Rahul Gandhi on Kolkata Rape Case: કોલકાતામાં ડોક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યાથી આખો દેશ ગુસ્સામાં છે. હવે રાહુલ ગાંધીએ પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે કોલકાતામાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ભયાનક ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે. તેની સાથે થયેલા ક્રૂર અને અમાનવીય કૃત્યનું એક પછી એક વાત બહાર આવી રહી છે તેના કારણે ડોક્ટર્સ કમ્યુનિટી અને મહિલાઓમાં અસુરક્ષાનો માહોલ છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે પીડિતાને ન્યાય આપવાને બદલે આરોપીને બચાવવાનો પ્રયાસ હોસ્પિટલ અને સ્થાનિક પ્રશાસન પર ગંભીર સવાલો ઉભા કરે છે. આ ઘટનાએ આપણને વિચારવા મજબૂર કરી દીધા છે કે મેડિકલ કોલેજ જેવી જગ્યાએ ડોક્ટરો સુરક્ષિત નથી તો પછી કયા ભરોસે માતા-પિતા પોતાની દીકરીઓને ભણવા માટે બહાર મોકલે? નિર્ભયા કેસ બાદ જે કડક કાયદા ઘડવામાં આવ્યા છે તે પણ આવા ગુનાઓ રોકવામાં અસફળ કેમ છે?
હું પીડિત પરિવારની સાથે ઉભો છું – રાહુલ ગાંધી
મહિલાઓ વિરુદ્ધ સતત થઇ રહેલા અપરાધનો ઉલ્લેખ કરતા તેમણે આ જ પોસ્ટમાં આગળ કહ્યું કે હાથરસથી ઉન્નાવ અને કઠુઆથી લઇને કોલકાતા સુધી મહિલાઓ વિરુદ્ધ સતત વધી રહેલી ઘટનાઓ પર દરેક પાર્ટી, દરેક વર્ગે મળીને ગંભીર ચર્ચા બાદ નક્કર પગલાં ભરવા પડશે.
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે હું આ અસહ્ય પીડામાં પીડિતાના પરિવાર સાથે ઉભો છું. તેમને ન્યાય મળે અને ગુનેગારોને એવી સજા મળે કે સમાજમાં ઉદાહરણની બની જાય.
આ પણ વાંચો – સ્વતંત્રતા દિવસ માટે 15 ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો? જાણો Indian Independence Bill શું છે
બંગાળના લોકો ગુસ્સામાં અને ચિંતિત: સુકાંત મજુમદાર
કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું કે બંગાળના લોકો ખૂબ જ ગુસ્સે છે અને સ્થિતિને લઇને ચિંતિત છે. લોકોનો ગુસ્સો બંગાળની મમતા સરકારને બાળી નાખશે કારણ કે સરકારે આખી ઘટનાને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતથી જ ટીએમસી સરકાર આ ઘટનાને દબાવવાની પૂરી કોશિશ કરી રહી છે.
તેમણે કહ્યું કે પહેલા આ ઘટનાને આત્મહત્યા કહેવામાં આવી અને પછી તેને હત્યા કહેવામાં આવી. હું પીડિતાના પરિવારને મળ્યો છું, તેમણે મને કહ્યું કે તેમને ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરાવવાની ફરજ પાડી હતી. જ્યારે આ મામલાને દબાવી શકાયો નહીં તો મમતા સરકારે પોતાની સ્થિતિ બદલી નાખી. આ પહેલાં કોઈ આગળ આવી રહ્યું ન હતું. કોઈ નિવેદન આવી રહ્યું ન હતું અને પોલીસ આ બાબતને દબાવવાનો પ્રયાસ કરી રહી હતી.





