Ramnath Goenka Awards : પત્રકારત્વ ક્ષેત્રે દેશના પ્રતિષ્ઠિત એવોર્ડ રામનાથ ગોએન્કા એક્સેલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા. તેમણે રામનાથ ગોએન્કા એવોર્ડ જીતનારા પત્રકારોને અભિનંદન પાઠવ્યા હતા અને સ્વાતંત્ર્ય સેનાની રામનાથ ગોએન્કાનો ઉલ્લેખ કરતા એક જૂનો પ્રસંગ યાદ કર્યો હતો. જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર પર ઘણા પ્રકારના અડચણો નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 1975ની કટોકટીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ એક એવો સમય હતો જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેમણે કહ્યું કે તે સમયે સમાચારથી લઈને ભાષણ સુધીની સ્વતંત્રતા પર સેન્સરશિપ હતી, પરંતુ તે દરમિયાન પણ રામનાથ ગોએન્કાએ કટોકટી સામે અવાજ ઉઠાવ્યો હતો.
નીતિન ગડકરીએ આ દરમિયાન રામનાથ ગોએન્કા સાથેની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે નાનાજી દેશમુખના કારણે તેમને રામનાથ ગોએન્કાને મળવાની તક મુંબઇમાં મળી હતી. તેમણે તેમના જીવનમાં ક્યારેય એથિક્સ વર્સિસ કન્વીનિયંસની મૂંઝવણ થવા દીધી નથી. તેમણે લોકશાહી માટે ઘણી લડત આપી અને આ યાત્રા લાંબા સમય સુધી ચાલુ રહી હતી.
લોકશાહીમાં મહત્વનું પત્રકારત્વ
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આપણી લોકશાહી ચાર સ્તંભ પર ઊભી છે, જેમાં વિધાયિકા, ન્યાયતંત્ર, વહીવટી તંત્ર સિવાય મીડિયાની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. નીતિન ગડકરીએ એ સમયનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે એક્સપ્રેસ ન નીકળે તેના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને હડતાળ પાડવાની યોજના હતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ રામનાથ ગોએન્કા ક્યારેય ઝુક્યા નહીં કે અટક્યા નહીં.
આ પણ વાંચો – રામનાથ ગોએન્કા એવોર્ડ્સ, સાચી પત્રકારિતાનું સન્માન, જાણો આ વખતે કોને-કોને મળ્યા એવોર્ડ્સ
વિજેતાઓ માટે કહી આ વાત
ગડકરીએ કહ્યું કે માત્ર માહિતી આપવી એ મોટું કામ નથી, પરંતુ પત્રકારત્વમાં લોકોને જાગૃત કરવા પણ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે આજના સમયમાં યુવાનો પત્રકારત્વમાં રસ લઇ રહ્યા છે. દેશ ઝડપથી બદલાઈ રહ્યો છે અને તેમાં મીડિયાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે કહ્યું કે રામનાથ ગોએન્કા એવોર્ડ જે કેટેગરીમાં આપવામાં આવ્યા છે તે તમામ મહત્વપૂર્ણ છે અને ઉત્તમ છે. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે રામનાથ ગોએન્કાએ કોઈ પણ કિંમતે પોતાનાં મૂલ્યો અને સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન કર્યું નથી અને આ જ તેમની સૌથી મોટી વિશેષતા રહી છે. તેમણે કહ્યું હતું કે જેમને આ પુરસ્કાર મળ્યો છે તેમણે રામનાથજી પાસેથી પ્રેરણા લેવી જોઈએ.
પત્રકારત્વ માટે પડકારો
આ દરમિયાન ઇન્ડિયન એક્સપ્રેસના ચીફ એડિટર રાજ કમલ ઝા એ પણ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન અમને રામનાથ ગોએન્કા એવોર્ડ માટે 1313 અરજીઓ મળી હતી, જે 18 વર્ષનો રેકોર્ડ છે. તેમણે કહ્યું કે આ એ જમાનો છે જ્યારે લોકો પત્રકારોની ચિંતા પણ કરતા નથી. તેમણે પત્રકારો સાથે રાજકારણીઓ, ન્યાયાધીશો અને અધિકારીઓના વર્તનનો ઉલ્લેખ કરતાં આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે આજના સમયમાં કેટલાક મીડિયા હાઉસના માલિકો એવી રીતે ઘૂંટણિયે પડી ગયા છે કે તેઓ ઊભા થઇ જાય તો તેમને મુશ્કેલી પડે. તેમણે કહ્યું કે અહીં બિઝનેસ કરવાની આઝાદી મળી છે પરંતુ પત્રકારત્વ માટે પરેશાની વધી રહી છે.
રાજ કમલ ઝાએ કહ્યું કે ઉજ્જવલા, જનધન, વીજળી, પાણી અને રસ્તા કરતાં પત્રકારત્વનો લાભાર્થી કોણ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. એટલે જ આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં જનતાને લગતી વાતોને સ્થાન મળ્યું છે. આ એવા અહેવાલો છે જેણે લોકોનો અવાજ સંસદ અને સત્તા સુધી પહોંચાડવામાં મદદ કરી છે.