Russia-Ukraine War: મંગળવારે સાઉદી અરબમાં થયેલી વાતચીતમાં રશિયા અને યુક્રેને બ્લેક સી માં જહાજો પર સૈન્ય હુમલા ન કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. આ જાણકારી વ્હાઈટ હાઉસ તરફથી આપવામાં આવી છે. આ સાથે જ વ્હાઈટ હાઉસે કહ્યું કે બંને દેશો સુરક્ષિત નેવિગેશન, બળ પ્રયોગને રોકવા અને બ્લેક સી માં સૈન્ય હેતુ માટે કોર્મશિયલ જહાજોના ઉપયોગને રોકવા માટે સહમત થયા છે. જો કે યુક્રેનના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે રશિયન વોરશિપની અવરજવર બ્લેક સી કરારનું ઉલ્લંઘન હશે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે મોસ્કો, કિવ અને વોશિંગ્ટન પણ બ્લેક સી માં યાત્રા કરતા જહાજોની સલામતી અંગે સંમત થયા છે. રશિયાએ કહ્યું છે કે તે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી પર વિશ્વાસ કરી શકે નહીં અને તેથી તે બ્લેક સી પર ત્યારે જ સાઇન કરશે જ્યારે વોશિંગ્ટન તેનું સન્માન કરવાનો આદેશ જાહેર કરે.
રશિયાના વિદેશ મંત્રીએ શું કહ્યું?
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે મંગળવારે દેશના સરકારી ચેનલ વન ટીવી સ્ટેશનને જણાવ્યું હતું કે રિયાધમાં રશિયન અને અમેરિકન પ્રતિનિધિમંડળોએ મુખ્યત્વે કાળા સમુદ્રમાં સલામત શિપિંગના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કાળો સમુદ્ર એ એક મહત્વપૂર્ણ શિપિંગ કોરિડોર છે. રશિયા અને યુક્રેન બંને દેશોના તેના પર બંદરગાહ અને તટ છે. લાવરોવે એમ પણ કહ્યું હતું કે મોસ્કો 2022ના કરારને ફરીથી શરુ કરવા માટે તૈયાર છે જે અંતર્ગત યુક્રેનને આફ્રિકા, મધ્ય પૂર્વ અને એશિયાના દેશોમાં કાળા સમુદ્ર દ્વારા અનાજ મોકલવાની મંજૂરી આપી હતી, જ્યાં ભૂખમરો વધતો ખતરો છે.
આ પણ વાંચો – ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફથી ભારત ટેન્શનમાં, સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવું મુશ્કેલ બનશે
ઝેલેન્સ્કીએ અગાઉ કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર શાંતિના પ્રયાસોથી વિશ્વાસ કરી શકાય નહીં. યુક્રેનના સંરક્ષણ મંત્રી રુસ્તમ ઉમરોવે જણાવ્યું હતું કે કિવ દરિયાઇ યુદ્ધવિરામ અને રશિયા અને યુક્રેન દ્વારા એકબીજાના ઊર્જા માળખા પર કરવામાં આવેલા હુમલાઓથી દૂર રહેવા અને બંધ કરવા સંમત થયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાએ કર્યો ચમત્કાર
આ કરાર પાછળ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કમાલ છે. ટ્રમ્પે તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી અને બંનેને યુદ્ધવિરામ માટે સંમત થવા સમજાવ્યા હતા. જોકે આ યુદ્ધવિરામના અમલ અને દેખરેખની પદ્ધતિઓ હજી સુધી સાફ કરવામાં આવી નથી.





