PM Modi America Visit, પીએમ મોદી અમેરિકા પ્રવાસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસ માટે શનિવારે ડેલાવેયર પહોંચી ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીનવિલ, ડેલાવેયર પહોંચ્યા હતા. જ્યાં યુએસ પ્રમુખ જો બિડેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બન્ને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઇ હતી.
પીએમ મોદી ત્યાં QUAD સમિટ અને અન્ય ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. નરેન્દ્ર મોદી પીએમ તરીકે અત્યાર સુધીમાં 8 વખત અમેરિકાની મુલાકાતે ગયા છે અને હવે તેઓ નવમી યાત્રા પર છે. વિદેશ મંત્રાલય (MEA) એ મંગળવારે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે.
પીએમ નરેન્દ્ર મોદી વિલમિંગટન, ડેલાવેયરમાં હોટેલ ડ્યુપોન્ટ પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ ઉમટ્યા હતા. પીએમ મોદી તેમને મળ્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને ટ્વિટ કર્યું કે આજે હું ડેલાવેયરમાં મારા ઘરે વડાપ્રધાન અલ્બનીઝ, મોદી અને કિશિદાનું સ્વાગત કરીશ. આ નેતાઓ ફક્ત એક સ્વતંત્ર અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક પ્રદેશને સુનિશ્ચિત કરવા માટે જરુરી છે. તેઓ મારા અને આપણા રાષ્ટ્રના મિત્ર છે.
પીએમ મોદીનો અમેરિકામાં કાર્યક્રમ
પીએમ મોદી 21 સપ્ટેમ્બરે ડેલાવેયરના વિલમિંગટનમાં વાર્ષિક ક્વાડ સમિટમાં ભાગ લેશે. આ સંમેલન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનની યજમાનીમાં થશે. પીએમ મોદી 22 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયના સભાને પણ સંબોધિત કરશે. આ પછી પીએમ મોદી 23 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર’ને સંબોધિત કરશે. જ્યાં તેઓ ટેક્નિકલ ક્ષેત્રમાં કામ કરતી ટોચની અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે કોન્ફરન્સ કરશે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન તેમજ અન્ય ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.
આ પણ વાંચો – ભારતીય મૂળના આ યુવકનું લેબનોન પેજર બ્લાસ્ટ સાથે કેમ જોડવામાં આવી રહ્યું છે નામ? જાણો કોણ છે
પીએમ મોદી માટે કડક સુરક્ષા
ચારેય નેતાઓ ડેલાવેયરની આર્ચમેયર એકેડમીમાં ભેગા થશે, જ્યાં યુએસ પ્રમુખ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) અને યુએસ સિક્રેટ સર્વિસ પણ PM મોદીની ન્યૂયોર્કમાં સુરક્ષાનું સંચાલન કરી રહી છે, જ્યાં તેઓ 22 સપ્ટેમ્બરે ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરશે. ભારતીય સમુદાયનો કાર્યક્રમ નાસાઉ કોલિઝિયમ, નાસાઉ કાઉન્ટી, ન્યુયોર્ક ખાતે યોજાશે. નાસાઉ કાઉન્ટી પોલીસ ઘટના સ્થળે સુરક્ષા કડક કરી રહી છે.





