Rahul Gandhi in Colombia : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દક્ષિણ અમેરિકાના પ્રવાસે છે. તેમણે અહીં કોલંબિયાની ઇઆઇએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ દેશની કેન્દ્ર સરકાર પર ભારતીય લોકતંત્ર પર મોટો હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. વિદેશમાં રાહુલ ગાંધીના આ નિવેદનથી દેશમાં રાજકારણ ગરમ થઈ ગયું છે. ભાજપે રાહુલ ગાંધીને ‘લીડર ઓફ પ્રોપેગેન્ડા’ ગણાવ્યા હતા.
કોલંબિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે સૌથી મોટો ખતરો લોકશાહી પર થઇ રહેલો હુમલો છે, કારણ કે ભારતમાં ઘણા ધર્મો, ઘણી પરંપરાઓ છે. ભારત પોતાના બધા લોકો વચ્ચે સંવાદનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. આ સ્થળને વ્યવસ્થિત રાખવા માટે લોકશાહી વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે, પરંતુ લોકશાહી પર સતત હુમલાને કારણે આ સમયે એક મોટો ખતરો છે.
રાહુલ ગાંધીએ ભારતની વ્યવસ્થાને જટિલ ગણાવી
આ સિવાય રાહુલ ગાંધીને ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતની 1.4 અબજની વસ્તીમાં અપાર સંભાવનાઓ છે, પરંતુ ભારતનું માળખું ચીનથી સંપૂર્ણપણે અલગ છે, ચીન એક કેન્દ્રીકૃત અને એકરૂપ વ્યવસ્થા વાળો દેશ છે, જ્યારે ભારતમાં ઘણી ભાષાઓ, સંસ્કૃતિઓ, પરંપરાઓ અને ધર્મો છે. ભારતની વ્યવસ્થા ઘણી જટિલ છે.
આ પણ વાંચો – બિહાર વિધાનસભા ચૂંટણી : સત્તા વિરોધી લહેર કેવી રીતે ખતમ કરશે ભાજપ? જાણો શું છે ફોર્મ્યુલા
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત વિશ્વને ઘણું બધું આપી શકે છે અને તેઓ ખૂબ જ આશાવાદી છે. તેમણે કહ્યું કે ભારતીય માળખામાં પણ ઘણી ખામીઓ છે, કેટલાક જોખમો છે, જેમાંથી ભારતે બહાર આવવું પડશે. સૌથી મોટું જોખમ લોકશાહી પર થઇ રહેલો હુમલો છે.