US Election Results 2024: અમેરિકામાં ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર બનવા જઇ રહી છે. યુએસ ચૂંટણી 2024 પરિણામ જાહેર થતાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ ઐતિહાસિક જીત સાથે આગળ આવ્યા છે. ભારતીય મૂળના કમલા હેરિસ ટ્રમ્પ સામે હારી ગયા છે. ટ્રમ્પની જીત સાથે વૈશ્વિક નેતાઓ શુભેચ્છાઓનો વરસાદ કરી રહ્યા છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી ડોનાલ્ડ ટ્રમ્પને ખાસ શુભેચ્છા પાઠવી છે.
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરતાં ડોનાલ્ડ ટ્રમ્પને જીત માટે શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્રમ્પને પોતાના પરમ મિત્ર ગણાવ્યા અને ઐતિહાસિક જીત માટે દિલથી શુભેચ્છા પાઠવી છે.
ભારત યુએસ સંબંધ વધુ ગાઢ બનાવા માટે પીએમ મોદીએ આતુરતા પણ વ્યક્ત કરી છે. વધુમાં તેમણે સાથે મળીને લોકોના ભલા માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કામ કરવા અંગે પણ ભાર મુક્યો છે.
આ પણ વાંચો: યુએસ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના મહત્વના ત્રણ કારણ જાણો
રિપબ્લિકન પાર્ટી ફરી એકવાર અમેરિકામાં સત્તાનું સુકાન હાથમાં લેવા જઇ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ઐતિહાસિક જીતને પગલે વૈશ્વિક નેતાઓ એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ટ્રમ્પના હરિફ કમલા હેરિસની હાર થઇ છે.





