What Is Difference Between Puri And Ahmedabad Jagannath Rath Yatra 2025 : જગન્નાથ રથયાત્રા હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર છે. દર વર્ષે અષાઢ સુદ બીજ તિથિ પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિ શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે યોજાય છે. રથયાત્રા એક ધાર્મિક તહેવારની સાથે સાથે લોક ઉત્સવ સમાન છે. ઓડિશાના પુરીની જગન્નાથ યાત્રા સૌથી પ્રાચીન છે અને તેની ધાર્મિક મહત્વ ઘણું વધારે છે. પુરી બાદ અમદાવાદની જગન્નાથ રથયાત્રા પ્રસિદ્ધ છે. પુરી જેમ અમદાવાદમાં રથયાત્રા ધામધૂમપૂર્વક ઉજવાય છે. જાણો અમદાવાદ અને પુરીની જગન્નાથ રથયાત્રા વચ્ચેનો તફાવત
પુરી અને અમદાવાદ જગન્નાથ મંદિર કેટલું જૂનું છે?
ઓડિશાના પુરીનું જગન્નાથ મંદિર બહુ પ્રાચીન છે. પુરીનું જગન્નાથ મંદિર 900 વર્ષ જૂનું હોવાનું મનાય છે. પુરીના રાજા અનંતવર્મન દેવના શાસનકાળમાં પુરીમા જગન્નાથ મંદિરનું નિર્માણ વર્ષ 1135 થી 1150 દરમિયાન થયું હતું, પુરીની જગન્નાથ રથયાત્રા સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. તો અમદાવાદનું જગન્નાથ મંદિર 400 વર્ષ જૂનું છે.
અમદાવાદમાં પ્રથમવાર રથયાત્રા ક્યારે યોજાઇ હતી?
પુરીની જગન્નાથ રથયાત્રા મુખ્ય માનવામાં આવે છે. પુરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રાની શરૂઆત 12 થી 16મી સદીની વચ્ચે થઇ હોવાની માન્યતા છે. અમદાવાદમાં વર્ષ 1878માં પહેલીવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઇ હતી. આમ વર્ષ 2025ની રથયાત્રા એ અમદાવાદની 148મી રથયાત્રા યોજાઇ હતી.
રથયાત્રા કેટલી લાંબી છે?
અમદાવાદની જગન્નાથ રથયાત્રાનો માર્ગ 16 કિમી લાંબો છે. અમદાવાદમાં જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી રથયાત્રા નીકળી સરસપુરમાં રણછોડરાય મંદિર પહોંચે છે. સરસપુરને ભગવાન જગન્નાથનું મોસાળ કહેવાય છે. અહીં ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાના મામેરાની વિધિ કરવામાં આવે છે. રથયાત્રામાં આવેલા ભક્તો માટે સરસપુરની પોળમાં જમણવારની વ્યવસ્થા હોય છે.
ભગવાન જગન્નાથના રથ
પુરીમાં રથયાત્રા માટે ત્રણેય ભગવાનના રથ દર વર્ષે નવા તૈયાર કરવામાં આવે છે. પુરીમાં અખા ત્રીજથી ભગવાનના રથનું નવા નિર્માણ કરવામાં આવે છે, જો કે ડિઝાઇન પહેલા જેવી હોય છે. જ્યારે અમદાવાદમાં રથયાત્રા માટેના રથ જુના જ હોય છે. રથયાત્રા પહેલા ભગવાનના ત્રણેય રથને કલર કરી તૈયાર કરવામાં આવે છે.
રથયાત્રા પહિંદ વિધિ
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. રથયાત્રમાં પહિંદ વિધિનું ઘણું મહત્વ છે. પુરીમાં ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થાય તેની પહેલા પુરીના રાજા દ્વારા સોનાની સાવરણી વડે રસ્તો સાફ કરે છે, ત્યાર પછી રથયાત્રા પ્રસ્થાન થાય છે. અમદાવાદમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પહિંદ વિધિ કરે છે.