Russia-Ukraine War: રશિયા અને યુક્રેન યુદ્ધ ખતમ કરવાની દિશામાં સાઉદી અરેબિયાએ અમેરિકા અને રશિયા વચ્ચેની પ્રથમ બેઠકમાં મધ્યસ્થી કરી હતી. આ બેઠકનો હેતુ યુક્રેનમાં રશિયન યુદ્ધને રોકવા માટે બંને દેશો કેવી રીતે સાથે મળીને કામ કરી શકે છે તે અંગે સર્વસંમતિ સાધવાનો હતો. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું કે અમેરિકા અને રશિયાના અધિકારીઓ યુક્રેનમાં શાંતિ અને આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે વાતચીત કરવા માટે એક ઉચ્ચ સ્તરીય ટીમની રચના કરવા માટે સંમત થયા છે.
સાઉદી અરબમાં આ બેઠક ચાર કલાક સુધી ચાલી હતી. આ મીટિંગમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે બહુ જલદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીતનો રસ્તો ક્લિન થઈ જશે, પરંતુ આ બેઠકમાં કોઈ સમજૂતી થઈ શકી નથી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના વિદેશી બાબતોના સલાહકાર યુરી ઉશાકોવે જણાવ્યું હતું કે બંને દેશોના પ્રતિનિધિમંડળોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. અમે તેના માટે તૈયાર છીએ, પરંતુ બંને નેતાઓની બેઠકની નિશ્ચિત તારીખ વિશે વાત કરવી હજી મુશ્કેલ છે.
અમેરિકા અને રશિયા વચ્ચે કયા મુદ્દા પર સહમતી બની?
આ મીટિંગ બાદ એસોસિએટેડ પ્રેસ સાથેની મુલાકાતમાં રુબિયોએ જણાવ્યું હતું કે બંને પક્ષો ત્રણ બાબતો પર વ્યાપકપણે સંમત થયા હતા. આમાં વોશિંગ્ટન અને મોસ્કોમાં તેમના દૂતાવાસોમાં સ્ટાફની બહાલી, યુક્રેન શાંતિ વાર્તાનું સમર્થન કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય ટીમની રચના અને ઘનિષ્ઠ સંબંધો અને આર્થિક સહયોગની સંભાવના શોધવી સામેલ છે.
આ પણ વાંચો – અમેરિકાથી ડિપોર્ટ ભારતીયોનું ત્રીજુ વિમાન અમૃતસર પહોંચ્યું, 33 ગુજરાતી સહિત 112 પ્રવાસી સામેલ
વર્ષોથી મોટી સંખ્યામાં રાજદ્વારીઓની હકાલપટ્ટીને કારણે બંને દૂતાવાસોને ભારે નુકસાન થયું છે. આ કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. અમેરિકાએ યુરોપિયન દેશોની સાથે મળીને રશિયા પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે.
માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જ રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવી શકે છે: ટેમી બ્રુસ
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસે આ બેઠકને લઇને કહ્યું કે અમેરિકા હત્યાઓનો અંત લાવવા માંગે છે અને દેશોને એક સાથે લાવવા માટે વિશ્વભરમાં તેની શક્તિનો ઉપયોગ કરવા માટે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકમાત્ર એવા નેતા છે જે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત લાવી શકે છે.





