Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રા ઈતિહાસ અને મહત્વ, 10 દિવસે ભગવાન નીજ મંદિરે પહોંચશે, જુઓ – કાર્યક્રમ

Puri Jagannath Rath Yatra 2024 : ભગવાન જગન્નાથ અષાઢ શુક્લ દ્વિતિયાથી દશમી તિથિ સુધી સામાન્ય લોકોમાં રહે છે. આ સમયગાળા દરમિયાન ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથ પર ગુંડીચા મંદિર તરફ આગળ વધે છે

Written by Kiran Mehta
July 07, 2024 17:28 IST
Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રા ઈતિહાસ અને મહત્વ, 10 દિવસે ભગવાન નીજ મંદિરે પહોંચશે, જુઓ – કાર્યક્રમ
પુરી જગન્નાથ રથયાત્રા મહત્ત્વ (ફોટો - સોશિયલ મીડિયા, દાંદાપાની નાયક)

Puri Rath Yatra 2024 | રથયાત્રા 2024 : હિન્દુ ધર્મમાં જગન્નાથ યાત્રાનું વિશેષ મહત્વ છે. વૈદિક કેલેન્ડર અનુસાર, આ રથયાત્રાનું આયોજન દર વર્ષે અષાઢ મહિનામાં શુક્લ પક્ષની બીજી તારીખે કરવામાં આવે છે. જેની શરૂઆત ઓડિશાથી આજે 7 જુલાઈ, રવિવારના રોજ પુરી શહેરમાં થઈ છે.

તમને જણાવી દઈએ કે, ભગવાન જગન્નાથ અષાઢ શુક્લ દ્વિતિયાથી દશમી તિથિ સુધી સામાન્ય લોકોમાં રહે છે. આ સમયગાળા દરમિયાન ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથ પર ગુંડીચા મંદિર તરફ આગળ વધે છે. આ ભવ્ય કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલે છે. તેમજ 53 વર્ષ બાદ આ યાત્રા બે દિવસની હશે. ગ્રહો અને નક્ષત્રોની ગણતરી મુજબ આ વર્ષે બે દિવસીય યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, છેલ્લી વખત 1971 માં બે દિવસીય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ મહત્વ અને ઈતિહાસ…

જગન્નાથનો રથ

ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ કહેવામાં આવે છે. તેમજ આ રથ પર લહેરાતા ધ્વજનું નામ ત્રૈલોક્યમોહિની તરીકે ઓળખાય છે. આ રથમાં 16 પૈડાં છે. તેમજ આ રથ 13.5 મીટર ઉંચો છે. આ રથમાં ખાસ કરીને પીળા રંગના કપડાનો ઉપયોગ કરવામાં આવે છે. વિષ્ણુના વાહક ગરુડ તેનું રક્ષણ કરે છે.

બલરામનો રથ

ભગવાન બલરામના રથને તાલધ્વજ તરીકે ઓળખવામાં આવે છે. આ રથના રક્ષક વાસુદેવ અને સારથિ માતાલી છે. રથના ધ્વજને યુનાની કહેવામાં આવે છે. જે દોરડા વડે રથ ખેંચાય છે, તેને વાસુકી કહે છે. આ રથ 13.2 મીટર ઊંચો છે. તેમાં 14 પૈડાં છે.

બહેન સુભદ્રાનો રથ

શાસ્ત્રો અનુસાર ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાના રથનું નામ પદમધ્વજ છે. આ રથની તૈયારીમાં કાળા અને લાલ રંગના કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે. રથના રક્ષક જયદુર્ગા છે અને સારથિ અર્જુન છે.

રથયાત્રાનો ઈતિહાસ અને મહત્વ

શાસ્ત્રો અનુસાર, રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાન જગન્નાથને શબર રાજા પાસેથી અહીં લાવ્યા હતા અને તેમણે જ મૂળ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એવું કહેવાય છે કે, પાછળથી તેનો નાશ કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે, યયાતિ કેશરીએ એક મંદિર પણ બનાવ્યું હતું. હાલમાં મંદિરની ઊંચાઈ 65 મીટર છે. જે 12મી સદીમાં ચોલા ગંગદેવ અને અનંગ ભીમદેવ દ્વારા કરવામાં આવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે, માત્ર રથયાત્રાના દર્શન કરવાથી 1000 યજ્ઞોનું પુણ્ય ફળ મળે છે. તેમજ સ્કંદ પુરાણમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ રથયાત્રામાં શ્રી જગન્નાથના નામનો જપ કરીને ગુંડીચા નગર જાય છે, તે પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. તેમજ તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

જગન્નાથ રથયાત્રાનો સંભવિત કાર્યક્રમ

રવિવાર, જુલાઈ 7, 2024

તમને જણાવી દઈએ કે 7 જુલાઈએ ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાને રથમાં બેસાડવામાં આવ્યા અને તેઓ સિંહદ્વારથી નીકળીને ગુંડીચા મંદિર તરફ આગળ વધશે. આ કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભાગ લેશે. રથયાત્રાના પ્રથમ દિવસે બપોરે ત્રણેય દેવી-દેવતાઓને એક પછી એક મંદિરમાંથી બહાર લાવવામાં આવશે. ત્યારબાદ પ્રખ્યાત વિધિ ‘ચેરા પહારા’ કરવામાં આવશે. તેમજ સાંજે ભક્તો રથ ખેંચવાનું શરૂ કરશે.

સોમવાર, 8 જુલાઈ, 2024

તમને જણાવી દઈએ કે, 8 જુલાઈની સવારે ફરીથી ભક્તો રથને આગળ વધારશે. સોમવારે રથ ગુંડીચા મંદિર પહોંચશે. જો કોઈ કારણોસર જો સોમવારે પહોંચી શકતા નથી, તો રથ મંગળવારે પહોંચશે.

આ પણ વાંચો – Ahmedabad Rath Yatra 2024 Live: અમદાવાદ રથયાત્રા : ભગવાન જગન્નાથ રથ સરસપુર પહોંચ્યો, ભાણેજનું મોસાળમાં જબરદસ્ત સ્વાગત

8-15 જુલાઈ 2024

તમને જણાવી દઈએ કે, 8 થી 15 જુલાઈની વચ્ચે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથ ગુંડીચા મંદિરમાં રહેશે. તેમના માટે અનેક પ્રકારની વાનગીઓ બનાવવાની પરંપરા છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

16 જુલાઈ 2024

આ દિવસે 16મી જુલાઈએ રથયાત્રાનું સમાપન થશે અને ત્રણેય દેવી-દેવતાઓને પરત જગન્નાથ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ