Trump-Putin Alaska Meet : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે હાઈપ્રોફાઈલ બેઠક 15 ઓગસ્ટના રોજ અમેરિકાના અલાસ્કામાં થવા જઈ રહી છે. પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ અલાસ્કામાં મુલાકાત કરશે. આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા થશે.
ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે કે રશિયાએ યુદ્ધવિરામ માટે સંમત થવું જોઈએ, નહીં તો તેને મુશ્કેલ પરિણામોનો સામનો કરવો પડશે. પુતિન અને ટ્રમ્પની મુલાકાત પર આખી દુનિયાની નજર ટકેલી છે. જોકે લોકોને એ વાતથી આશ્ચર્ય થાય છે કે પુતિન કોઈ ત્રીજા દેશમાં ન જઈને મીટિંગ માટે અમેરિકા કેમ જઈ રહ્યા છે?
બંને નેતાઓની મુલાકાત અલાસ્કાના એકોરેજ શહેરમાં આવેલા જોઇન્ટ બેઝ એકમાંડોર્ફ રિચર્ડસન બેઝ પર થઇ રહી છે. આ જગ્યા એટલા માટે પસંદ કરવામાં આવી હતી કારણ કે તે સૌથી સુરક્ષિત છે. બંને દેશોના વિદેશ વિભાગો સમગ્ર કાર્યક્રમ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.
પુતિનની સુરક્ષા કેવી છે?
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર અમેરિકાના વિદેશ વિભાગે આ માટે પૂરી તૈયારી કરી લીધી છે. આ બેઠક પહેલા અલાસ્કાને એક અભેદ્ય કિલ્લામાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે. એટલે કે આખા શહેરમાં રશિયન અને અમેરિકાના સુરક્ષાકર્મીઓ તૈનાત છે. યુએસ સિક્રેટ સર્વિસની ટીમ બેઝની આસપાસ ગોઠવાયેલી છે, જ્યારે પુતિનને રક્ષણ આપતી ટીમ પણ સંપૂર્ણપણે તૈનાત છે.
આ પણ વાચો – ટેરિફની ધમકી વચ્ચે લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું આશ્વાસન, કહ્યું – દિવાલ બનીને ઉભો રહીશ
પુતિનને સુરક્ષા કરતી ટીમને ‘મસ્કિટિયર્સ’ કહેવામાં આવે છે. તેની પસંદગી રશિયાની ફેડરલ પ્રોટેક્ટિવ સર્વિસના યુનિટમાંથી થાય છે. યુએસ અને રશિયન વિશેષ એજન્ટોએ એક મજબૂત સુરક્ષા કોર્ડન બનાવ્યું છે. બેઝ પાસે અમેરિકન સૈનિકો પણ તૈનાત કરવામાં આવ્યા છે.
સુરક્ષા એવી છે કે અમેરિકન લોકો પણ ચોંકી જશે. તેનો વિચાર આ રીતે કરો કે જો કોઇ પણ રૂમની બહાર 10 અમેરિકન એજન્ટ્સ લાગેલા હશે તો બીજી તરફ એટલા જ એજન્ટો તૈનાત હશે. એટલે કે અહીં જેટલા સૈનિકો હશે તેટલા જ સૈનિકો ત્યાંથી હશે. આ બધા પાસે એક ખતરનાક હથિયાર પણ હશે. બંને દેશોની ટ્રાન્સલેશન ટીમો પણ પહોંચી છે.
અલાસ્કાને મીટિંગ માટે કેમ પસંદ કરવામાં આવ્યું?
આ બેઠક માટે અલાસ્કાને પસંદ કરવાનું મુખ્ય કારણ કાનૂની અને ભૌગોલિક સ્થિતિ છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સામે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઇસીસી) તરફથી ધરપકડ વોરંટ જારી છે. આવી સ્થિતિમાં પુતિનની એ દેશોમાં ધરપકડ થઇ શકે છે જે આઇસીસીના સભ્ય છે. અમેરિકા પોતે જ આઇસીસીનું સભ્ય નથી. આવી સ્થિતિમાં અહીં પુતિનની ધરપકડ ન થઈ શકે. બીજી તરફ અલાસ્કાની ભૌગોલિક સ્થિતિનો ઉલ્લેખ કરીએ તો રશિયાના સૈન્ય મથકથી તેનું અંતર 88 કિલોમીટર છે.
રશિયાએ અલાસ્કા અમેરિકાને વેચ્યું હતું
અલાસ્કા એક સમયે રશિયાનો ભાગ હતું. 18મી સદીમાં રશિયન સામ્રાજ્યએ અહીં લોકોને સ્થાયી કરવાનું શરૂ કર્યું અને વેપાર માટે ચેક પોસ્ટ્સ પણ બનાવવામાં આવી. જો કે 1867માં રશિયા અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ હતી. આ કરાર હેઠળ રશિયાએ અલાસ્કાને 72 લાખ ડોલરમાં અમેરિકાને વેચી દીધો હતો. જોકે જ્યારે તેને વેચવામાં આવ્યું ત્યારે અલાસ્કા રશિયા માટે એટલું મહત્વનું ન હતું.





