President Rule In Manipur : એન બિરેન સિંહે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના ચાર દિવસ બાદ કેન્દ્રની મોદી સરકારે 13 ફેબ્રુઆરીએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું હતું. મણિપુરમાં મે 2023 થી મૈતેઇ અને કુકી સમુદાયો વચ્ચે જાતીય સંઘર્ષ જોવા મળી રહ્યો છે. આમાં 200થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ અનેક લોકોને ઘર છોડવાની ફરજ પડી હતી.
આ રાજ્યમાં અગાઉ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. નવેમ્બર 2024માં કોનરાડ સંગમાની આગેવાની હેઠળની નેશનલ પીપલ્સ પાર્ટીએ બિરેન સિંહ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. બિરેન સિંહે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથેની બેઠક બાદ 9 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું હતું.
ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે હું, દ્રૌપદી મુર્મુ, ભારતના રાષ્ટ્રપતિ મણિપુર રાજ્યના રાજ્યપાલથી મળેલા અહેવાલ અને અન્ય ઇનપુટ્સ પર વિચાર કર્યા પછી, મને સંતોષ છે કે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે જેમાં તે રાજ્યની સરકાર ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર ચાલી શકતી નથી. તેથી, હવે બંધારણની કલમ 356 દ્વારા પ્રદાન કરવામાં આવેલી સત્તાઓ અને તે વતી મને સક્ષમ કરતી અન્ય તમામ સત્તાઓનો ઉપયોગ કરીને હું જાહેર કરું છું કે હું, ભારતના રાષ્ટ્રપતિ તરીકે, મણિપુર રાજ્યની બધા કાર્યો અને તે રાજ્યના રાજ્યપાલ દ્વારા ઉપયોગ કરનારી બધી શક્તિઓને પોતાની પાસે લઉ છું.
નવા નેતા અંગે ભાજપ નિર્ણય ન લઈ શક્યું
રાજ્યમાં રાજકીય સ્થિતિ અનિશ્ચિત છે કારણ કે શાસક ભારતીય જનતા પાર્ટીએ નવા નેતા અંગે નિર્ણય લઇ શકી ન હતી. ભાજપના પૂર્વોત્તરના પ્રભારી સંબિત પાત્રા અને પાર્ટીના વિધાયકો વચ્ચે અનેક તબક્કાની ચર્ચાઓ છતાં મડાગાંઠ ચાલુ હતો. પાત્રાએ છેલ્લા બે દિવસમાં બે વાર રાજ્યપાલ અજયકુમાર ભલ્લા સાથે મુલાકાત કરી હતી. મંગળવારે પાત્રાએ પ્રદેશ પાર્ટી અધ્યક્ષ એ શારદા દેવી સાથે ભલ્લા સાથે વાતચીત કરી હતી અને બુધવારે તેમણે રાજ્યપાલ સાથે ફરી મુલાકાત કરી હતી.
આ પણ વાંચો – ભારત પાસેથી ફ્રાન્સ પિનાકા રોકેટ લોન્ચર ખરીદશે, જાણો પીએમ મોદી અને મેક્રોનની મુલાકાતની મોટી વાતો
પાત્રાએ રાજ્યના ગ્રાહક બાબતોના પ્રધાન એલ સુસિન્દ્ર અને ધારાસભ્ય કરમ શ્યામ સહિત ભાજપના ધારાસભ્યો સાથે પણ બેઠક યોજીને પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય થોકચોમ લોકેશ્વરે પાત્રાની રાજ્ય મુલાકાતના હેતુ પર સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે શું તેઓ નેતૃત્વની કટોકટીનો ઉકેલ લાવવા માગે છે.
રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી શું થાય છે?
રાષ્ટ્રપતિ શાસન હેઠળ, ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવામાં આવે છે અને તેની શક્તિઓ સ્થગિત કરવામાં આવે છે. રાજ્યપાલ રાજ્યના કાર્યકારી વડા બને છે અને રાષ્ટ્રપતિ વતી વહીવટ ચલાવે છે. રાજ્યપાલ વડા પ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીપરિષદની સલાહ પર કાર્ય કરે છે. રાષ્ટ્રપતિ શાસન એક સાથે છ મહિના સુધી ચાલી શકે છે. તેને ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે, પરંતુ સંસદની મંજૂરી સાથે દર છ મહિને અને એક વર્ષ પછી કેટલીક ખાસ શરતો સાથે આવું થઇ શકે છે.