Ratan Naval Tata Passed Away: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે અવસાન થયું હતું. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 86 વર્ષના હતા. તેમના પાર્થિવ દેહને ગુરુવારે સવારે 10.30 થી બપોરે 3.55 વાગ્યા સુધી દક્ષિણ મુંબઈના નેશનલ સેન્ટર ફોર ધ પરફોર્મિંગ ઓફ આર્ટ્સ (એનસીપીએ) ખાતે રાખવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકો, દિગ્ગજ નેતાઓ અને હસ્તીઓ તેમના અંતિમ દર્શન માટે ત્યાં પહોંચ્યા હતા. આ પછી રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ બધાની વચ્ચે રતન ટાટાનો ડોગ ગોવા પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોચ્યો હતો.
રતન ટાટાના પ્રિય ડોગ ‘ગોવા’એ પણ શ્રદ્ધાંજલિ આપી
ઉદ્યોગપતિ રતન ટાટાને કૂતરાઓ ખૂબ જ ગમતા હતા. ટાટાના તમામ પરિસરમાં રખડતા કૂતરાઓના અવરજવર પર કોઈ પ્રતિબંધ ન હતો. રતન ટાટાના નિધન બાદ તેમના પ્રિય ડોગ ‘ગોવા’એ પણ તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ આપી હતી. પોતાના માલિકના અંતિમ દર્શન કરવા પહોંચેલો તેમનો પાળતું ડોગ ગોવા લાંબો સમય ત્યાં જ બેસી રહ્યો અને રતન ટાટાને જોતો રહ્યો હતો. રતન ટાટાના મૃતદેહ નજીકથી ગોવા ડોગ હટી રહ્યો ન હતો.
આ પણ વાંચો – ‘ટાટા’ ના કારણે જ પ્રથમ વખત ઓલિમ્પિકમાં જઇ શક્યું હતું ભારત
‘ગોવા’ નામ પાછળની કહાની શું છે?
ગોવા રતન ટાટા સાથે મુંબઈ સ્થિત બોમ્બે હાઉસમાં રહેતો હતો અને તે તેમના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. રતન ટાટા જ્યારે એકવાર ગોવા ગયા હતા, ત્યારે આ ડોગ તેમના પાછળ આવી ગયો હતો, ત્યારબાદ રતન ટાટા તેને પોતાની સાથે મુંબઈ લઈ ગયા અને આ ડોગનું નામ ગોવા રાખ્યું. ગોવાના મુંબઈના બોમ્બે હાઉસમાં બાકીના ડોગ સાથે રહે છે.
ડોગની દેખભાળ કરનાર કેરટેકરે કહ્યું કે આ ડોગ છેલ્લા 11 વર્ષથી અમારી સાથે છે. જ્યારે અમે પિકનિક માટે ગયા ત્યારે સુરક્ષા ગાર્ડ્સ દ્વારા ડોગને ગોવાથી લાવ્યા હતા. રતન ટાટા તેને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેને ગોવાથી લાવવામાં આવ્યો હોવાથી ડોગનું નામ ગોવા રાખવામાં આવ્યું હતું.





