Republic Day 2025: પ્રજાસત્તાક દિવસની ઉજવણી, દિલ્હીના કર્તવ્ય પથ પર દુનિયા જોશે ભારતની તાકત

Republic Day 2025 Celebrations: પ્રજાસત્તાક દિવસ અવસર પર દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ યોજાશે. આ વખતે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે.

Written by Ajay Saroya
January 26, 2025 07:49 IST
Republic Day 2025: પ્રજાસત્તાક દિવસની ઉજવણી, દિલ્હીના કર્તવ્ય પથ પર દુનિયા જોશે ભારતની તાકત
Republic Day 2025: પ્રજાસત્તાક દિવસ પર દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડ યોજાય છે. (Photo: @AkashvaniAIR)

Republic Day 2025 Celebrations: આજે ભારત 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. વર્ષ 1950થી દર વર્ષે ભારત 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ ઉજવે છે. દિલ્હીમાં 76માં ગણતંત્ર દિવસ માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. કર્તવ્ય પથની સુરક્ષા માટે 15 હજાર જેટલા સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. 6 લેયરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ જગ્યાઓ પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. પ્રજાસત્તાક દિનની પરેડના રૂટ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે ગણતંત્ર દિવસ – સ્વર્ણિમ ભારતઃ ધરોહર અને વિકાસ ની થીમ હેઠળ ઉજવાઇ રહ્યો છે.

દર વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડ કર્તવ્ય પથ પર યોજાય છે. જેમાં દુનિયાભરના મહેમાનો, મુલાકાતીઓ અને દેશભરના મુખ્ય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. કર્તવ્ય પથ પર ઉપસ્થિત લોકો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો પોતાના ટીવી કે મોબાઇલ સ્ક્રીન પર પ્રજાસત્તાક દિનની પરેડનું જીવંત પ્રસારણ નિહાળે છે.

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ

આ વખતે પ્રજાસત્તાક દિનની પરેડમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો મુખ્ય અતિથિ છે. આ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. 160 સભ્યોની માર્ચિંગ દળ અને ઇન્ડોનેશિયાથી 190 સભ્યોનું બેન્ડ પણ કર્તવ્ય પથ પર ભારતીય સશસ્ત્ર દળોની ટુકડીઓ સાથે પરેડ અને કૂચમાં ભાગ લેશે.

ગણતંત્ર દિવસની પરેડમાં કેન્દ્ર સરકારના વિભિન્ન રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને મંત્રાલયો/વિભાગોના 31 ટેબ્લો ભાગ લેશે. પ્રજાસત્તાક દિનની ઉજવણી નિહાળવા માટે 34 કેટેગરીમાં 10,000થી વધુ વિશેષ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે મહેમાનોની પસંદગી કરવામાં આવી છે.

પ્રજાસત્તાક દિવસ કેમ ઉવાજય છે?

ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદી મળી હતી પરંતુ તેનું પોતાનું બંધારણ નહોતું. બંધારણનો મુસદ્દો ડૉ. બી. આર. આંબેડકરની અધ્યક્ષતાવાળી બંધારણ સભાએ તૈયાર કર્યો હતો અને તેણે ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયાનું સ્થાન લીધું હતું. બંધારણ સભાએ બંધારણનો અંતિમ મુસદ્દો 4 નવેમ્બર, 1948ના રોજ બંધારણ સભા સમક્ષ રજૂ કર્યો હતો. 26 જાન્યુઆરી, 1050ના રોજ ડો.રાજેન્દ્ર પ્રસાદે ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. 26 જાન્યુઆરીને ભારતના ગણતંત્ર દિવસ તરીકે માન્યતા આપવામાં આવી હતી કારણ કે આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. આ દિવસ ભારતના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ છે કારણ કે બંધારણ અમલમાં આવ્યા પછી ભારત એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો હતો. આ દિવસ અપાર આનંદ, આદર અને દેશભક્તિની ભાવના સાથે ઉજવવામાં આવે છે.

દેશભરમાં પ્રજસત્તાક દિવસની ઉજવણી

પ્રજાસત્તાક દિનની ઉજવણી માત્ર નવી દિલ્હીમાં યોજાતી પરેડ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશમાં શાળા, કોલેજો અને અનેક સરકારી અને ખાનગી કચેરીઓમાં દેશભક્તિની ભાવના સાથે તેની ઉજવણી કરવામાં આવે છે. શાળા-કોલેજોમાં આચાર્યો રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને આઝાદીની ચળવળ અંગે ખાસ સત્રો અને ભાષણોનું આયોજન કરવામાં આવે છે. શાળા-કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિના ગીતો, નાટકો અને નૃત્યો પણ રજૂ કરવામાં આવે છે. વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમો દ્વારા શાળાઓમાં પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવવામાં આવે છે.

કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિનની પરેડમાં દેશભરની ઘણી શાળાઓના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે. આ ઉપરાંત ભારતીય સેના, નેવી અને એરફોર્સના મોટા વિભાગોના ટેબ્લો પણ કર્તવ્ય પથ પર રજૂ કરવામાં આવે છે. પરેડ ઉપરાંત વિમાનોના એર શો ઉપરાંત બીજા પણ ઘણા કાર્યક્રમો છે.

પ્રજાસત્તાક દિનની પરેડનો સમય

પ્રજાસત્તાક દિનની પરેડ સામાન્ય રીતે સવારે 9 વાગ્યે શરૂ થાય છે. ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત તમામ મહાનુભવો ઉપસ્થિત રહે છે. આ દિવસે યોજાયેલા કાર્યક્રમો જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.

પ્રજાસત્તાક દિનની પરેડમાં ભારતના સશસ્ત્ર દળોની વીરતા જોવા મળે છે. પરેડની શરૂઆત ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાની ટુકડીઓની અનુશાસિત માર્ચથી થાય છે. તમામ રેજિમેન્ટ એકસાથે આગળ વધે છે, જેમાં જબરદસ્ત તાલમેલ હોય છે.

સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિઓ

પ્રજાસત્તાક દિનની પરેડનું મુખ્ય આકર્ષણ વિવિધ રાજ્યો, વિભાગો અને શાળાઓના સાંસ્કૃતિક કાર્યક્રમો છે. આમાં ખાસ તહેવારો, લોકનૃત્યો અને રાજ્યોની વિશિષ્ટ સંસ્કૃતિ દર્શાવવામાં આવી છે. આ પરેડમાં સ્કૂલના બાળકો પણ ખાસ ભાગ છે. માર્ચિંગ બેન્ડ્સથી માંડીને એનસીસી કેડેટ્સ સુધી, પગલાંનું આકર્ષણ અનન્ય છે. પરેડમાં ટેન્ક, મિસાઇલ અને પ્લેન જેવા આધુનિક સૈન્ય ઉપકરણો પણ દર્શાવવામાં આવ્યા છે, જે માત્ર જોવા માટે અદભૂત જ નથી, પરંતુ ભારતની દેશભક્તિ અને સંરક્ષણ શક્તિને પણ દર્શાવે છે. દર વર્ષે, ભારતીય વાયુસેના સુખોઈ, રાફેલ અને તેજસ જેવા લડાકુ વિમાનોને સમાવતી અદભૂત ફ્લાયપાસ્ટ સાથે પરેડનું સમાપન કરે છે.

પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ રાષ્ટ્રને સંબોધન કરે છે. તેમણે કહ્યું હતું કે, આ દિવસ તમામ દેશવાસીઓ માટે સામૂહિક આનંદ અને ગર્વનો વિષય છે તથા બંધારણની જાહેરાતનાં આ 75 વર્ષ આપણાં યુવા પ્રજાસત્તાકની સર્વાંગી પ્રગતિનાં સાક્ષી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ