પૂણે રોડ અકસ્માત : મિત્રો સાથે છેલ્લુ ભોજન અને…, પોર્શ કારે ફંગોળ્યા, કોર્ટે આરોપીને સંભળાવી અનોખી સજા

Pune Porsche Car Accident : પૂણે પોર્શ કાર અકસ્માત મામલામાં કોર્ટે સગીરને અનોખી સજા ફટકારી, મિત્રો સાથે ભોજન લઈ બાઈક પર અનિસ અને અશ્વિની જતા હતા અને કાર ચાલકે ફંગોળ્યા, જેમાં બંનેના મોત.

Written by Kiran Mehta
Updated : May 21, 2024 18:46 IST
પૂણે રોડ અકસ્માત : મિત્રો સાથે છેલ્લુ ભોજન અને…, પોર્શ કારે ફંગોળ્યા, કોર્ટે આરોપીને સંભળાવી અનોખી સજા
પૂણે પોર્શ કાર અકસ્માત (ફોટો - એક્સપ્રેસ)

પુણે રોડ અકસ્માત : મહારાષ્ટ્રના પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં રવિવારે પૂરપાટ ઝડપે આવી રહેલી પોર્શ કારે બાઇકને ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઈક સવારો અનેક મીટર સુધી ઘસડાયા હતા. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે લોકોના મોત થયા હતા. મૃતકોની ઓળખ અનીશ અધિયા અને અશ્વિની કોસ્તા તરીકે થઈ છે. આઈટીના બંને એન્જિનિયર મધ્ય પ્રદેશના છે અને હાલ પુણેમાં રહેતા હતા. અઢિયાના મિત્ર અકીબ મોલ્લાએ આ કેસમાં યરવડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.

આ કેસમાં પોલીસે કાર્યવાહી કરીને એક સગીર છોકરાની અટકાયત કરી હતી. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, શું તે દારૂના નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. તબીબી તપાસ માટે તેના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, સગીરનો સંબંધ પુણેના એક જાણીતા બિલ્ડર સાથે છે.

પોલીસે આ કલમો હેઠળ ગુનો નોંધ્યો

પુણે શહેર પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે, આરોપી, એક કિશોર, સામે આઈપીસીની કલમ 304 ની જોગવાઈઓ હેઠળ ગેર ઈરાદે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તેની સામે આઈપીસીની અન્ય કલમો અને મોટર વ્હીકલ એક્ટની કલમો પણ લગાવી છે. તપાસ બાદ જાણવા મળ્યું કે, આરોપી છોકરો હાલમાં જ ધોરણ 12 પાસ કરીને મિત્રો સાથે પાર્ટી કરવા ગયો હતો. તે બધા મુંડવા વિસ્તારના પબમાં ગયા હતા. અહીં પોલીસને શંકા છે કે, આ લોકોએ દારૂ પીધો હતો. ત્યારબાદ તે કાર ચલાવી તેના ઘરે જઈ રહ્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, છોકરો પોર્શ કાર ખૂબ જ ઝડપથી ચલાવી રહ્યો હતો. ત્યારબાદ તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બપોરે 2.30 વાગ્યે કલ્યાણી નગર જંકશન પર કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક સવાર અનીશ અને તેની પાછળ બેઠેલો તેનો મિત્ર અશ્વિની રસ્તા પર ઠસડાયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ડ્રાઇવ કરનારને માર માર્યો હતો.

પોલીસે પૂછપરછ માટે આરોપીની અટકાયત કરી

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને પૂછપરછ માટે કાર ચાલકની અટકાયત કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અકસ્માતનો ભોગ બનનાર બંને યુવકો પુણેની એક આઇટી કંપનીમાં કામ કરતા હતા, પરંતુ અશ્વિનીએ નોકરી છોડી દીધી હતી અને નવી નોકરી શોધી રહી હતી. પાર્ટી બાદ તે પબમાંથી બહાર આવ્યા હતા અને કેટલાક મિત્રો સાથે થોડા સમય સુધી ચેટિંગ કરી હતી. આ પછી તે બાઇક પર ઘરે જવા માટે ત્યાંથી નીકળ્યા હતા, પરંતુ પોર્શે કારે તેમને ટક્કર મારી હતી.

પોલીસ અધિકારીને તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી અને મરનાર લોકો પબમાં ગયા હતા. જો કે, સગીરને દારૂ પીવડાવવો એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. પોર્શે કારની વિગતો જાણી લેવામાં આવી હતી અને તેમાં નંબર પ્લેટ કેમ ન હતી તેની પણ તપાસ કરવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે આરોપી છોકરાને રવિવારે બપોરે પુણેની હોલિડે કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસે કસ્ટડી લઇ આરોપીઓ સામે કેસ ચલાવવાની પરવાનગી માગી હતી, પરંતુ કોર્ટે ના પાડી દીધી હતી અને આરોપીને જામીન પર મુક્ત કર્યો હતો.

કેટલીક શરતો સાથે જામીન મંજૂર

બચાવ પક્ષના વકીલ પ્રશાંત પાટિલે જણાવ્યું હતું કે, કોર્ટે સગીર છોકરાને કેટલીક શરતોને આધિન જામીન આપ્યા હતા. જામીનની શરતો અંગે તેમણે જણાવ્યું હતું કે, કોર્ટે આરોપીને 15 દિવસ સુધી યરવડાની ટ્રાફિક પોલીસ સાથે કામ કરવા અને અકસ્માત અંગે નિબંધ લખવા જણાવ્યું હતું. એટલું જ નહીં એડવોકેટ પાટીલે એમ પણ કહ્યું હતું કે, આરોપીને દારૂ છોડવા માટે મદદ કરી શકે તેવા ડોક્ટર પાસેથી સારવાર લેવાનું કહેવામાં આવ્યું છે. એડવોકેટ પાટીલે જણાવ્યું હતું કે, “અમને તપાસમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને પોલીસ એજન્સીઓને સહકાર આપવાનું ચાલુ રાખીશું.”

મિત્રો સાથે છેલ્લુ ભોજન

મિત્રોનું ગ્રુપ ઘણા સમયથી મળ્યા ન હતા, જેથી તેઓ મળવા ભેગા થયા હતા, મિત્રોએ પુણેના કલ્યાણી નગર વિસ્તારની એક રેસ્ટોરન્ટમાં રાત્રિભોજન સાથે કરવાનું નક્કી કર્યું. “અમે સાંજે મળ્યા અને રેસ્ટોરન્ટ જવા નીકળ્યા. તે બહુ દૂર ન હતું. અકસ્માત થયો ત્યારે અમે ભોજન કરી પાછા જઈ રહ્યા હતા. આંખના પલકારામાં બધું જ સમાપ્ત થઈ ગયું હતું,” 24 વર્ષીય આકિબ મુલ્લા એ રાત વિશે કહે છે, જે ભયાનક હતી, અને બધુ ખોટુ થઈ ગયું.

અશ્વિનીનુ ઘટના સ્થળે જ મોત

પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં 17 વર્ષના છોકરા દ્વારા ચલાવવામાં આવેલી પોર્શ કારે મોટરસાઇકલને ટક્કર મારતાં મિત્રોના ગ્રુપના બે સભ્યો, અનીશ અવાડિયા અને તેની મિત્ર અશ્વિની કોષ્ટા, 24, રવિવારે વહેલી સવારે મૃત્યુ પામ્યા હતા. અશ્વિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અનીશને શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં થોડા સમય પછી તેનું મૃત્યુ થયું હતું.

તેના મિત્ર વિશે વાત કરતાં, આકિબ કહે છે કે, અનીશ તેના માટે ખાસ હતો. “અમે એન્જિનિયરિંગ કોલેજમાં ક્લાસમેટ હતા. અમે એક જ ઉંમરના હતા, પરંતુ અનીશ વધુ પરિપક્વ હતો.”

મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના વતની અનીશે પુણેની એક બહુરાષ્ટ્રીય કંપનીમાં ઇન્ટર્નશિપ માટે સાઇન અપ કરતા પહેલા પુણેની ડીવાય પાટીલ કોલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી સ્નાતક થયો હતો. તેણે તેની છ મહિનાની ઇન્ટર્નશિપમાંથી બે મહિના ગાળ્યા હતા. અશ્વિની પણ એ જ સંસ્થામાં કામ કરતી હતી, જોકે તેણે ફેબ્રુઆરીમાં ઈન્ટરશિપ છોડી દીધી હતી.

એક મિત્ર કહે છે કે, “અનીશે કૉલેજમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને તેની આગળ તેનું ઉત્તમ ભવિષ્ય હતું. તેને અમેરિકા ભણવા કે નોકરી કરવા જવાની આશા હતી. જ્યારે પણ અમે મળીએ ત્યારે અમે કોડિંગ વિશે વાત કરતા, કેવા પ્રોજેક્ટ્સ લેવા જોઈએ.” તેણે અનીશને “મોજિલો વ્યક્તિ, પણ ખૂબ જ આદરણીય અને નમ્ર” વ્યક્તિ તરીકે વર્ણવ્યો હતો.

આ પણ વાંચો – ભારતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે? શું છે તેની વિશેષતા? રસપ્રદ તથ્યો અને જાણી-અજાણી વાતો

વિશ્વાસ જ નથી થતો અનિશ હવે નથી રહ્યો

અનીશ તેના નાના ભાઈ સાથે શહેરના વિમાન નગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. “અનીશ ખૂબ શરમાળ હતો અને અહીં ઘણા લોકોને ઓળખતો નહોતો. અમે પુણેમાં તેમના એકમાત્ર મિત્રો હતા.” ગયા અઠવાડિયે મહાબળેશ્વરની તેમની મુલાકાત વિશે વાત કરતા આકિબ કહે છે કે, “અનિશે એવા સ્થળોની યાદી તૈયાર કરી હતી, જ્યાં અમારે ટ્રેકિંગમાં જવાનું હતું. તે ખાવાનો શોખીન હતો. અમે જ્યાં પણ ગયા, દાળ-તડકા ચાખવી એ તેના માટે લગભગ એક ખાસ શોખ હતો. એ માનવું ખૂબ જ મુશ્કેલ છે કે તે હવે નથી”

(સફરીન બેગમ અને નવ્યા પાઠકના ઇનપુટ્સ)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ