પ્રજ્વલ રેવન્ના અશ્લીલ વીડિયો કેસ: ક્લિપો વાયરલ થતા પતિ માંગી રહ્યા જવાબ, મહિલાઓ ઘર છોડવા મજબૂર

Prajwal Revanna obscene video case : પ્રજ્વલ રેવન્ના અશ્લીલ વીડિયો કેસમાં પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, વીડિયો ક્લિપો વાયરલ થયા બાદ કેસમાં સામેલ અનેક મહિલાઓ ઘર છોડી જતી રહી.

Written by Kiran Mehta
May 06, 2024 14:17 IST
પ્રજ્વલ રેવન્ના અશ્લીલ વીડિયો કેસ: ક્લિપો વાયરલ થતા પતિ માંગી રહ્યા જવાબ, મહિલાઓ ઘર છોડવા મજબૂર
પ્રજ્વલ રેવન્ના અશ્લીલ વીડિયો કેસ અપડેટ્સ (ફોટો - એક્સપ્રેસ)

Prajwal Revanna Obscene Video Case | પ્રજ્વલ રેવાન્ના અશ્લીલ વીડિયો કેસ : જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્ના દ્વારા કથિત રીતે યૌન શોષણ કરવામાં આવેલી અનેક મહિલાઓની વીડિયો ક્લિપ વાયરલ થયા બાદ તેમાંથી ઘણી મહિલાઓ છેલ્લા 10 દિવસમાં કર્ણાટકના હસન જિલ્લામાં પોતાનું ઘર છોડીને ચાલી ગઈ છે. હસન જિલ્લો જેડીએસના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાનો ગઢ છે. દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ હસનથી વર્તમાન સાંસદ છે અને તેઓ ફરીથી ચૂંટણી લડી રહ્યા છે.

પ્રજ્વલ રેવન્નાએ 26 એપ્રિલે હસનમાં મતદાન કર્યા પછી તરત જ દેશ છોડી દીધો હતો. શનિવારે પ્રજ્વલના પિતા અને હોલેનારસીપુરના ધારાસભ્ય એચ ડી રેવન્નાની એક મહિલાના અપહરણના મામલે ધરપકડ કરવામાં આવી હતી. હસન જિલ્લાથી દૂર આવેલા એક ગામના દુકાનદારે જણાવ્યું કે, આખો જિલ્લો એચડી રેવન્નાના કબ્જામાં છે. જો તમે તેમના વિશે કંઈ પણ ખરાબ કહો છો, તો તે ખૂબ જ ઝડપથી તેમના સુધી વાત પહોંચી જશે. કારણ કે પરિવાર અને પાર્ટી પાસે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે.

મોટાભાગની મહિલાઓ હાસન જિલ્લો છોડવા મજબૂર

ઇન્ડિયન એક્સપ્રેસે જિલ્લાના ત્રણ શહેરો અને પાંચ ગામોની મુલાકાત લીધી હતી અને ઘણા લોકો સાથે વાત કરી હતી. તેમાંથી કોઈ પણ પોતાનું નામ આપવા માંગતું ન હતું. પ્રજ્વલ વિરુદ્ધ પહેલી એફઆઈઆર ૨૮ એપ્રિલે એક મહિલાની ફરિયાદના આધારે નોંધવામાં આવી હતી, આ મહિલાનો પરિવાર હવે પોતાનું ઘર છોડીને ચાલ્યો ગયો છે. એક પાડોશીએ જણાવ્યું કે, મહિલા રેવન્નાના ઘરે કામ કરતી હતી. આ પછી, તેના કેટલાક વીડિયો વાયરલ થવા લાગ્યા અને પછી મહિલાનું ઘર હવે બંધ જોવા મળ્યું. અમને એ પણ ખબર નહોતી કે તે ક્યારે જતી રહી.

નજીકનું એક ગામ, જ્યાં પ્રજ્વલ વિરુદ્ધ રેપનો કેસ નોંધાવનાર એક જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય રહેતા હતા. એક સ્થાનિક જેડીએસના નેતાએ કહ્યું કે, અગાઉ પાર્ટી માટે કામ કરનારી ઘણી મહિલાઓ હવે સંપર્કમાં નથી. અમે જોયું કે પાર્ટીની ઘણી મહિલાઓ સોશિયલ મીડિયા પર પ્રજ્વલ સાથેની તેમની તસવીરો કાઢી રહી છે. સાથે જ કેટલાક એવા કિસ્સા પણ સામે આવ્યા છે, જેમાં પુરુષો પોતાની પત્નીને સાંસદ સાથે સંબંધને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે. જે જિલ્લાઓમાં અનેક મહિલાઓનું જીવન બરબાદ કરી રહ્યું છે.

જિલ્લા પંચાયતની સભ્યએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, તેની સાથે ત્રણ વર્ષ સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને આ કૃત્યના વીડિયો પણ બનાવવામાં આવ્યા હતા, એમ એક સ્થાનિક નેતાએ જણાવ્યું હતું. મહિલા 24 એપ્રિલના રોજ ત્યાં હતી અને બીજા દિવસે વીડિયો સામે આવ્યા બાદ તે ત્યારથી પોતાનું ઘર છોડીને ચાલી ગઈ છે અને અમે તેને જોઈ નથી.

વીડિયો ક્લિપમાં મહિલાઓની ઓળખ જાહેર થયા બાદ અનેક પરિવારોએ હાસન જિલ્લો છોડી દીધો છે. જ્યારે એસઆઇટીની ટીમ રેવન્નાના નિવાસસ્થાને પહોંચી ત્યારે બહાર એકઠા થયેલા કાર્યકર્તાઓને મહિલાઓ વિશે વાત કરતા સાંભળવામાં આવ્યા હતા. કોઈએ કહ્યું કે, હું આ મહિલાને ઓળખું છું, તે અમારા નિવાસસ્થાનની નજીક રહેતી હતી અને જેડીએસની પ્રવૃત્તિઓમાં ખૂબ જ સક્રિય હતી. તેના ઘરને હાલ તાળું છે અને તેને નાના બાળકો પણ છે. બીજાએ કહ્યું કે, તે મારા પાડોશીની સંબંધી હતી અને અમારા કુટુંબના એક પરસંગમાં ભાગ પણ લીધો હતો.

પ્રજ્વલના કારણે દેવગૌડાની વિરાસત પડી ભાંગી

એક દુકાનદારે કહ્યું કે, મહિલાઓના ચહેરા ખુલ્લા પાડવા એ ખરેખર ખોટું હતું. હું તેમાંથી કેટલાકને જાણું છું અને તેઓ છુપાઈ ગયા છે. તેમણે કહ્યું કે, આ પરિવારો કેસ દાખલ કરવા માંગતા નથી કારણ કે, રેવાન્નાના પરિવાર વિરુદ્ધ કેસ લડતી વખતે હસન જિલ્લામાં પછી શાંતીથી રહેવું તેમના માટે અશક્ય હતું. જેડી(એસ)ના કેટલાક સ્થાનિક નેતાઓએ આ વીડિયો પર શોક વ્યક્ત કર્યો હતો. કેટલાકને દેવગૌડા પ્રત્યે સહાનુભૂતિ હતી. પક્ષના એક કાર્યકરે જણાવ્યું હતું કે, દેવગૌડાએ તેમના જીવનના ચાર દાયકાથી વધુ સમયનું બલિદાન આપીને તેમની રાજકીય વિરાસત બનાવી હતી, જે પ્રજ્વલના ગુનાહિત કૃત્યોને કારણે પડી ભાંગી.

પ્રજ્વલ ફાર્મ હાઉસમાં પાર્ટી કરતો હતો

દેવગૌડાએ પાદુવાલ્હીપ્પે ગામમાં મતદાન કર્યું હતું. એક સ્થાનિક નેતાએ કહ્યું કે વીડિયો ક્લિપ વાયરલ થયા બાદ પાર્ટીએ પ્રચાર કર્યો ન હતો. તેમણે કહ્યું કે આ મત વિસ્તારના યુવાનોના ફોન પર વીડિયો છે. આપણે લોકોનો સામનો કેવી રીતે કરી શકીએ અને તેમને પ્રજ્વલને મત આપવાનું કહી શકીએ? ગામમાં આઠ ફૂટની દિવાલથી ઘેરાયેલું એક મોટું ફાર્મહાઉસ છે. તે એસઆઈટીની ટીમે જોયું હતું. પ્રજ્વલ અવારનવાર ફાર્મહાઉસની મુલાકાત લેતો હતો. આ તે છે જ્યાં કેટલાક વીડિયો કથિત રૂપે રેકોર્ડ કરવામાં આવ્યા હતા. એક કર્મચારીએ આગળ બોલવાની ના પાડી અને કહ્યું કે, પ્રજ્વલ અહીં મિત્રો અને પાર્ટી સાથે આવતો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા ગુપ્તચર એકમને વીડિયો ક્લિપની જાણ હતી પરંતુ, તે આ મુદ્દાની ગંભીરતાથી વાકેફ ન હતા. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, 2023 માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા પેન ડ્રાઇવ ફરતી થઇ હતી, પરંતુ તે સમયે આ વીડિયો સામે આવ્યા ન હતા. પ્રજ્વલને 1 જૂન, 2023 ના રોજ બેંગલુરુ સિવિલ કોર્ટ તરફથી વીડિયો ક્લિપના સંદર્ભમાં 86 મીડિયા આઉટલેટ્સ અને ત્રણ ખાનગી વ્યક્તિઓ સામે ગેગ ઓર્ડર મળ્યો હતો.

આ પણ વાંચો – ઝારખંડમાં મંત્રીના પીએસ નોકરના ઘરેથી 20 કરોડની રોકડ મળી, નોટોની ગણતરી હજુ ચાલુ

જેમાં એક ખાનગી વ્યક્તિ વકીલ અને ભાજપના સ્થાનિક નેતા જી દેબરજે ગૌડા હતા. પ્રજ્વલના પૂર્વ ડ્રાઇવર કાર્તિકે કહ્યું છે કે, તેણે દેવરાજે ગૌડા સાથે પેન ડ્રાઇવ શેર કરી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં દેવરાજે ગૌડાએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી, જ્યાં તેઓ આ વીડિયો જાહેર કરશે તેવી અટકળો લગાવવામાં આવી હતી, પરંતુ પ્રેસ કોન્ફરન્સ અચાનક રદ કરવામાં આવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ