EVM : ભારતમાં ચૂંટણી દરમિયાન ઘણીવાર વિપક્ષી પાર્ટીઓ ઈવીએમ પર આરોપ લગાવે છે. વિપક્ષની ફરિયાદ છે કે ઈવીએમમાંથી મતદાનના કારણે નિષ્પક્ષતાનો અભાવ રહે છે. આ વખતે પણ લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સહિત ઘણી પાર્ટીઓએ ઈવીએમમાં છેડછાડનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર આ મુદ્દો ઉઠાવ્યો છે અને ચર્ચા શરૂ કરી દીધી છે. ઈવીએમને બ્લેક બોક્સ ગણાવતા તેમણે કહ્યું કે કોઈને પણ તેની તપાસ કરવાની મંજૂરી નથી.
કોંગ્રેસ નેતાએ એલોન મસ્કની પોસ્ટને રિપોસ્ટ કરી
કોંગ્રેસના નેતાએ ટેસ્લા અને એક્સના માલિક એલોન મસ્કની એક પોસ્ટને રિ પોસ્ટ કરી અને એક અંગ્રેજી અખબારનો હવાલો આપ્યો હતો. પોસ્ટ સાથે તેમણે લખ્યું કે ભારતમાં ઇવીએમ એક “બ્લેક બોક્સ” છે અને કોઈને પણ તેની તપાસ કરવાની મંજૂરી નથી. આપણી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરવામાં આવી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે ત્યારે લોકશાહી દેખાડો બની જાય છે અને છેતરપિંડીની સંભાવના વધી જાય છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ ન કરવાની અલોન મસ્કની સલાહ
અલોન મસ્કની પોસ્ટ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને હતી. તેમણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી રાષ્ટ્રપતિની ચૂંટણી ન કરવાની સલાહ આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને ખતમ કરી દેવા જોઇએ. તેને માણસો કે એઆઈ દ્વારા હેક થવાનું જોખમ છે. જોકે આ ખતરો ઓછો છે તેમ છતાં ખૂબ વધારે છે.
આ પણ વાંચો – મોદી 3.0 માં કયા દેશ સાથે કેવી વિદેશ નીતિ હશે? શું છે પડકારો અને તકો?
ઈવીએમ વિવાદ પાછળ પણ મહારાષ્ટ્રની ઘટનાનો હાથ છે. મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાં શિંદે જૂથના રવીન્દ્ર વાયકર અને ઉદ્ધવ ઠાકરે જૂથના અમોલ કીર્તિકર વચ્ચે કાંટાની ટક્કર હતી. કીર્તિકર માત્ર 48 મતોથી આ બેઠક હારી ગયા હતા. તેમની પાર્ટી શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથે પરિણામ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
તેમણે એક મોટો આરોપ લગાવતા કહ્યું કે શિંદે જૂથના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સંબંધીએ તેમના ફોન સાથે ઇવીએમને કનેક્ટ કરીને ઓટીપી દ્વારા તેને અનલોક કર્યું હતું અને તેની સાથે છેડછાડ કરી હતી.
તેમણે આ મુદ્દાને ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની જાહેરાત કરી છે. તેમની ફરિયાદના આધારે વનરાઈ પોલીસે રવિન્દ્ર વાયકરના સંબંધી મંગેશ પાંડિલકર અને ચૂંટણી પંચના એન્કોર ઓપરેટર દિનેશ ગુરવ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે મોબાઇલ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે અને ઇવીએમ ટેમ્પરિંગ કેસની તપાસ હાથ ધરી છે.





