Priyanka Gandhi Wayanad Lok Sabha seat : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાયનાડ સીટથી ચૂંટણી લડશે. પેટા ચૂંટણી માટે કોંગ્રેસે વાયનાડ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી છે. વાયનાડ અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક જાળવી રાખી હતી અને વાયનાડ બેઠક ખાલી કરી હતી. વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી 13 નવેમ્બરે યોજાશે અને 23 નવેમ્બરે પરિણામ આવશે. પ્રિયંકા ગાંધી પ્રથમ વખત ચૂંટણી લડશે.
આ સિવાય કોંગ્રેસે કેરળની બે વિધાનસભા સીટો પર યોજાનારી પેટા ચૂંટણી માટે પણ ઉમેદવાર જાહેર કર્યા છે. પાર્ટીએ પલક્કડ બેઠક પરથી રાહુલ મમકુટથિલ અને ચેલાક્કારા બેઠક પરથી રામ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે.
ચૂંટણી પંચે મંગળવારે કેરળની વાયનાડ લોકસભા સીટ અને 14 રાજ્યોની 47 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી 13 નવેમ્બરે યોજવાની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે મંગળવારે વાયનાડ અને નાંદેડ લોકસભા બેઠકો તેમજ 48 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરી હતી.
પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી લડશે
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તેમના વાયનાડથી ચૂંટણી લડવાની અટકળો ઘણા દિવસોથી ચાલી રહી હતી. અગાઉ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના કોંગ્રેસ પ્રભારી હતા, હવે તેઓ વાયનાડના ચૂંટણી મેદાનમાં જોવા મળશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાયનાડ પેટાચૂંટણી માટે પોતાના નામની ચર્ચા કરતી વખતે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે હું બિલકુલ નર્વસ નથી. વાયનાડનું પ્રતિનિધિત્વ કરી શકવા માટે હું ખૂબ જ ખુશ છું. હું એટલું જ કહીશ કે હું તેમને તેમની (રાહુલ ગાંધીની) ગેરહાજરી અનુભવવા નહીં દઉં. હું સખત મહેનત કરીશ અને દરેકને ખુશ કરવા અને સારા પ્રતિનિધિ બનવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.
આ પણ વાંચો – મહારાષ્ટ્ર ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 મતદાન તારીખ પરિણામ સહિત જાણો તમામ વિગત
સક્રિય રાજકારણમાં જોડાયા પછી, પ્રિયંકા ગાંધીને જાન્યુઆરી 2019માં મહત્વપૂર્ણ પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી કોંગ્રેસ મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર રાજ્યના પ્રભારી મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું ન હતું છતા તેમણે જમીની સ્તર પર સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશમાં પાર્ટીના અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. જ્યાં કોંગ્રેસે જીત મેળવી હતી.