Canada :પંજાબના લુધિયાણાની એક મહિલાની કેનેડામાં તેના પતિએ છરીના ઘા મારીને હત્યા કરી હતી. એટલું જ નહીં આ વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને પોતાની માતાને મોકલ્યો હતો. આ વ્યક્તિ પાંચ દિવસ પહેલા જ કેનેડામાં પોતાની દીકરીને મળવા માટે પહોંચ્યો હતો. આ ઘટનાની માહિતી મળ્યા બાદ કેનેડાની પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. મૃતકની ઓળખ જગરાઓના મલ્લા ગામની રહેવાસી બલવિંદર કૌર તરીકે થઈ છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા મૃતકની બહેન રાજવિંદર કૌરે જણાવ્યું હતું કે મારી બહેનને છરીના ઘા મારીને હત્યા કર્યા બાદ જગપ્રીતે લુધિયાણામાં તેની માતાને વીડિયો કોલ કર્યો હતો. તેણે વધુમાં જણાવ્યું હતું કે જગપ્રીત કેનેડા પહોંચવાના વિચારથી જ પાગલ હતો અને જ્યારથી બલવિંદર ત્યાં પહોંચી ત્યારથી તે પણ ત્યાં જવાની જીદ કરી રહ્યો હતો. તેણે જણાવ્યું કે આ દંપતી વચ્ચે પૈસાને લઇને પણ રકઝક થતી હતી કારણ કે જગપ્રીતે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તે બેરોજગાર હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેનેડાની પોલીસને 15 માર્ચે શુક્રવારે રાત્રે લગભગ 10.50 વાગ્યે વેગનર ડ્રાઇવ પાસે હુમલાની માહિતી મળી હતી. બલવિંદર કૌર ઘરમાં લોહીથી લથપથ પડી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેનું મોત થઇ ગયું હતું. બલવિંદર કૌરના પતિની ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી.
દીકરીને ભણાવવા કેનેડા મોકલી હતી
લુધિયાણાના જાગરાઓના મલ્લા ગામમાં બલવિંદર કૌરના પિતા હિંમત સિંહને પુત્રીના મોતના સમાચાર સાંભળી સદમો લાગ્યો છે. બલવિંદર તેમની ચાર પુત્રીઓમાંથી એક હતી. એક સમયે દુબઈમાં મજૂરી કામ કરનાર હિંમત સિંહ હવે બીમારીના કારણે પથારીવશ છે. રાજવિંદર કૌરે ઈન્ડિયન એક્સપ્રેસને વધુમાં જણાવ્યું હતું કે બલવિંદર અને જગપ્રીતના લગ્ન 2000માં થયા હતા. બંનેને બે બાળકો છે. તેમને એક પુત્રી હરનૂરપ્રીત કૌર (22)અને એક પુત્ર ગુરનૂર સિંહ (18)છે. રાજવિંદરે જણાવ્યું કે હરનૂરપ્રીત લગભગ ચાર વર્ષ પહેલા સ્ટડી વિઝા પર કેનેડા ગઇ હતી. જો કે ત્યાં તેને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓ થવા લાગી હતી.
જગપ્રીતને પૈસા મોકલતી હતી
રાજવિંદરે કહ્યું કે પછી મારી બહેન બલવિંદર તેની પુત્રીની સંભાળ રાખવા માટે 2022માં કેનેડા ગઈ હતી. જોકે જ્યારથી તે ત્યાં પહોંચી છે ત્યારથી તેનો પતિ તેને પણ ત્યાં લઇ જવાની જીદ કરી રહ્યો હતો. મારી બહેન એકલી જ બધો ખર્ચો ઉઠાવતી હતી. રાજવિંદરે કહ્યું કે પહેલા તે ડ્રાઇવર તરીકે કામ કરતો હતો, પરંતુ જ્યારે મારી બહેને તેને પૈસા મોકલવાનું શરૂ કર્યું તો તેણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. બલવિંદર તેની પુત્રીની સારવાર અને શિક્ષણનો ખર્ચ સંભાળતી હતી. આ સિવાય તે જગપ્રીતને પૈસા પણ મોકલતી હતી. પરંતુ તેમ છતાં તે તેને કેનેડા બોલાવવા માટે પરેશાન કરતો હતો.
આ પણ વાંચો – 40 કલાકનું ઓપરેશન અને ચાંચિયાઓનું આત્મસમર્પણ, ભારતીય નેવીની બહાદુરીને આખી દુનિયાએ નિહાળી
રાજવિંદરે જણાવ્યું હતું કે કેનેડા જતા પહેલા તેની બહેન એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હતી. તે કેનેડાના એક સ્ટોરમાં કામ કરતી હતી. તેના પર થોડું દેવું પણ હતું અને તેણે તેની પુત્રીને કેનેડા મોકલવા માટે તેના ભાઈ અને બહેનો પાસેથી લોન લીધી હતી. તેમ છતાં જગપ્રીત તેને પરેશાન કરતો હતો અને કહેતી હતી કે તે એકલી જ બધું દેવું ચૂકવશે.
બલવિંદરની હત્યા કર્યા બાદ માતાને વીડિયો કોલ કર્યો હતો
રાજવિંદરે એમ પણ જણાવ્યું હતું કે બલવિંદરની હત્યા કર્યા બાદ તેણે તેની માતાને વીડિયો કોલ કર્યો હતો. તેણે કેમેરો બલવિંદર તરફ ફેરવ્યો અને બધે જ લોહી હતું. લોહી જોઇને તેની માતા અને પરિવારના અન્ય સભ્યો ચીસો પાડવા લાગ્યા હતા. તે પછી જગપ્રીતે કહ્યું કે મેં તેને કાયમ માટે સૂવડાવી દીધી છે.
રાજવિંદરે કહ્યું કે બલવિંદર કેનેડા પહોંચ્યા પછી જગપ્રીતે લુધિયાણામાં તેમના વૃદ્ધ પિતાને પણ પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. તેના સતત દબાણને વશ થઈને, બલવિંદરે તેની નબળી નાણાકીય સ્થિતિ હોવા છતાં તેના વિઝા અને ટિકિટોની વ્યવસ્થા કરી હતી. કેનેડા પહોંચ્યા પછી પણ તે રાત્રે શું થયું અને શા માટે તેણે તેની હત્યા કરી તે અંગે અમને કોઈ જાણ નથી. અમને આશ્ચર્ય થાય છે કે શું તે ફક્ત તેને મારવા માટે કેનેડા ગયો હતો.
રાજવિંદરે કહ્યું કે જગપ્રીતે મારી બહેનને હેરાન કરવાનું શરૂ કર્યું ત્યારથી અમે તેની સાથે વાત કરી ન હતી. અમે અમારું બધું ગુમાવ્યું છે. અમે તેને સખત સજા થાય તેમ ઇચ્છીએ છીએ.
ઇન્પુટ- દિવ્યા ગોયલ





