Russian President Vladimir Putin : વિશ્વના ઘણા દેશો ઓછી થતી વસ્તીથી પરેશાન છે, તેમાં રશિયા પણ સામેલ છે. રશિયામાં જન્મદરમાં ઘટાડો થવાને કારણે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના દેશવાસીઓને ઓફિસમાં પણ સેક્સ માણવાની સલાહ આપી છે. રશિયન સરકારે લોકોને ઓફિસમાં, લંચ અને કોફી બ્રેક દરમિયાન સેક્સ કરવાની સલાહ આપી છે.
યુક્રેન સાથેના યુદ્ધને કારણે પણ દેશની વસ્તીમાં ઘટાડો થયો
રશિયન અખબાર મેટ્રોના એક અહેવાલ અનુસાર પુતિનનો આ નિર્દેશ ત્યારે આવ્યો છે જ્યારે રશિયાનો હાલનો પ્રજનન દર પ્રતિ મહિલા 1.5 બાળકો છે, જે વસ્તી સ્થિરતા માટે જરૂરી 2.1 કરતા નોંધપાત્ર રીતે ઓછો છે. યુક્રેન સાથેના યુદ્ધને કારણે દેશની વસ્તીમાં પણ ઘટાડો થયો છે, જેના કારણે દસ લાખથી વધુ લોકો રશિયાથી પલાયન કરી ગયા છે. તેમાં મોટા ભાગે યુવાનો છે.
પુતિને કહ્યું કે રશિયન લોકોની સુરક્ષા અમારી ટોચની રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. રશિયાનું ભાવિ તેના પર નિર્ભર કરે છે કે આપણામાંથી કેટલા લોકો ત્યાં હશે. તે રાષ્ટ્રીય મહત્વનો પ્રશ્ન છે. તે જ સમયે રશિયન આરોગ્ય મંત્રી ડો. યેવગેની શસ્તોપાલોવે કહ્યું કે કામમાં વધુ વ્યસ્ત રહેવું એ યોગ્ય કારણ નથી, પરંતુ એક નકામું બહાનું છે. તમે બ્રેક દરમિયાન પ્રજનમમાં સામેલ થઈ શકો છો કારણ કે જીવન ખૂબ ઝડપથી પસાર થઇ જાય છે.
આ પણ વાંચો – કોરોના પછી દુનિયામાં નવી બીમારીનો ખતરો? 4 કરોડ લોકોના થઈ શકે છે મોત, રિસર્ચમાં ખુલાસો
લાંબા સમય સુધી કામ કરતા લોકો માટે આ પ્રકારની ટિપ્સ અંગેના એક પ્રશ્નના જવાબમાં શસ્તોપાલોવે બ્રેકના સમયનો ઉપયોગ કરવાના મહત્ત્વને દોહરાવ્યું હતું. તમણે કહ્યું કે બ્રેકના ટાઇમ દરમિયાન બાળકો પેદા કરો. રશિયાના ઘટતા જન્મદરને વેગ આપવા માટે સરકારે બીજા ઘણા ઉપાયો સૂચવ્યા છે. મોસ્કોમાં 18 થી 40 વર્ષની વયની મહિલાઓને તેમના પ્રજનન સ્વાસ્થ્ય અને ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે ડિઝાઇન કરાયેલ નિ:શુલ્ક પ્રજનન સ્ક્રિનિંગમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.
છૂટાછેડાની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો
રશિયાના ચેલ્યાબિન્સ્ક ક્ષેત્રમાં સત્તાવાળાઓએ જન્મદરને વધારવાના હેતુથી આર્થિક મદદ શરૂ કરી છે. જે અંતર્ગત 24 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને પોતાના પહેલા બાળકના જન્મ પર 1.02 લાખ રૂબલ (9.40 લાખ રૂપિયા) આપવાની ઓફર કરવામાં આવે છે. સમગ્ર રશિયામાં ગર્ભપાત પર વધુને વધુ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. જાહેર હસ્તીઓ અને ધાર્મિક નેતાઓ એ વાતની વકાલત કરી રહ્યા છે કે સ્ત્રીની પ્રાથમિક જવાબદારી બાળકોને જન્મ આપવાની અને ઉછેરવાની છે. આ સાથે જ છૂટાછેડાની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
આ મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર રશિયામાં 2024ના પહેલા છમાસિક ગાળામાં 25 વર્ષમાં સૌથી નીચો જન્મ દર નોંધાયો હતો. ડેટાએ એ પણ બતાવ્યું હતું કે જૂનમાં જન્મ પ્રથમ વખત એક લાખથી ઓછો થયો હતો. જાન્યુઆરીથી જૂન 2024ની વચ્ચે રશિયામાં કુલ 5,99,600 બાળકોનો જન્મ થયો હતો, જે 2023 ના સમાન સમયગાળા કરતા 16,000 ઓછા છે.





