Ratan Tata Death News in Gujarati Updates: ટાટા ગ્રુપના વડા, દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર રતન ટાટાનું બુધવારે નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. રતન નવલ ટાટાએ મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહ્યું હતું. રતન ટાટા પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા છે. દેશના લોકોએ નમ આંખોએ અંતિમ વિદાય આપી હતી.
દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
ગૃહમંત્રી અમિત શાહ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈ પહોંચ્યા હતા. દેશના રાજનેતા, ફિલ્મ સ્ટાર્સ સહિત સેલિબ્રિટીઓએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત સ્થાનિક તેમજ દેશના મોટા નેતાઓ પણ મુંબઈ પહોંચીને રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેે પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રતન ટાટાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે શ્રી રતન ટાટા જી એક દીર્ઘદૃષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ વ્યક્તિ હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સતત સ્થિર નેતૃત્વ પ્રદાન કર્યું હતું. તેમનું યોગદાન બોર્ડરૂમથી પણ ઘણું આગળ વધી ગયું હતું. તેમણે તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને સુધારવાની અવિરત પ્રતિબદ્ધતાને કારણે ઘણા લોકો વચ્ચે પોતાનું સ્થાન બનાવ્યું.





