Police FIR Against Sonia Gandhi And Rahul Gandhi : કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી મોટી મુશ્કેલીમાં મુકાયા છે. દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી વિરુદ્ધ ગુનાહિત ષડયંત્રના આરોપમાં કેસ નોંધ્યો છે. રાહુલ ગાંધી અને સોનિયા સિવાય અન્ય છ વ્યક્તિઓ અને ત્રણ કંપનીઓના નામ પણ એફઆઈઆરમાં છે.
એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસ સાથે જોડાયેલી કંપની એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) પર કબજો મેળવવા માટે ગુનાહિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ઇડીની ફરિયાદના આધારે 3ઓક્ટોબરે કેસ નોંધવામાં આવ્યો હતો.
આ એફઆઈઆરમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા અને અન્ય ત્રણ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ સિવાય યંગ ઇન્ડિયન, ડોટેક્સ મર્ચન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય એક કંપની પર પણ તપાસ ચાલી રહી છે.
નેશનલ હેરાલ્ડ કેસનું સૌથી મોટું પાસું એ છે કે કોલકાતા ડોટેક્સની શેલ કંપનીએ યંગ ઇન્ડિયનને એક કરોડ રૂપિયા આપ્યા હતા. આ રકમ દ્વારા યંગ ઇન્ડિયને કોંગ્રેસને માત્ર 50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને કંપની પર નિયંત્રણ મેળવ્યું હતું, જેની સંપત્તિ લગભગ 2000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ પાસું તપાસ એજન્સીનું ધ્યાન ખેંચે છે અને તેથી જ આ કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે.





