Bihar Assembly Election Result 2025 : બિહારમાં શુક્રવારને 14 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં રેકોર્ડ બ્રેક મતદાન રહ્યું હતું. વિધાનસભાની કુલ 243 બેઠકો માટે 66.91 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ તબક્કામાં કુલ 65.08 ટકા મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં 68.76 ટકા મતદાન થયું હતું. મતદાન પછી બહાર આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ફરી એકવાર એનડીએની સરકાર બનશે તેવી આગાહી કરાઇ છે.
એનડીએમાં સામેલ પક્ષોના નેતાઓએ અત્યાર સુધીના એક્ઝિટ પોલના આંકડાને ખુલ્લેઆમ આવકાર્યો છે, જ્યારે આરજેડી અને કોંગ્રેસના નેતાઓએ આ એક્ઝિટ પોલને ફગાવી દીધા છે. મહાગઠબંધનના નેતાઓએ કહ્યું છે કે બિહારમાં તેજસ્વી યાદવના નેતૃત્વમાં સરકાર બનાવવામાં આવશે. આ દરમિયાન આરજેડી એમએલસીના વિવાદાસ્પદ નિવેદનને કારણે તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
આરજેડીના એમએલસી સુનીલ સિંહે શું કહ્યું
આરજેડીના એમએલસી સુનીલ સિંહે કહ્યું કે જો ચૂંટણીમાં છેતરપિંડી થશે તો બિહાર બીજું નેપાળ અથવા બાંગ્લાદેશ બની જશે. આ બાદ પટના પોલીસે તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. સુનીલ સિંહે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 2020માં મતગણતરી ચાર કલાક માટે બંધ કરવામાં આવી હતી. સમગ્ર જનતા રસ્તા પર આવશે અને નેપાળમાં જે દ્રશ્યો જોવા મળ્યા હતા તે જોવા મળશે. તે પછી અમે રસ્તા પર ઉતરીશું. નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં જે રીતે સત્તા વિરોધી લહેર હતી, તેવી જ સ્થિતિ હશે. પરિસ્થિતિને કાબૂમાં રાખવી મુશ્કેલ બનશે. તેમણે કહ્યું કે સરકારમાં લોકો ખોટું કરી શકે છે. જો તમે આ વખતે આવું કરશો તો તે મોંઘું પડશે.
સુનીલ સિંહે એક્ઝિટ પોલને ષડયંત્ર ગણાવ્યું
સુનીલ કુમાર સિંહે એક્ઝિટ પોલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે મતદારો મતદાન માટે કતારમાં ઉભા હતા અને એક્ઝિટ પોલ આવવા લાગ્યા હતા. આરજેડીના એમએલસીએ કહ્યું કે 4 કરોડ 98 લાખ મત પડ્યા હતા, તો પછી આરજેડીને 50થી ઓછી બેઠકો કેવી રીતે મળી રહી છે? સુનીલ સિંહે કહ્યું કે બિહારની જનતા આશ્ચર્યચકિત છે કે વોટ ગઠબંધનને મળી રહ્યા છે, તો પછી એનડીએ કેવી રીતે જીતી શકે છે? સુનીલ સિંહે એક્ઝિટ પોલને ષડયંત્ર ગણાવ્યું હતું. તેમને મતગણતરીને લઇને ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો – બિહાર એક્ઝિટ પોલ, 9 પોલમાં NDA ને બહુમત, મહાગઠબંધનને ઝટકો
બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જાયસ્વાલે સુનીલ સિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બિહારમાં કાયદાનું શાસન છે. દિલીપ જયસ્વાલે કહ્યું કે ગુંડાગીરીની વાળી સરકાર નથી. આરજેડીના લોકો હારની હતાશામાં છે. આરજેડીના લોકો જનતા અને મતદારોનું અપમાન કરી રહ્યા છે.
જેડીયુના નેતા અને પાર્ટીના પ્રવક્તા નીરજ કુમારે આ મુદ્દે કહ્યું કે કે ખિસિયાની બિલ્લી ખંબા નોચે વાળી સ્થિતિ છે. બિહારની જનતા પોતાના ચહેરા પર અપરાધનો ડાઘ લેવાની નથી. અહીં ગુંડારાજ ચાલશે નહીં, અહીં સુશાસનની સરકાર છે.





