Russia Ukraine war | રશિયા યુક્રેન યુદ્ધ : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયા દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓ પર નિવેદન આપ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ રાત્રે અને વહેલી સવારે બોમ્બ ધડાકાની નિંદા કરતા કહ્યું કે અત્યાર સુધીમાં 100 થી વધુ મિસાઇલો છોડવામાં આવી છે. આ હુમલાઓને કારણે યુક્રેનને ઘણું નુકસાન થયું છે. યુક્રેનના ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નોંધપાત્ર અસર થઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જણાવ્યું કે, હુમલા મધ્યરાત્રિની આસપાસ શરૂ થયા અને સવાર સુધી ચાલુ રહ્યા.
આ હુમલાઓ ખાર્કિવ, કિવ, ઓડેસા અને પશ્ચિમી વિસ્તારો સહિત યુક્રેનિયન પ્રદેશોને નિશાન બનાવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે, ઝેલેન્સકીએ કહ્યું હતું કે હુમલાનો હેતુ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવાનો હતો, જેમ કે થયું છે.
વડાપ્રધાને શું કહ્યું?
યુક્રેનના વડા પ્રધાન ડેનિસ શ્મિહલે પુષ્ટિ કરી હતી કે, રશિયા દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓએ દેશના અડધાથી વધુ વિસ્તારો એટલે કે 15 પ્રદેશોને નિશાન બનાવ્યા છે. રશિયન સેનાએ ડ્રોન, ક્રુઝ મિસાઇલ અને હાઇપરસોનિક કિંજલ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. કિવમાં થયેલા વિસ્ફોટોના કારણે વીજળી ડૂલ થઈ ગઈ હતી અને સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક અધિકારીઓએ ઓછામાં ઓછા ચાર મૃત્યુની પુષ્ટિ કરી છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખરાબ અસર
રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાઓને કારણે યુક્રેનમાં નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નોંધપાત્ર નુકસાન થયું અને પરિણામે રહેણાંક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. સુમીની 194 વસાહતોમાં સંપૂર્ણ અંધારપટ છવાઈ ગયો હતો. યુક્રેનની ખાનગી ઉર્જા કંપની, DTEK, એ કટોકટી બ્લેકઆઉટ જાહેર કર્યું છે અને પાવર પુનઃસ્થાપિત કરવા માટે ચોવીસ કલાક કામ કરી રહી છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, જેથી ઘણી ટીમો ટૂંક સમયમાં પાવર પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. આ દરમિયાન, બેલારુસને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે.
આ પણ વાંચો – રશિયા પર 9/11 જેવો હુમલો! સેરાટોવની સૌથી ઊંચી ઈમારત પર યુક્રેને કર્યો ડ્રોનથી હુમલો, જુઓ વીડિયો
બેલારુસ દ્વારા યુક્રેન પર પણ હુમલો થઈ શકે છે. એવા અહેવાલો છે કે, યુક્રેન દ્વારા બેલારુસિયન સૈન્યને તેની સરહદ પરથી સૈનિકો હટાવવાની ચેતવણી આપવામાં આવી છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, બેલારુસે મોસ્કોના દબાણમાં આવીને કોઈ પગલું ભરવું જોઈએ નહીં તો તેને પરિણામ ભોગવવું પડી શકે છે. બેલારુસને પુતિનની નજીક માનવામાં આવે છે અને આ સમગ્ર મામલાને રશિયા સાથે મળીને યુક્રેનને ઘેરવાની દ્વિ-માર્ગીય યોજનાના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે.





