President Putin calls PM Modi: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. પુતિને પીએમ મોદીને અલાસ્કામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી વાતચીતની જાણકારી આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત સતત યૂક્રેન વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે આહ્વાન કરે છે અને આ સંબંધમાં તમામ પ્રયાસોનું સમર્થન કરે છે.
પીએમ મોદી અને પુતિન વચ્ચે શું વાતચીત થઇ?
પીએમ મોદીએ એક્સ પર એક પોસ્ટ કરીને કહ્યું કે મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનને તેમના ફોન કોલ અને અલાસ્કામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની તાજેતરની મુલાકાતની માહિતી શેર કરવા બદલ આભાર. ભારતે યુક્રેન વિવાદના શાંતિપૂર્ણ સમાધાન માટે સતત હાકલ કરી છે અને આ અંગેના તમામ પ્રયાસોને ટેકો આપે છે. હું આગામી દિવસોમાં આપણા નિરંતર આદાન-પ્રદાનની આશા કરું છું.
પુતિન અને ટ્રમ્પ વચ્ચે અલાસ્કામાં મુલાકાત થઇ હતી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 15 ઓગસ્ટે અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક 4 કલાક સુધી ચાલી હતી અને રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા થઈ હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે કેટલાક મુદ્દાઓ પર હજી પણ કોઈ સમજૂતી નથી થઈ અને જ્યાં સુધી દરેક મુદ્દા પર કોઈ સમજૂતી ન થાય ત્યાં સુધી હું કોઈ સોદો સ્વીકારી શકતો નથી. ટ્રમ્પે બેઠક પૂરી થયા બાદ કહ્યું કે અમે કોઈ પણ પ્રકારના નિર્ણાયક નિષ્કર્ષ પર પહોંચી શક્યા નથી.
આ પણ વાંચો – યુદ્ધના ત્રણ વર્ષ: જાણો યુક્રેનના કેટલા ટકા ભાગમાં રશિયાએ કબજો કરી લોધો છે?
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત આવશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતિમ સપ્તાહમાં ભારતની મુલાકાતે આવશે. રશિયાની ન્યૂઝ એજન્સી તાસે ગુરુવારે એનએસએ અજીત ડોભાલને ટાંકીને આ માહિતી આપી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ નક્કી છે કે પુતિન આ વર્ષના અંતમાં ભારત આવશે.
ડોભાલે રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુ સાથેની બેઠકમાં કહ્યું કે હવે અમારા સંબંધો ખૂબ જ ખાસ બની ગયા છે, જેની અમે કદર કરીએ છીએ. આપણા દેશોની વચ્ચે મજબૂત ભાગીદારી છે અને અમે ઉચ્ચ સ્તરે આદાનપ્રદાન કરીએ છીએ.