Rajya Sabha Election 2024: રાજ્યસભા ચૂંટણી 2024માં હિમાચલ પ્રદેશની સત્તાધારી પાર્ટી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જ્યાં પાર્ટી લાઇનથી હટીને કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું છે. આ કારણે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીનો પરાજય થયો છે. રાજ્યમાં જરૂરી ધારાસભ્યોની સંખ્યા અને સરકાર હોવા છતાં કોંગ્રેસના ઉમેદવારની હાર દર્શાવે છે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો માર્ગ સરળ થવાનો નથી.
કોંગ્રેસને 34 અને ભાજપને 34 મત મળ્યા હતા
ભાજપના નેતા જય રામ ઠાકુરે દાવો કર્યો છે કે જ્યાં જીતની કોઈ સંભાવના ન હતી ત્યાં અમે જીતી ગયા છીએ. તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે હવે સીએમ સુખવિંદર સિંહ સુખુએ રાજીનામું આપી દેવું જોઈએ. કોંગ્રેસને 34 અને ભાજપને 34 મત મળ્યા હતા. પછી ટોસ થયો અને હર્ષ મહાજન જીતી ગયા હતા. કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.
હવે એક મોટો સવાલ એ છે કે જ્યારે ભાજપના ઉમેદવાર હર્ષ મહાજન અને કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી બંનેને 34-34 મત મળ્યા હતા તો પછી ભાજપનો વિજય કેવી રીતે થયો. અભિષેક મનુ સિંઘવીએ પોતે આ અંગે સંપૂર્ણ માહિતી આપી છે.
આ પણ વાંચો – કાશ્મીરમાં કોંગ્રેસને એક પણ સીટ નહીં આપે નેશનલ કોન્ફરન્સ? ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું
અભિષેક મનુ સિંઘવીએ સમજાવી પ્રક્રિયા
અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે સંખ્યા સમાન હોવાની સ્થિતિમાં મતદાન અધિકારીએ બંને ઉમેદવારોના નામ અલગ અલગ સ્લિપમાં લખીને એક બોક્સમાં મૂકીને સારી રીતે ફોલ્ડ કરીને ઊંધા પાડી દીધા હતા. આ પછી પણ કોંગ્રેસને નસીબે સાથ આપ્યો ન હતો. ચિઠ્ઠીમાં હર્ષ મહાજનની જીત થઇ હતી.
ભાજપનો દાવો – રાજ્યની સુખવિંદર સિંહ સુખુ સરકાર પાસે બહુમત નથી
ભાજપના કાર્યકર્તાઓએ રાજ્યસભાના ઉમેદવાર હર્ષ મહાજનની જીત પર જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તેમણે જય રામ ઠાકુરને ઉંચકી લીધા હતા. ભાજપે દાવો કર્યો હતો કે રાજ્યની સુખવિંદર સિંહ સુખુ સરકાર પાસે બહુમત નથી. આ પહેલા મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખૂએ દાવો કર્યો હતો કે ભાજપે હરિયાણા પોલીસ અને સીઆરપીએફની મદદથી તેમના 5-6 ધારાસભ્યોને ઉઠાવી લીધા છે અને પંચકુલા લઈ ગયા છે.
સવારે સીએમ સુખુ આત્મવિશ્વાસથી ભરપૂર જણાતા ન હતા. તેમણે સવારે દાવો કર્યો હતો કે કોંગ્રેસના ઉમેદવાર સરળતાથી ચૂંટણી જીતી જશે, પરંતુ પરિણામ આવ્યા બાદ અભિષેક મનુ સિંઘવીની હાર જાહેર થઇ ગઇ છે.