠી
પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લખેલા પત્રનો ઉલ્લેખ કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પાપ 1951માં થયું હતું. આ પત્ર મુખ્યમંત્રીઓને લખવામાં આવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે પંડિત નેહરુના આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે જો બંધારણ આપણા માર્ગમાં આવે છે, તો પછી કોઈપણ સંજોગોમાં બંધારણમાં પરિવર્તન કરવું જોઈએ. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે આ ખોટું થઈ રહ્યું છે, ત્યારે અધ્યક્ષ પદ પર બેઠેલા વ્યક્તિએ પણ કહ્યું હતું કે નહેરુજી ખોટું કરી રહ્યા છે, કોંગ્રેસના તમામ મહાન નેતાઓએ પંડિત નહેરુને રોકવા માટે કહ્યું હતું. પરંતુ નહેરુજીનું પોતાનું બંધારણ ચાલતું હતું તેથી તેમણે કોઈની સલાહ સાંભળી નહીં. બંધારણમાં સંશોધન કરવાનું એવું લોહી કોંગ્રેસ મોઢામાં લાગી ગયું કે સમયાંતરે બંધારણનો શિકાર કરતી રહી. બંધારણમાં અનેક વખત ફેરફાર કરવામાં આવ્યા છે. ”
પીએમ મોદીએ કહ્યું કે જે બીજને દેશના પ્રથમ વડાપ્રધાને વાવ્યું હતું તેને અન્ય પીએમે ખાતર અને પાણી આપ્યું હતું, જેનું નામ ઇન્દિરા ગાંધી હતું.
આ પણ વાંચો – લોકસભામાં પીએમ મોદીએ કહ્યું – સંવિધાનથી તાકાતથી ત્રણ વખત પીએમ બન્યો
કટોકટીનો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ઈન્દિરા ગાંધીની ચૂંટણી કોર્ટે ફગાવી દીધી અને તેમને સાંસદ પદ છોડવું પડ્યું તો તેઓ ગુસ્સે થઈ ગયા અને દેશ પર ઈમરજન્સી લગાવી દીધી. આ કામ ઇન્દિરા ગાંધીની સરકારે એટલા માટે કર્યું કારણ કે ચહેરા પર લોહી લાગી ગયું હતું, કોઇ રોકનાર ન હતું. કોંગ્રેસના માથેથી આ પાપ ક્યારેય ભૂંસાશે નહીં. કોંગ્રેસનું આ પાપ ધોવાઈ જવાનું નથી.
શાહબાનોનો કેસ
વડાપ્રધાને કહ્યું કે રાજીવ ગાંધીની સરકારે વૃદ્ધ મહિલાના અધિકારો છીનવી લીધા છે, જેમને કોર્ટે તેમના અધિકાર આપ્યા હતા. રાજીવ ગાંધીએ કોર્ટની ભાવના, શાહબાનોની ભાવનાને નકારી કાઢી હતી, તેમણે બંધારણને કચડી નાખ્યું હતું. તેમણે ન્યાય માટે એક વૃદ્ધ મહિલાનો સાથ આપ્યો ન હતો પરંતુ કટ્ટરપંથીઓ સાથે ગયા હતા અને સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટાવી દીધો હતો. કારણ કે સંવિધાન સાથે ખિલવાડું કરવાનું લોહી તેમના મોંઢા પર લાગી ચુક્યું હતું.