Russia Nuclear Chief Igor Kirillov : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સાથી લેફ્ટિનેન્ટ જનરલ ઇગોર કિરિલોવની હત્યા કરી દેવામાં આવી છે. રશિયન તપાસ સમિતિએ જણાવ્યું હતું કે મંગળવારે મોસ્કોમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં છુપાયેલા બોમ્બથી તેમનું મોત નીપજ્યું હતું. આ બ્લાસ્ટ ક્રેમલિનની નજીક થયો હતો. રોયટર્સના રિપોર્ટ અનુસાર ઇગોર કિરિલોવ રશિયાના ન્યૂક્લિયર ચીફ હતા.
શું છે સમગ્ર મામલો?
રશિયન તપાસ સમિતિના અહેવાલમાં ઇગોર કિરિલોવની હત્યાની પુષ્ટિ કરવામાં આવી છે. આ મામલે તપાસ શરૂ થઈ ગઈ છે. જ્યાં આ કેસ સામે આવ્યો છે તે સ્થળ રિયાઝાન્સ્કી પ્રોસ્પેક્ટ તરીકે ઓળખાતો રસ્તો છે, જે ક્રેમલિનથી લગભગ 7 કિલોમીટર (4.35 માઇલ) દક્ષિણપૂર્વમાં શરૂ થાય છે. જણાવવામાં આવ્યું છે કે ઇગોર કિરિલોવની સાથે તેમના સહાયકનું પણ મોત થયું છે.
તપાસકર્તાઓ અને ફોરેન્સિક નિષ્ણાતો ઘટના સ્થળે હાજર છે, સાથે જ અન્ય ઇમરજન્સી સેવાઓના સભ્યો પણ હાજર છે. ઇગોર કિરિલોવને યુક્રેનમાં રશિયાના લશ્કરી અભિયાન દરમિયાન પ્રતિબંધિત રાસાયણિક શસ્ત્રોના ઉપયોગ માટે સોમવારે યુક્રેનની એક અદાલતે ગેરહાજરીમાં સજા ફટકારી હતી, જે ફેબ્રુઆરી 2022 માં શરૂ થઈ હતી. જોકે રશિયા આ વાતને નકારે છે.
આ પણ વાંચો – ભારત વિરૂદ્ધ ઝેર ઓકનાર જસ્ટિન ટ્રુડોને મોટો ઝટકો, ડેપ્યૂટી PM એ આપ્યું રાજીનામું
બોમ્બ સ્કૂટરમાં સંતાડીને રાખવામાં આવ્યો હતો
આ મામલાની તપાસ કરી રહેલી રશિયાની તપાસ સમિતિએ કહ્યું કે આ બોમ્બને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં સંતાડીને રાખવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરિલોવનું મોત થયું હતું. તેઓ રશિયાના પરમાણુ, જૈવિક અને રાસાયણિક સુરક્ષા દળોના વડાના પદ પર તૈનાત હતા. આ ઘટના એક બિલ્ડિંગની બહાર થઇ હતી.
તપાસ એજન્સી હવે આ કેસની તપાસ કરી રહી છે અને જુદા જુદા સ્થળોએથી સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. આ વિસ્ફોટ ખૂબ જ જોરદાર હોવાની માહિતી મળી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં જોરદાર અવાજ સંભળાયો હતો.





