India-Russia: ભારતમાં રશિયન દૂતાવાસના પ્રભારી રોમન બાબુશ્કિને કહ્યું કે ભારત એક વૈશ્વિક શક્તિ છે અને વૈવિધ્યસભર વિદેશ નીતિ ધરાવતો એક અગ્રણી આર્થિક દેશ છે.
ભારતે રશિયન તેલ ખરીદવાનું બંધ કરવું જોઈએ તેવા અમેરિકાના વેપાર સલાહકારના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભારતમાં રશિયન દૂતાવાસના પ્રભારી રોમન બાબુશ્કિને કહ્યું કે જો પશ્ચિમ તમારી ટીકા કરે છે તો તેનો અર્થ એ છે કે તમે બધું બરાબર કરી રહ્યા છો.અમને આશા નથી કે આવું થશે (ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે). અમે ભારત માટે પડકારજનક પરિસ્થિતિઓ જાણીએ છીએ. આ એક સાચી વ્યૂહાત્મક ભાગીદારી છે જેનો આપણે આનંદ માણીએ છીએ.
ભારત રશિયા માટે ઘણું મહત્વ ધરાવે છે
રશિયન દૂતાવાસે કહ્યું કે ભલે ગમે તે થાય પડકારો દરમિયાન પણ અમે કોઈપણ સમસ્યાને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. રાષ્ટ્રપતિ પુતિન દ્વારા હાલમાં જ વડાપ્રધાન મોદીને ફોન કરીને યુક્રેનમાં તાજેતરમાં થયેલા ઘટનાક્રમોની જાણકારી આપી હતી. તેનો અર્થ એ છે કે ભારત રશિયા માટે ઘણું મહત્વ ધરાવે છે.
આ પણ વાંચો – પીએમ મોદી સાથે ચીનના વિદેશ મંત્રી વાંગ યી ની મુલાકાત, શું થઇ ચર્ચા
રોમન બાબુશ્કિને કહ્યું કે અમે પરસ્પર સુખ અને સંતોષ માટે કોઈ પણ સમાધાન શોધવા માટે સક્ષમ છીએ. આપણી ભાગીદારીને વધુ ગાઢ બનાવવાથી આપણને સંયુક્તપણે વિકાસ કરવામાં મદદ મળશે. તેમણે ઉમેર્યું હતું કે અમે ઘણાં વર્ષોથી પ્રતિબંધોની આ સમસ્યા જોઈ રહ્યા છીએ, પરંતુ અમારો વેપાર વધી રહ્યો છે. તાજેતરના વર્ષોમાં અમારો વ્યવસાય 7 ગણો વધ્યો છે.
રશિયન બજાર ભારતીય નિકાસને આવકારી રહ્યું છે
અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લગાવવા પર ભારતમાં રશિયન દૂતાવાસના પ્રભારી રોમન બાબુશ્કિને કહ્યું કે જો ભારતીય સામાનને અમેરિકી બજારમાં પ્રવેશવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો રશિયન બજાર ભારતીય નિકાસને આવકારી રહ્યું છે.





