Portable Army Hospital | પોર્ટેબલ આર્મી હોસ્પિટલ : ભારતીય વાયુસેના અને ભારતીય સેનાએ શનિવારે 15000 ફૂટની ઊંચાઈએથી એક પોર્ટેબલ હોસ્પિટલને પેરા-ડ્રોપ કરી છે. યુદ્ધ હોય કે કોઈપણ પ્રકારની કુદરતી આફત, આ હોસ્પિટલ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ પોર્ટેબલ હોસ્પિટલ માત્ર ભારતમાં જ બનાવવામાં આવી છે. આ પ્રકારની આ પ્રથમ હોસ્પિટલ છે, જે એર ડ્રોપ કરવામાં આવી છે. તેને આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબ નામ પણ આપવામાં આવ્યું છે.
સંરક્ષણ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, C-130J સુપર હર્ક્યુલસનો ઉપયોગ ક્યુબને એરલિફ્ટ કરવા અને તેને પેરા-ડ્રોપ કરવા માટે કરવામાં આવ્યો છે. તે જમીન પર પડતાની થોડી જ મિનિટોમાં સેનાના જવાનો તેને દર્દીઓની સારવાર માટે તૈયાર કરી દીધી હતી.
લોકોના જીવ બચાવવામાં સરળતા રહેશે
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, હેલ્થ ક્યુબનો ઉપયોગ જરૂરિયાતના સ્થળે ટ્રોમા કેર સુવિધાઓ આપવા માટે થાય છે. આનાથી દૂરના વિસ્તારોમાં લોકોનો જીવ બચાવવામાં પણ સરળતા રહેશે. જો કોઈ સૈનિક યુદ્ધ દરમિયાન ઘાયલ થાય છે, તો તે તેનો જીવ બચાવવામાં ખૂબ અસરકારક સાબિત થશે. ઘણી વખત એવું બને છે કે, સૈનિકને હોસ્પિટલ લઈ જવાનો સમય પણ મળતો નથી.
કુદરતી આફતોમાં પણ મદદરૂપ સાબિત થશે
સેના પાસે આ પોર્ટેબલ હોસ્પિટલ હોવાનો ફાયદો એ થશે કે, તેને યુદ્ધના મેદાનની ખૂબ નજીક લઈ જઈ શકાય છે. સમયસર સારવાર મળવાથી ઘણા સૈનિકોના જીવ બચી જશે. આ પોર્ટેબલ હોસ્પિટલ માત્ર સેના માટે જ અસરકારક સાબિત થશે નહીં પરંતુ, સામાન્ય લોકો માટે પણ તે રામબાણ સાબિત થશે. ભૂકંપ, પૂર અને ભૂસ્ખલન જેવી કોઈપણ કુદરતી આફતના કિસ્સામાં વહેલી તકે સારવાર પહોંચાડી શકાય છે અને લોકોને સારી સારવાર આપીને યોગ્ય સમયે તેમનો જીવ બચાવી શકાય છે.
આ પણ વાંચો –
આ પોર્ટેબલ હોસ્પિટલમાં શું છે ખાસ?
હવે પોર્ટેબલ હોસ્પિટલની વિશેષતા વિશે વાત કરીએ તો, તેમાં ઓપરેશન થિયેટર, એક્સ-રે મશીન, બ્લડ ટેસ્ટિંગ મશીન, વેન્ટિલેટર, ફ્રેક્ચર અને ઘણી ગંભીર ઇજાઓની સારવાર માટે તબીબી સુવિધાઓ છે. એટલું જ નહીં, તેમાં કોમ્પેક્ટ જનરેટર, સ્ટ્રેચર, મોડ્યુલર મેડિકલ ગિયર, દવાઓ અને ખાદ્ય ચીજોનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને એરડ્રોપ અથવા ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન દ્વારા ગમે ત્યાં તૈનાત કરી શકાય છે.





