PM Narendra Modi visit Srinagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે શ્રીનગર પહોંચ્યા હતા. પીએમ મોદીએ ‘વિકસિત ભારત, વિકસિત જમ્મુ-કાશ્મીર’ કાર્યક્રમ હેઠળ કરોડો રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ બાદ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે બંધારણની કલમ 370 નાબૂદ થયા પછી જમ્મુ-કાશ્મીર વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે અને સ્વતંત્ર રુપથી શ્વાસ લઈ રહ્યું છે. કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરની પહેલી યાત્રા પર હતા. શ્રીનગરથી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક સેલ્ફી શેર કરી છે જે ચર્ચાનો વિષય બની છે.
પીએમ નરેન્દ્ર મોદીએ ‘એક્સ’ પર પુલવામામાં રહેતા પોતાના મિત્ર નાઝીમ સાથે સેલ્ફી શેર કરી હતી. આ પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું કે મારા મિત્ર નાઝિમ સાથે એક યાદગાર સેલ્ફી. હું તેના સારા કામથી પ્રભાવિત થયો. બેઠકમાં તેણે એક સેલ્ફી લેવાની વિનંતી કરી હતી, તેને મળીને ખુશી થઇ. તેના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભકામનાઓ. પીએમ મોદીની આ પોસ્ટ બાદ સવાલ ઉઠી રહ્યો છે કે નાઝિમ કોણ છે, જેને પીએમ મોદીએ પોતાનો મિત્ર ગણાવ્યો હતો.
નાઝીમ મધમાખી ઉછેર કરે છે
નાઝીમ નઝીર મધમાખી ઉછેર કરનાર છે અને તે પુલવામાના સંબોરા ગામનો વતની છે. તેણે પીએમ મોદી સાથે પોતાનો સંઘર્ષ અને કેવી રીતે મધમાખી ઉછેરનું કામ શરૂ કર્યું તે કહાની બતાવી હતી. નાઝીમ વિકસિત ભારત કાર્યક્રમનો લાભાર્થી છે. નાઝીમે વર્ષ 2018માં પોતાના ઘરની છત પરથી મધ વેચવાની આ સફર શરૂ કરી હતી. તેણે કહ્યું કે તે સમયે તે 10 માં ધોરણમાં હતો અને તે સમય દરમિયાન મધમાખી ઉછેર શરૂ કર્યો. જેમ જેમ નાઝીમનો રસ વધતો ગયો તેમ તેમ તેણે મધમાખી ઉછેર પર વધુ ઓનલાઇન સંશોધન કરવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો – પીએમ મોદીએ કહ્યું- 370થી ફક્ત કેટલાક રાજનીતિક પરિવારને ફાયદો હતો, જાણો પીએમના ભાષણની 10 મોટી વાતો
એક વર્ષમાં 5000 કિલો મધ વેચ્યું
નાઝીમે જણાવ્યું કે 2019માં હું સરકાર પાસે ગયો અને 50 ટકા સબસિડી મળી હતી. મધમાખીના 25 બોક્સમાંથી મેં 75 કિલો મધ કાઢ્યું. મેં આ મધને ગામડાઓમાં વેચવાનું શરૂ કર્યું હતું, જેના માટે મને 60,000 હજાર રૂપિયા મળ્યા. 25 બોક્સમાંથી ઉત્પાદન વધીને 200 બોક્સ સુધી પહોંચી ગયું હતું, જે પછી મેં પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમની મદદ લીધી હતી.
આ યોજના હેઠળ મને 5 લાખ રૂપિયા મળ્યા હતા અને 2020માં મેં મારી વેબસાઇટ શરૂ કરી હતી. નાઝીમે કહ્યું કે ધીરે ધીરે તેની હની બ્રાન્ડને માન્યતા મળી અને તેણે માત્ર વર્ષ 2023માં જ પાંચ હજાર કિલો મધ વેચ્યું છે.
મેં પીએમ મોદીને મારી સાથે સેલ્ફી લેવા વિનંતી કરી હતી – નાઝીમ
શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં પીએમ મોદીને મળવા અને તેમની સાથે વાતચીત કરવા પર નાઝીમે કહ્યું કે આજે સરકારની ઘણી યોજનાઓ છે જે ભારતના ઉદ્યમીઓને સમર્થન આપે છે, પરંતુ જ્યારે મેં શરૂઆત કરી હતી, ત્યારે માત્ર એક જ યોજના હતી. મને ખુશી છે કે મને આજે પીએમ મોદી સાથે વાત કરવા માટે પસંદ કરવામાં આવ્યો. વડા પ્રધાન મોદીએ મને મારી યાત્રા વિશે પૂછ્યું અને તેમણે કેટલાક સૂચનો પણ આપ્યા. મેં પીએમ મોદીને મારી સાથે સેલ્ફી લેવા વિનંતી કરી અને તેમણે મારી વિનંતી પૂરી કરી હતી. તે ખરેખર ઘણું જ સુંદર હતું.